કંગના રનોટે કહ્યું: 'હું ડ્રગ એડિક્ટ હતી', જુઓ અભિનેત્રીનો વાયરલ વીડિયો

13 September, 2020 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગના રનોટે કહ્યું: 'હું ડ્રગ એડિક્ટ હતી', જુઓ અભિનેત્રીનો વાયરલ વીડિયો

કંગના રનોટ

અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)ના નામ સાથે જાણે હવે વિવાદ શબ્દ જોડાય ગયો છે. અભિનેત્રી એક પછી એક વિવાદોમાં ઘેરાઈ રહી છે. હવે અભિનેત્રીનો એક જુનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અભિનેત્રીએ પોતે કહ્યું છે કે, 'હું ડ્રગ એડિક્ટ હતી.' આ વીડિયો કંગનાએ પોતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કંગના રનોટ કહી રહી છે કે, 'જેવી હું ઘરેથી ભાગી ગઈ તેના દોઢ-બે વર્ષમાં ફિલ્મ સ્ટાર બની ગઈ હતી, એક ડ્રગ એડિક્ટ બની ગઈ હતી. મારી જિંદગીમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. હું એવા લોકોના સંપર્કમાં આવી ગઈ હતી. જ્યાં જોખમી વસ્તુઓ મારી જિંદગીમાં ચાલી રહી હતી.'

અભિનેત્રીનો આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે તેણે બૉલીવુડના સેલેબ્ઝ ડ્રગ્સ લેતા હોવાનો આરોપ મુક્યો છે. થોડા દિવસ પહેલાં કંગનાએ દાવો કર્યો હતો કે, 99% ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોકિનના ભરોસે છે. રણવીર સિંહ, રણબીર કપૂર, વિકી કૌશલ જેવા ટોપ સ્ટાર્સ અને ફિલ્મ મેકર અયાન મુખર્જીએ પોતાનો બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ, જેનાથી સાબિત થાય કે તેમના પર મૂકેલા આરોપ ખોટા છે.

કંગના રનોટ આજકાલ ખુબ ચર્ચામાં છે. શિવસેનાના નેતા સંજય રાઉત સાથે મગજમારી બાદ અભિનેત્રી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે જબરજસ્ત રસાકસી ચાલી રહી છે. એટલું જ નહીં, અભિનેત્રી બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી પણ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. કંગના પર પણ ડ્રગ્સ લેવાનો આરોપ હતો. જેના પછી મહારાષ્ટ્ર સરકારે આ બાબતે તપાસનો આદેશ આપ્યો છે. ત્યારબાદ અભિનેત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'મુંબઈ પોલીસ મારો બ્લડ ટેસ્ટ કરે. મને ખુશી થશે. મારા બધા કોલ રેકોર્ડ પણ ચેક કરો. જો મારી લિંક ડ્રગ પેડલર્સ સાથે જોડાયેલી હોય અને હું ખોટી સાબિત થઉં તો હંમેશને માટે મુંબઈ છોડી દઈશ.'

entertainment news bollywood bollywood news kangana ranaut viral videos