08 December, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત પ્રત્યે લાગણી વ્યક્ત કરી સારાએ
સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ને ગઈ કાલે સાત વર્ષ પૂરાં થયાં હતાં. આ દિવસે સારાએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી, જેમાં તેણે આ ફિલ્મના અનુભવોને યાદ કર્યા અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પ્રત્યે ખાસ કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ પોસ્ટમાં સારાએ ૨૦૧૭ના એ ‘જાદુઈ સમય’ને યાદ કરીને કહ્યું કે તે એને ફરી જીવવા માટે પાછી જવા માગે છે, બદલાવ કરવા માટે નહીં પણ એને માણવા માટે અને કદર કરવા માટે.
સારાએ પોસ્ટમાં લખ્યું છે કે ‘કેદારનાથ’ ફિલ્મને ૭ વર્ષ. કાશ, ૨૦૧૭માં પાછું જઈ શકાય! કોઈ પણ ક્ષણને બદલવા માટે નહીં, પણ એ જાદુઈ સમયની દરેક સેકન્ડને ફરીથી જીવવા, માણવા અને સાચી કદર કરવા માટે. હું તેને રોજ મિસ કરું છું, પણ તેણે મને જે આપ્યું એ અને જે શીખવ્યું એ બધા માટે હું કૃતજ્ઞ છું.’
આ પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત પ્રત્યે લાગણી વ્યક્ત કરીને સારાએ લખ્યું છે કે ‘ધન્યવાદ સુશાંત, મને બ્લૅક કોફીનો પરિચય કરાવવા માટે, મારામાં ટ્રેકિંગ પ્રત્યેના પ્રેમની શરૂઆત કર્યા માટે, ચંદ્ર પ્રત્યે મારા જુસ્સાને જગાડવા માટે, કૅમેરા પ્રત્યે મારા સાચા પ્રેમને જગાડવા માટે, પર્વતીય ખોરાક પ્રત્યે મારી ઝંખનાને સમજાવવા માટે. આ તમામના વચ્ચે, હંમેશાં મને કુતૂહલ અનુભવવા પ્રોત્સાહિત કરવા માટે, પ્રયત્ન કરતા રહેવાની સમજણ આપવા માટે અને શીખતા રહેવાની યાદ અપાવવા માટે. જય ભોલેનાથ.’