30 January, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાન્ત મેસી
‘12th ફેલ’ જેવી ફિલ્મથી સફળતાનો સ્વાદ ચાખનાર નૅશનલ અવૉર્ડ વિનર વિક્રાન્ત મેસીએ બૉલીવુડમાં સફળતા મળતાં પહેલાં ઘણો સંઘર્ષ જોયો છે. વિક્રાન્તે તાજેતરમાં પોતાના જીવનનાં શરૂઆતનાં વર્ષો વિશે વાત કરીને જણાવ્યું હતું કે પૈસાની તંગીને કારણે મેં માત્ર ૧૬ વર્ષની ઉંમરે કામ શરૂ કરી દીધું હતું.
પોતાની સ્ટ્રગલને યાદ કરતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘મેં જ્યારે પહેલી વાર કૅમેરાનો સામનો કર્યો હતો ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. મેં આ કોઈ ઇચ્છાને કારણે નહીં પણ જરૂરિયાતને કારણે કર્યું હતું. મને આજે પણ એ તારીખ યાદ છે; ૧૯ ડિસેમ્બર ૨૦૦૪. એ સમયે હું દરરોજ ૪ લોકલ ટ્રેન બદલીને મુસાફરી કરતો, ૧૬ કલાક કામ કરતો અને જીવતા રહેવા માટે ઘણી વાર માત્ર પાર્લે-જી બિસ્કિટ અને પાણી પર જ ગુજારો કરતો હતો.’