રેખાને પગે લાગ્યો અને બહેન સાથે કાપી બર્થ-ડે કેક

09 March, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ફિલ્મના સ્ક્રીનિંગ વખતે ઇબ્રાહિમ અલી ખાનનો અનોખો ઉત્સાહ, જોકે કથિત ગર્લફ્રેન્ડ પલક તિવારીની ગેરહાજરી બની ચર્ચાસ્પદ

ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન

ફિલ્મમેકર બોની કપૂરની દીકરી ખુશી અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનની ફિલ્મ ‘નાદાનિયાં’ આજે ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું, જ્યાં બૉલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. ઇબ્રાહિમ આ ફિલ્મથી બૉલીવુડ અને OTTમાં ડેબ્યુ કરી રહ્યો છે, જ્યારે ખુશીની આ કુલ ત્રીજી ફિલ્મ છે. ખુશી અગાઉ ઝોયા અખ્તરની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધી આર્ચીઝ’માં જોવા મળી હતી. ૨૦૨૫માં તેણે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે ‘લવયાપા’માં કામ કર્યું છે. બન્ને ફિલ્મોમાં ખુશીના કામને પ્રશંસા મળી, પરંતુ ફિલ્મો સફળ નથી રહી.

આ ફંક્શનમાં રેખા પણ હાજર રહી હતી અને તે ખુશી અને ઇબ્રાહિમની ફિલ્મ જોવા પહોંચી હતી. આ પ્રીમિયરમાં રેખાનું આગમન થતાં ઇબ્રાહિમ તેને પગે લાગ્યો હતો. ઇબ્રાહિમનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને લોકો ઇબ્રાહિમની વર્તણૂક તેમ જ સંસ્કારનાં વખાણ કરી રહ્યા છે.

બોની કપૂર

છવાયો બોનીનો નવો લુક

‘નાદાનિયાં’ રિલીઝ થવાની છે ત્યારે સારા અલી ખાન પણ તેના ભાઈને સપોર્ટ કરવા સ્ક્રીનિંગમાં પહોંચી ગઈ હતી. આ સ્ક્રીનિંગમાં ખુશીના પપ્પા બોની કપૂર અને બહેન જાહ્‍નવી પણ હાજર હતાં. અહીં બોનીના નવા લુકને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તેમણે સારું એવું વજન ઘટાડી નાખ્યું છે.

જાહ્‍નવી કપૂર

કરીનાએ આપી શુભેચ્છા                                                                                        

કરીના કપૂર ખાને તેના સાવકા દીકરા ઇબ્રાહિમ અલી ખાનને તેની ૨૪મી વર્ષગાંઠ પર સોશ્યલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર ઇબ્રાહિમની એક તસવીર શૅર કરી અને લખ્યું હતું, ‘જન્મદિવસ મુબારક હો મારા પ્રિય પુત્ર. તને જલદી મોટા પડદા પર જોવા માટે ઉત્સાહી છું.’

સ્ટાર્સની હાજરી

‘નાદાનિયાં’ના સ્ક્રીનિંગમાં કુણાલ ખેમુ, કરણ જોહર, સોનમ કપૂર, અર્જુન કપૂર, ડિરેક્ટર ઍટલી-પત્ની પ્રિયા ઍટલી, સુહાના ખાન, રાજકુમાર હીરાણી, જાહ્‍નવી કપૂર, મહિમા ચૌધરી, અર્ચના પૂરણ સિંહ અને સોહા અલી ખાન જેવાં અનેક સ્ટાર્સ હાજર હતાં.

ઇબ્રાહિમ અને પલકનું બ્રેકઅપ કન્ફર્મ?

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનની પાંચમી માર્ચે ૨૪મી વર્ષગાંઠ હતી. એ દિવસે જ તેની પહેલી ફિલ્મ ‘નાદાનિયાં’નું સ્ક્રીનિંગ હતું. ઇબ્રાહિમ અને ખુશી કપૂરને ચમકાવતી આ ફિલ્મ આજે OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ બન્ને પ્રસંગોનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. જોકે આ સેલિબ્રિટીઓ વચ્ચે પલક તિવારીની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. જોકે આ સ્ક્રીનિંગમાં ઇબ્રાહિમની મમ્મી અમૃતા સિંહ પણ નહોતી આવી.

માનવામાં આવે છે કે ઇબ્રાહિમ અને ટીવી-ઍક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં, પણ ઇબ્રાહિમના જીવનના મહત્ત્વના પ્રસંગોએ તેની ગેરહાજરીને કારણે ચર્ચા છે કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

જોકે ઇબ્રાહિમ અને પલકે ક્યારેય તેમની ડેટિંગની અફવાને કન્ફર્મ નથી કરી.

boney kapoor khushi kapoor janhvi kapoor saif ali khan sara ali khan rekha netflix kareena kapoor viral videos social media happy birthday bollywood bollywood news entertainment news