15 March, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાદશાહ
રૅપર અને ગાયક બાદશાહના ગીત ‘ટટીરી’ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. હવે આ મામલે તેની ધરપકડની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. હરિયાણા મહિલા આયોગે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આયોગનાં અધ્યક્ષ રેણુ ભાટિયાએ પાણીપત અને પંચકુલા પોલીસને રૅપર બાદશાહ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં ક્યાંય પણ બાદશાહનો શો થવા દેવામાં નહીં આવે અને રાજ્યનાં વિવિધ સ્થળોએ નોટિસ મોકલવામાં આવી છે. આ સાથે જ તેમણે બાદશાહનો પાસપોર્ટ જપ્ત કરવાની પણ અપીલ કરી છે. આ મામલે રેણુ ભાટિયાએ બાદશાહ પર સીધું નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે હવે હરિયાણાની દીકરીઓની સુરક્ષા માટે મહિલા આયોગ મજબૂત રીતે ઊભું છે. ટટીરી વિવાદમાં બાદશાહ સમન્સ મળ્યા બાદ પણ મહિલા આયોગ સમક્ષ હાજર રહ્યો નહોતો જેના કારણે રેણુ ભાટિયા નારાજ થઈ ગયાં હતાં. તેમણે પંચકુલા અને પાણીપતના પોલીસ-અધિકારીઓને બાદશાહની ગિરફ્તારી અને પાસપોર્ટ જપ્ત કરવાની સૂચના આપવાની વાત કરી. તેમણે જણાવ્યું છે કે બાદશાહ દેશ છોડીને ન જાય એ માટે પાસપોર્ટ જપ્ત કરવો જરૂરી છે.
લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે બાદશાહને આપી ધમકી : આ વખતે માથામાં ગોળી મારીશું
પાણીપતમાં એક મની એક્સચેન્જની ઑફિસ પર ફાયરિંગ કર્યા પછી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામથી રૅપર બાદશાહને તેના વિવાદિત ગીત ‘ટટીરી’ માટે જાનથી મારવાની ધમકી આપી હતી. લૉરેન્સ ગૅન્ગે રણદીપ મલિક અનિલ પંડિત નામના સોશ્યલ મીડિયા પેજ પર ધમકીભરી પોસ્ટ મૂકી છે કે ‘ટટીરી ગીતથી હરિયાણાની સંસ્કૃતિને ખરાબ કરવાનો પ્રયાસ થયો છે. ૨૦૨૪માં તારી ક્લબ પર ટ્રેલર દેખાડ્યું હતું. આ વખતે સીધી તારા માથામાં ગોળી મારીશું.’