હોલિવૂડ સ્ટાર ટોમ હેન્ક્સ અને પત્ની રીટા પણ કોરોનાવાઈરસની અડફેટમાં

12 March, 2020 10:25 AM IST  |  Mumbai

હોલિવૂડ સ્ટાર ટોમ હેન્ક્સ અને પત્ની રીટા પણ કોરોનાવાઈરસની અડફેટમાં

ટોમ હેન્ક્સ અને પત્ની રીટા વિલ્સન

કોરોના વાઈરસ હવે લગભગ દરેક દેશ અને પ્રત્યેક શહેરમાં ફેલાઈ ગયો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ફક્ત સામાન્ય માણસો નહીં પરંતુ સેલિબ્રિટીઓ પણ કોરોનાનો શિકાર થઈ રહ્યાં છે. હજી કાલે જ બ્રિટનનાં સ્વાસ્થય પ્રધાન નદિન ડૉરિસ કોરોનાનો ભોગ બન્યા હતા અને હવે આ વાઈરસ હોલિવૂડ સુધી પહોચી ગયો છે. હોલિવૂડ સુપરસ્ટાર ટોમ હેન્ક્સ અને પત્ની રીટા વિલ્સનને કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સવારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમણે પોતે કોરોનાનો શિકાર થયા હોવાની માહિતી આપી હતી. તેઓ એક ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા ગયા છે.

સોશ્યલ મીડિયા પર ટોમ હેન્કસે લખ્યું હતું કે, ‘હેલ્લો મિત્રો, રીટા અને હું અહીં ઓસ્ટ્રેલિયામાં છીએ. અમને થાક, શરદી અને શરીરમાં કળતર જેવું લાગતું હતું. રીટાને ટાઢ પણ અનુભવાતી હતી અને થોડો તાવ પણ હતો. એટલે અમે તરત જ કોરોનાવાઈરસનો ટેસ્ટ કરાવ્યો અને અમારાં બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી અમને બંનેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. અમારી તબિયત વિશે અમે દુનિયાને અપડેટ્સ આપતા રહીશું.’

ટોમ હેન્ક્સ ટૂંક સમયમાં ડિરેક્ટર બાઝ લુહરમાનની 'અમેરિકન રોક એન્ડ રોલ સ્ટાર - એલ્વિસ પ્રેસ્લી' પરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના હતા અને તે માટે જ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા છે. આ ફિલ્મમાં તેઓ એલ્વિસ પ્રેસ્લીના તરંગી મેનેજરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મની પ્રોડક્શન કંપની વૉર્નર બ્રધર્સે પણ એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે, કોરોના વાઈરસ ન ફેલાય તે માટે અમે સેટ પર પૂરેપુરી તકેદારી લઈ રહ્યાં છીયે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના 120 કેસ સામે આવ્યા છે.

63 વર્ષીય સુપરસ્ટાર ટોમ હેન્ક્સ બે વારના ઓસ્કર વિજેતા છે. તેમણે 'ફૉરેસ્ટ ગમ્પ', 'સેવિંગ ધ પ્રાઇવેટ રાયન', 'કાસ્ટ અવે', 'ફિલાડેલ્ફિયા', 'અ બ્યૂટિફૂલ ડે ઇન નેવરહૂડ' અને 'કેપ્ટન ફિલિપ' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

entertainment news hollywood news tom hanks coronavirus