16 March, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમારે હાલમાં એક કૉન્ક્લેવમાં હાજરી આપી હતી. અહીં પોતાના સેશનમાં તેણે જણાવ્યું હતું કે તેને પોતાના સ્વર્ગસ્થ સસરા અને બૉલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના પાસેથી જીવનનો ખૂબ મહત્ત્વનો પાઠ શીખવા મળ્યો હતો. અક્ષય કુમારે કહ્યું હતું કે હું રાજેશ ખન્ના પાસેથી સફળતા કેવી રીતે મેળવવી એ નથી શીખ્યો, પણ જીવનમાં શું ન કરવું જોઈએ એ શીખ્યો છું.
રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધોની વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘રાજેશ ખન્ના ખૂબ ખુલ્લા દિલના માણસ હતા. તેઓ પોતાની ભૂલ વિશે ખુલ્લેઆમ વાત કરતા હતા. તેઓ ઘણી વખત મારી સાથે બેસીને પોતાના જીવન અને કરીઅરમાં થયેલી ભૂલો વિશે સચ્ચાઈ જણાવતા હતા. મારા માટે આ અનુભવ બોધપાઠ બન્યો. તેઓ એક નંબરના સુપરસ્ટાર હોવા છતાં પોતાની ભૂલ સ્વીકારતા હતા. તેમના આ સ્વભાવથી તેમને સમજાયું હતું કે પ્રસિદ્ધિ હંમેશાં સ્થિર નથી રહેતી અને જીવનમાં સફળતા સાથે નિષ્ફળતા પણ આવે છે. આ અનુભવથી હું મારી કરીઅરમાં વધુ સંયમ અને સમજદારીથી નિર્ણય લેવાનું શીખ્યો.’