હું સ્ક્રીન પર મહિલાના પાત્રને કેવી રીતે પ્રેઝન્ટ કરું છું એ મહત્ત્વનું

07 May, 2020 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું સ્ક્રીન પર મહિલાના પાત્રને કેવી રીતે પ્રેઝન્ટ કરું છું એ મહત્ત્વનું

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે એક મહિલા હોવાથી તે સ્ક્રીન પર મહિલના પાત્રને કેવી રીતે રજૂ કરે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. તે હંમેશાં તેના દમદાર રોલ માટે જાણીતી છે. ‘દમ લગા કે હઈશા’થી કરીઅરની શરૂઆત કરનાર ભૂમિએ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘શુભ મંગલ સાવધાન’, ‘બાલા’, ‘સાંડ કી આંખ’ અને ‘સોન ચિડિયા’ જેવી ફિલ્મોમાં એકદમ હટકે રોલ કર્યા છે. મોટા ભાગની હિરોઇન બૉલીવુડમાં ગ્લૅમર પાછળ ભાગે છે, પરંતુ ભૂમિ કન્ટેન્ટ પાછળ ભાગે છે. આ વિશે પૂછતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મારા માટે હું મહિલાઓને સ્ક્રીન પર કેવી રીતે રજૂ કરું છું એ ખૂબ જ મહત્ત્વનું છે. લોકોને જાગરૂક કરવા માટે સિનેમા ખૂબ જ સારું માધ્યમ છે. મારું માનવું છે કે અમે જે પાત્રો ભજવીએ છીએ એનાથી લોકોને સમાનતા અને સ્વતંત્રતાનો મેસેજ આપી શકાય છે. મેં આવાં પાત્રો પસંદ કર્યાં અને સ્ક્રીન પર ખૂબ જ દિલથી એને ભજવ્યાં છે. આ પાત્રોએ સોસાયટી પર એક છાપ છોડી અને મને એ ભજવવાની તક મળી એ માટે હું નસીબદાર છું.’

ભૂમિ હાલમાં અક્ષયકુમાર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી રહેલી ‘દુર્ગાવતી’માં અને અલંક્રિતા શ્રીવાસ્તવની ‘ડૉલી કિટી ઔર વો ચમકતે સિતારે’માં કામ કરી રહી છે. ફિલ્મમેકર્સ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મારા વિઝનરી ફિલ્મમેકર્સે મારા દેશની આ મહિલાઓની સ્ટોરી કરવાની હિમ્મત દાખવી છે. તેમના સિનેમાનો એક પાર્ટ હોવાની મને ખુશી છે. તેમની સાથે રહીને એક હિમ્મતવાળી, કૉન્ફિડન્ટ અને અદ્ભુત સ્ત્રીને સ્ક્રીન પર રજૂ કરવાની મને ખુશી છે.’

સિનેમા દ્વારા આપણી સોસાયટીમાં સમાનતા કેવી રીતે લાવી શકાય એ ભૂમિ લોકો સુધી પહોંચાડવા માગે છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં હજી તો મારી મુસાફરી શરૂ થઈ છે. મારે જે પણ મહિલાઓની સ્ટોરીને સ્ક્રીન પર લાવવી છે એને શોધવા માટે હું સખત મહેનત કરીશ. આ મહિલાઓ અને તેમની સ્ટ્રગલ, તેમનું દુઃખ, તેમનાં સપનાં અને તેમની જીતને જ્યારે લોકો સ્ક્રીન પર જુએ છે ત્યારે મહિલા પ્રત્યેનો લોકોને અભિગમ બદલાય છે. એનાથી આપણે સમજી શકીશું કે સમાનતા લાવવા માટે આપણે હજી કેટલા દૂર છીએ. તેમ જ દેશને અને સોસાયટીને વધુ સ્ટ્રૉન્ગ બનાવવા માટે મહિલા કેટલું યોગદાન કરી શકે છે એ પણ જોવા મળશે.’

લૉકડાઉનમાં મહિલાઓ સાથે વધી રહેલી ઘરેલુ હિંસા સામે બૉલીવુડે અવાજ બુલંદ કર્યો છે. આજે અનેક સેલિબ્રિટીઝ વિવિધ ઍક્ટિવિટીઝ કરીને પોતાને બિઝી રાખે છે. વિમેન ઇન ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન ઇન્ડિયાએ એક કૅમ્પેન શરૂ કર્યું છે જેના માધ્યમથી મેન્ટલ હેલ્થ પર પ્રકાશ પાડવા માટે બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ આગળ આવી છે. તેમણે એક વિડિયો બનાવ્યો છે. એ વિડિયોમાં રિચા ચઢ્ઢા, અલી ફઝલ, ક્રિતી ખરબંદા, પુલકિત સમ્રાટ, કલ્કિ કોચલીન, વરુણ શર્મા, અંગદ બેદી, સાઇરસ શાહુકાર સહિત અનેક સેલિબ્રિટીઝ પોતાના વિચાર શૅર કરે છે. એ વિશે રિચાએ કહ્યું હતું કે ‘આ વિડિયો બનાવવાનો હેતુ એક જ હતો કે આજે લોકો ઇમોશનલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે. એને કારણે ઘરેલુ હિંસાના મામલાઓ વધી રહ્યા છે. આ સમસ્યા તો પૂરા વિશ્વમાં ફેલાયેલી છે અને આવા કૅમ્પેનના માધ્યમથી લોકો સાથે સરળતાથી ચર્ચા કરી શકાય છે. મહિલાઓ કોઈ પણ પ્રકારે ફસાઈ શકે છે અને લા.કડાઉન હોવાને કારણે તેની સાથે થતી હિંસાની એ ફરિયાદ કરવાની હિમ્મત ન મેળવી શકે. આવી સ્થિતિમાં વૃદ્ધો નિસહાય બની જાય છે. અમારી અપીલ છે કે જે પણ આવી સ્થિતિમાંથી પસાર થતા હોય તેઓ હેલ્પલાઇન નંબર્સ દ્વારા યોગ્ય માર્ગદર્શન મેળવે. અલગ-અલગ રાજ્યના કલાકારોને એમાં સામેલ કરવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે એનાથી લોકો પર બહોળા પ્રમાણમાં છાપ પડશે. સાથે જ અલગ સામાજિક અને સંસ્કૃતિ ધરાવતા લોકો સુધી પહોંચવાનો હેતુ છે. જેથી લોકો સહેલાઈથી ભાષા પણ સમજી શકશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips bhumi pednekar