નરેન્દ્ર મોદીની સરકાર ફરી આવે એવી મારી ઇચ્છા છે : પરેશ રાવલ

11 January, 2019 08:49 AM IST  |  | Harsh Desai

નરેન્દ્ર મોદીની સરકાર ફરી આવે એવી મારી ઇચ્છા છે : પરેશ રાવલ

પરેશ રાવલ

પરેશ રાવલ, વિકી કૌશલ અને યામી ગૌતમની ‘ઉડી’ આજે રિલીઝ થઈ રહી છે. ૨૦૧૬માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે કેટલાક લોકો એવો પણ વિરોધ કરી રહ્યા હતા કે ભારતે આવું ખરેખર કર્યું છે ખરું? જોકે પરેશ રાવલનું કહેવું છે આ ફિલ્મ એવા લોકો માટે જ છે જેમને જોયા બાદ ખબર પડશે કે આર્મીએ કેટલું સફળ મિશન હાથ ધર્યું હતું. પરેશ રાવલ તેમના પાત્રની સાથે પૉલિટિક્સને લઈને પણ એટલા જ ચર્ચામાં રહે છે. પરેશ રાવલે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશો જોઈએ :

‘ઉરી’ દર્શકો સમક્ષ રજૂ કરવી કેટલી જરૂરી છે?

આ ફિલ્મ અમે દર્શકો માટે બનાવી છે. આપણી આર્મીએ જે પરાક્રમ કર્યું હતું એ લોકો સમક્ષ લાવવું જરૂરી હતું. આ ફિલ્મ એવી વ્યક્તિઓ માટે પણ છે જેઓ આર્મી પર ડાઉટ કરતા હતા. આર્મીની તાકાત પર શંકા કરનાર વ્યક્તિ માટે પણ આ ફિલ્મ છે.

તમે આજ સુધી મોટા ભાગનાં ઘણાં પાત્રો ભજવ્યાં છે, પરંતુ ‘ઉડી’નું પાત્ર તમારા માટે કેવી રીતે અલગ હતું?

મેં આજ સુધી આવું એક પણ પાત્ર નથી ભજવ્યું. મેં આજ સુધી આર્મી પર આધારિત એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું. આ ખૂબ જ સેન્સિબલ ફિલ્મ છે. સર્જિકલ સ્ટ્રાઇકનો જે પ્લાન અથવા તો રિપોર્ટ કહો એ અમારી પાસે આવ્યો હતો ત્યારે મને લાગ્યું હતું કે આ ફિલ્મ કરીને મને ઘણું સારું લાગશે.

‘ઉડી’માંથી જો વાસ્તવિક ઘટનાને હટાવી દેવામાં આવે તો બાકીની દેશભક્તિવાળી ફિલ્મો કરતાં એ કેવી રીતે અલગ પડશે?

વાસ્તવિકતાને હટાવવાની જરૂર શું છે? આ તો ‘દીવાર’ ફિલ્મમાંથી મમ્મીને હટાવવા જેવું થયું. અત્યાર સુધીમાં જેટલી વૉર-ફિલ્મ બની છે એ વિશે તો હું કંઈ કહેવા નથી માગતો, પરંતુ એટલું જરૂર કહીશ કે આટલા પ્લાનિંગવાળી આ પહેલી વૉર-ફિલ્મ હશે. આ ફિલ્મમાં સૈનિક છે, પરંતુ એમ છતાં એને વૉર-ફિલ્મ ન કહો તો ચાલે. વૉર કરતાં ફિલ્મ એક મિશન વધુ છે, જે આપણા સૈનિકોએ બૉર્ડર ક્રૉસ કરીને પાર પાડ્યું હતું.

‘ઉરી’ આજે રિલીઝ થઈ રહી છે અને ઇલેક્શન પહેલાં ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઠાકરે’ પણ આવી રહી છે. આ પૉલિટિકલ અટેન્શન મેળવવા માટે કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે, એ વિશે તમારું શું કહેવું છે?

ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક તો ઇલેક્શન ચાલતું જ હોય છે. ઇલેક્શન આવી રહ્યું હોવાથી ફિલ્મ રિલીઝ ન કરવી એવું નથી હોતું. કાલ ઊઠીને કોઈ એમ પણ કહેશે કે ગરીબો માટે જે બિલ લાવવામાં આવ્યું છે એ ઇલેક્શન માટે લાવવામાં આવી રહ્યું છે. મારું કહેવું છે કે કોઈ પણ કામ કરવામાં વચ્ચે ઇલેક્શન ક્યાંથી આવે છે? સારું કામ કરવું હોય તો સમય જોવાની જરૂર નથી. શું પાકિસ્તાન અને શ્રીલંકામાં ઇલેક્શન ચાલી રહ્યું હોય ત્યારે સારું કામ કરવું જોઈએ? કેટલાક લોકો શું બોલી રહ્યા છે એ તેમને પોતાને ખબર નથી હોતી.

‘ઉરી’માં એક ડાયલૉગ છે કે ‘યે નયા હિન્દોસ્તાન હૈ... ઘર મેં ઘૂસેગા ભી ઔર મારેગા ભી’. તો ‘યે નયા હિન્દોસ્તાન’ યોગ્ય સમયે આવ્યું છે કે પછી એને પહેલાં લાવવું જોઈતું હતું?

આટલાં વર્ષ સુધી ઇન્ડિયા ચૂપ બેઠું હતું. આટલાં વર્ષ સુધી આપણે ધીરજ રાખી હતી. આપણે માનવતા દેખાડી હતી. આપણે તેમને મિત્ર સમજતા હતા અને આજે પણ સમજીએ છીએ. તેઓ આપણા પાડોશી તો છે જ. આપણે તેમને ઘણા ચાન્સ આપ્યા છે, પરંતુ હવે નહીં મળે. આપણે હવે તેમને જવાબ આપીશું. પહેલાં આપણી પાસે પૉલિટિકલ વ્હીલ સ્ટ્રૉન્ગ નહોતું. આજે આપણી પાસે પૉલિટિકલ વ્હીલ પણ ખૂબ જ દમદાર છે. આપણું સૈન્ય તો હંમેશાંથી જ તાકાતવર રહ્યું છે. જોકે ‘નયા હિન્દોસ્તાન’ માટે પૉલિટિકલ વ્હીલ પણ તાકતવર જોઈએ અને એ આપણી પાસે આવી ગયું છે અને એટલે જ નયા હિન્દોસ્તાન જોવા મળ્યું છે. કોઈ પણ આપણા ઘરમાં આવીને આપણને મારી જાય છે અને એનાથી લોકો પરેશાન થઈ ગયા છે. આથી તેમને હવે જવાબ તો આપવો જ રહ્યો.

સર્જિકલ સ્ટાઇકમાં તો આપણે નયા હિન્દોસ્તાનને જોઈ લીધું, પરંતુ હજી ભારતમાં એવા કયા મુદ્દા છે જે માટે એ જરૂરી છે?

નયા હિન્દોસ્તાનની જરૂરત બધે જ છે. નયા હિન્દોસ્તાન એ જ હશે જ્યાં ભેદભાવ નહીં હોય. આતંકવાદ નહીં હોય. બધા એકસાથે હળીમળીને રહે એ જ નયા હિન્દોસ્તાનની કલ્પના છે.

તમે જે બિલની વાત કરી ગરીબો માટે તો એ બિલ વધુ યોગ્ય છે કે પહેલાંથી જાતિને લઈને જે આરક્ષણ રાખવામાં આવતું હતું એ વધુ યોગ્ય છે?

ઇકૉનૉમીને ધ્યાનમાં રાખીને જે બિલની માગ કરવામાં આવી છે એ વધુ યોગ્ય છે. દરેક વ્યક્તિની અલગ-અલગ જાતિ હોય છે, પરંતુ એ જાતિનો ઉપયોગ કરીને ન તો કોઈ વ્યક્તિએ તેમનું કામ કરાવવું જોઈએ અને ન તો કોઈનું કામ બગાડવું પણ જોઈએ.

જો તમને એક દિવસ માટે વડા પ્રધાન બનાવવામાં આવે તો એવા કયા ત્રણ મુદ્દા હશે જે તમે નાબૂદ કરવા માગશો?

પહેલાં તો ન્યાયતંત્રને હું વધુ મજબૂત કરવા માગીશ. બીજું, કાસ્ટ સિસ્ટમ નાબૂદ કરવી. મેં હાલમાં જ એક ટ્વીટ કર્યું હતું જેનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો હતો. મેં કહ્યું હતું કે કાસ્ટ સિસ્ટમને નાબૂદ કરવી. આપણા કૉન્સ્ટિટ્યુશનમાં જ એને પહેલેથી પૂર્ણવિરામ મૂકવાની વાત કરવામાં આવી હતી અને એમ છતાં હજી કેટલાક લોકો એનો ઉપયોગ કરે છે. તો મેં એનો ઉપયોગ કરનારા માટે કહ્યું હતું. ત્રીજું છે કે ધર્મને લઈને કોઈ રાજનીતિ ન લડવી જોઈએ અને એને કોઈ મુદ્દો ન બનાવવો જોઈએ.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે તમે શું કરવા ઇચ્છો છો?

સૌથી પહેલાં તો પાઇરસી હટાવવી જોઈએ. મારા માટે સૌથી મહત્વનો મુદ્દો પાઇરસી છે.

તમે હાલમાં જ ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતું કે ‘શું આપણી ભારતીય લોકશાહી ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’નું રિપ્લે જોવા જઈ રહી છે?’ આ વિશે જણાવશો.

‘કિસ્સા કુર્સી કા’ વખતે કૉન્ગ્રેસે જે કર્યું હતું એ જ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ સાથે ન થાય એ માટે મેં એ ટ્વીટ કર્યું હતું.

આ પણ વાંચો : ચીટ ઇન્ડિયાનું નામ બદલીને વાય ચીટ ઇન્ડિયા કરવામાં આવ્યું

૨૦૧૯માં તમે શેની રાહ જોઈ રહ્યા છો?

૨૦૧૯માં તો ફરી મોદીજીની સરકાર આવે એની જ હું રાહ જોઈ રહ્યો છું.

paresh rawal narendra modi bollywood news