કર્ણાટકમાં ઠગ લાઇફ રિલીઝ નહીં કરું પણ માફી નહીં માગું

06 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટની આકરી ટીકા પછી પણ કમલ હાસનનું અડગ વલણ

ગઈ કાલે ચેન્નઈમાં પોતાની આગામી ફિલ્મ ‘ઠગ લાઇફ’ વિશેની પ્રેસ-કૉન્ફરન્સમાં કમલ હાસન.

કમલ હાસને કન્નડા ભાષાની ઉત્પત્તિ વિશે જે નિવેદન આપ્યું હતું એના પર વિવાદ વધતો જાય છે. જોકે આ મામલે કમલ હાસન કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સ (KFCC)એ કહ્યું હતું કે જો કમલ હાસને માફી ન માગી તો તેમની ફિલ્મ ‘ઠગ લાઇફ’ને કર્ણાટકમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ પ્રતિબંધ હટાવવા માટે કમલ હાસને હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે કમલ હાસનના અભિગમની આકરી ટીકા કરી હતી પણ આની પણ કમલ હાસન પર કોઈ અસર થઈ નથી. તે માફી પણ નહીં માગે અને કર્ણાટકમાં ‘ઠગ લાઇફ’ રિલીઝ પણ નહીં કરે. 

કમલ હાસને તાજેતરમાં કહ્યું હતું કે કન્નડા ભાષા તામિલમાંથી નીકળી છે અને આના પર જ હોબાળો મચી ગયો. આખા કર્ણાટકમાં કમલ હાસન અને તેની ફિલ્મ ‘ઠગ લાઇફ’નો વિરોધ શરૂ થઈ ગયો, પરંતુ કમલ હાસનનું કહેવું છે કે તેમણે એવું કંઈ નથી કહ્યું જેના માટે તેઓ માફી માગે.

આ મામલામાં કમલ હાસનની કંપનીએ ફિલ્મની રિલીઝ વખતે સુરક્ષા આપવા માટે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી પણ હાઈ કોર્ટે કમલ હાસનની ટીકા કરતાં કહ્યું હતું કે તે ભલે મોટા સ્ટાર હોય, પરંતુ તેમને કર્ણાટકના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. એક માફી માગવાથી સમસ્યા ઉકેલાઈ શકે છે. 

જોકે કમલ હાસનના વકીલે દલીલ કરી હતી કે કમલ હાસને કન્નડા ભાષાનું કોઈ અપમાન નથી કર્યું. હવે કમલ હાસનના વકીલે ન્યાયમૂર્તિ એમ. નાગપ્રસન્નાની બેન્ચને જાણ કરી કે કમલ હાસન અને તેમની પ્રોડક્શન કંપની રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનૅશનલે જ્યાં સુધી તેઓ કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સ (KFCC) સાથે વાતચીત ન કરે ત્યાં સુધી કર્ણાટકમાં ‘ઠગ લાઇફ’ને રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે.

ઠગ લાઇફની રિલીઝ માટે થિયેટરમાલિકોએ ખખડાવ્યો કર્ણાટક હાઈ કોર્ટનો દરવાજો

તામિલ સુપરસ્ટાર કમલ હાસનની આગામી ફિલ્મ ‘ઠગ લાઇફ’ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં કમલ હાસને કન્નડા ભાષા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી કર્ણાટકનાં સંગઠનો તેમના આ નિવેદનની ટીકા કરી રહ્યાં છે અને તેમની ફિલ્મ ‘ઠગ લાઇફ’નો વિરોધ કરી રહ્યાં છે. આ મામલો હવે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. હાઈ કોર્ટે આગામી સુનાવણી સુધી ફિલ્મના કર્ણાટકમાં રિલીઝ પર બૅન લગાવી દીધો છે. આવી સ્થિતિમાં કર્ણાટકનાં થિયેટરોએ હાઈ કોર્ટ પાસે માગણી કરી છે કે તેમને ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે.

‘ઠગ લાઇફ’ દેશભરમાં રિલીઝ થવા પહેલાં બૅન્ગલોરનાં કેટલાક થિયેટરવાળા કર્ણાટક હાઈ કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યાં છે. તેઓ માગણી કરી રહ્યાં છે કે ફિલ્મને નિર્ધારિત તારીખ ૫ જૂનના રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવે. તેમણે ફિલ્મ રિલીઝની સુરક્ષાની પણ માગણી કરી છે. થિયેટરોના માલિકોનું કહેવું છે કે તેમને ધમકી આપવામાં આવી છે કે જો તેઓ ફિલ્મ રિલીઝ કરશે તો તેમની સંપત્તિને નુકસાન થઈ શકે છે. તેમની દલીલ છે કે જો સ્ક્રીનિંગમાં કોઈ પણ પ્રકારનો વિલંબ થશે તો તેમને નાણાકીય નુકસાન થઈ શકે છે. તેમને ડર છે કે જો ફિલ્મને અલગ-અલગ સમયે રિલીઝ કરવામાં આવશે તો એની ગેરકાયદેસર કૉપી ઑનલાઇન વાઇરલ થઈ જશે જેની સીધી અસર થિયેટરોમાં ટિકિટના વેચાણ પર પડશે.  

કમલ હાસનની આ ફિલ્મમાં તેમના સિવાય અલી ફઝલ, નાસર, અભિરામી, અશોક સેલ્વન અને ત્રિશા ક્રિષ્નન છે. આ ફિલ્મનું ડિરેક્શન મણિ રત્નમે કર્યું છે. આ એક ગૅન્ગસ્ટર ડ્રામા ફિલ્મ છે અને એ ૫ જૂનના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

kamal haasan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news karnataka high court