સલીમ ખાનને રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ, સ્વીકાર્યો હેલને

11 September, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અવૉર્ડ સ્વીકાર્યા બાદ હેલને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ ક્ષણ સલીમસાહેબ માટે અત્યંત ખાસ છે

હેલને સ્વીકાર્યો સલીમ ખાનને મળેલો રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ

હિન્દી સિનેમાના જાણીતા સ્ક્રીન-રાઇટર સલીમ ખાનને મહારાષ્ટ્ર સરકારે પ્રતિષ્ઠિત સ્વર્ગીય રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કર્યા છે. કાર્યક્રમમાં સલીમ ખાન તરફથી આ અવૉર્ડ તેમનાં પત્ની અને ઍક્ટ્રેસ હેલને સ્વીકાર્યો હતો અન સરકાર તથા ચાહકોનો આભાર માનતાં જણાવ્યું હતું કે સલીમસાહેબ આજે પણ ખૂબ મજબૂત અને સ્વસ્થ છે.

અવૉર્ડ સ્વીકાર્યા બાદ હેલને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘આ ક્ષણ સલીમસાહેબ માટે અત્યંત ખાસ છે. સલીમસાહેબે તેમને પ્રેમ અને સપોર્ટ આપતા આવેલા તમામ લોકોનો દિલથી આભાર માન્યો છે. સલીમસાહેબ તરફથી આ સન્માન મેળવીને હું પોતાને ખૂબ નસીબદાર માનું છું અને તેમણે લખેલી દરેક ફિલ્મ મારી ઑલટાઇમ ફેવરિટ છે.’

રાની મુખરજીને મળ્યો રાજ કપૂર સ્પેશ્યલ કૉન્ટ્રિબ્યુશન અવૉર્ડ

ઍક્ટ્રેસે બહુમાન મળ્યા પછી કહ્યું કે મહારાષ્ટ્ર મારી જન્મભૂમિ, કર્મભૂમિ, મારા જીવનનો એક અભિન્ન હિસ્સો

રાની મુખરજીનું બુધવારે પ્રભાદેવી સ્થિત રવીન્દ્ર નાટ્ય મંદિર ખાતે આયોજિત ૬૨મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ અવૉર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશ્યલ કૉન્ટ્રિબ્યુશન અવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સલમાન ખાનના પિતા સલીમ ખાનને પણ આ સમારોહમાં ૨૦૨૫ માટે સ્વર્ગીય રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો જેને તેમનાં પત્ની હેલને સ્વીકાર્યો.

રાની મુખરજીને આ અવૉર્ડ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આપવામાં આવ્યો

આ સન્માન રાની મુખરજી માટે અત્યંત વ્યક્તિગત મહત્ત્વ ધરાવે છે. મુંબઈમાં જન્મેલી અને ઊછરેલી રાનીએ ભારતીય સિનેમામાં પોતાની લગભગ ત્રણ દાયકા લાંબી કરીઅરની સફર 
આ જ શહેરમાં શરૂ કરી હતી અને આગળ વધારી છે. દિગ્ગજ ફિલ્મકાર અને અભિનેતા રાજ કપૂરના નામે આપવામાં આવતા આ સન્માનને પ્રાપ્ત કર્યા બાદ રાનીએ કહ્યું હતું કે ‘મારા માટે મહારાષ્ટ્ર માત્ર એક રાજ્ય નથી. મહારાષ્ટ્ર  મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે અને મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. મને લાગે છે કે આ જ વાત આ ક્ષણને મારા માટે ખરેખર 
ખાસ બનાવે છે, કારણ કે આ સન્માન મને મારા પોતાના લોકો દ્વારા એ જગ્યાએથી મળી રહ્યું છે જેની સાથે હું જોડાયેલી છું. ભારતીય સિનેમાના દિગ્ગજ રાજ કપૂરના નામે આપવામાં આવતો અવૉર્ડ મારા માટે ભાવુક કરી દે એવું સન્માન છે. હું ખરેખર આશા રાખું છું કે હું આ સન્માન પર ખરી ઊતરી શકું.’

raj kapoor salim khan helen rani mukerji devendra fadnavis maharashtra entertainment news bollywood bollywood news