25 November, 2026 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન અને રેહાન
હૃતિક રોશને તેના પપ્પા રાકેશ રોશનનાં પગલે ચાલીને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રાકેશ રોશન તેના સમયના જાણીતા ઍક્ટર હતા અને પછી તેમણે ફિલ્મમેકિંગનો રસ્તો અપનાવ્યો હતો. હૃતિકના ફૅન્સ હવે તેના દીકરાઓને ઍક્ટર તરીકે જોવા માગે છે, પણ હૃતિકના મોટા દીકરા રેહાને ૨૦ વર્ષની ઉંમરે ઍક્ટરને બદલે સિંગર બન્યાનું પસંદ કર્યુ છે. રેહાને આ વર્ષે ઑગસ્ટમાં મ્યુઝિકની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું અને પોતાનું પહેલું ગીત ‘ધિસ હેવનલી પ્લેસ’ રિલીઝ કર્યું હતું. આ પછી પચીસ સપ્ટેમ્બરે તેણે પોતાનું બીજું ગીત ‘એવરી લિટલ થિંગ’ રિલીઝ કર્યું હતું. હવે તેણે પોતાનું ત્રીજું ગીત ‘બટરફ્લાય બ્લડ’ પણ રિલીઝ કરી દીધું છે.
રેહાને થોડા દિવસ પહેલાં જ પોતાનું ત્રીજું ગીત ‘બટરફ્લાય બ્લડ’ પોતાની યુટ્યુબ ચૅનલ પર અપલોડ કર્યું હતું. હવે તેણે આ જ ગીત ગાતો પોતાનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. તેમના આ વિડિયો પર ચાહકોની સાથે માતા સુઝૅન ખાન અને દાદા રાકેશ રોશને પણ પૉઝિટિવ ફીડબૅક આપ્યો છે.