હૉલીવુડ અભિનેત્રી કેલી પ્રિસટનનું 57 વર્ષની વયે નિધન

14 July, 2020 01:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હૉલીવુડ અભિનેત્રી કેલી પ્રિસટનનું 57 વર્ષની વયે નિધન

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

હૉલીવુડ અભિનેત્રી અને રાઈટર જૉન ટ્રેવોલ્ટાની પત્ની કેલી પ્રિસટનનું આજે 57 વર્ષની વયે નિધન થયું છે. અભિનેત્રી છેલ્લા બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહી હતી. અભિનેત્રિના નિધનના સમાચાર પતિ જૉન ટ્રેવોલ્ટાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા.

જૉન ટ્રેવોલ્ટાએ પત્ની કેલી પ્રિસટન માટે સોશ્યલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. જૉને લખ્યું હતું કે, મને બહુ દુ:ખ થઈ રહ્યું છે. મારી પત્ની કેલી બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહી હતી. અનેક લોકોના સમર્થન અને પ્રેમને આધારે બહાદુરી સાથે જંગ લડી પણ તે હારી ગઈ. મારો પરિવાર અને હું એ ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માનું છું જેમણે મદદ કરી છે. કેલીના પ્રેમ અને જીવનને હંમેશા યાદ કરવામાં આવશે. હું મારા બાળકોને સમય આપીશ કારણકે તેમણે માતાની છત્રછાયા ગુમાવી છે.

કેલી પ્રિસટન દીકરી એલા ટ્રેવોલ્ટાએ પણ માતાને શ્રદ્ધાંજલી આપતા કહ્યું હતું કે, હું તમારા જેવી બહાદુર, મજબુત, સુંદર અને પ્રેમાળ મહિલાને ક્યારેય મળી નથી. તમારા પ્રેમ માટે આભાર. મદદ કરવા માટે આભાર અને આ દુનિયાને સુંદર બનાવવા માટે પણ. તમે જીવનને હંમેશા સુંદર બનાવ્યું છે અને આગળ પણ બનાવશો. બહુ બધો પ્રેમ મમા.

કેલી પ્રિસટને 'જેરી મૈગ્વાયર', 'સ્પેસ કૈંપ', 'ટ્વીન્સ', 'જૈક ફ્રોસ્ટ', 'ફોર લવ ઓફ ધ ગેમ 'અને 'વ્યુ ફ્રોમ ધ ટોપ'માં સુંદર અભિનય કર્યો છે. છેલ્લે તેઓ 2018માં આવેલી હૉલીવુડની ગેન્ગસ્ટર ડ્રામા ફિલ્મ 'ગોટ્ટી'માં જોવા મળી હતી.

entertainment news hollywood news