શું તમને ખબર છે એન્જિનિયર બનવા મુંબઈ આવ્યા હતા પરેશ રાવલ!

29 May, 2019 02:57 PM IST  |  મુંબઈ

શું તમને ખબર છે એન્જિનિયર બનવા મુંબઈ આવ્યા હતા પરેશ રાવલ!

જાણો પરેશ રાવલને

અભિનેતા થી નેતા સુધીની પરેશ રાવલની સફર ઉતાર-ચડાવથી ભરપૂર રહી છે. પરેશ રાવલ 2014માં ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. જો કે 2019માં તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરેશ રાવલનો જન્મ એ સમયના બોમ્બેમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો.

એન્જિનિયર બનવા આવ્યા મુંબઈ
સામાન્ય રીતે લોકો અભિનેતા બનવા માટે મુંબઈ આવતો હોય છે પરંતુ પરેશ રાવલ તો એન્જિનિયર બનવા માટે મુંબઈ આવ્યા હતા. જો કે નસીબને કાંઈક અલગ જ મંજૂર હતું અને તેઓ અભિનેતા બની ગયા.

1984માં કરી કરિઅરની શરૂઆત


પરેશ રાવલે પોતાના બોલીવુડ કરિઅરની શરૂઆત વર્ષ 1984માં હોલીથી કરી હતી. આ આમિર ખાનની પણ ડેબ્યૂ ફિલ્મ છે. જો કે પરેશ રાવલને ફિલ્મ 1986માં આવેલી ફિલ્મ 'નામ'થી ઓળખ મળી. આ બાદ તેઓ 1980 થી 1990 વચ્ચે 100થી વધુ ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં નજર આવ્યા. જેમાં કબ્જા, કિંગ અંકલ, રામ લખન, દૌડ, દિલવાલે સહિતની ફિલ્મો સામેલ છે.

સરદાર પટેલની ભૂમિકા કરી અદા


1994માં આવેલી કેતન મહેતાની ફિલ્મ સરદારમાં તેઓ વલ્લભભાઈ પટેલની યાદગાર ભૂમિકામાં નજર આવ્યા. આ ફિલ્મને દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રશંસા મળી હતી. 1997માં આવેલી ફિલ્મ તમન્નામાં તેમણે એક કિન્નરની ભૂમિકા ભજવીને દર્શકોની સાથે સાથે સમીક્ષકોનું પણ દિલ જીતી લીધું.

કૉમેડીમાં અજમાવ્યો હાથ


વર્ષ 2000 આવતા આવતા તેઓ અંદાજ અપના અપના અને હેરા ફેરી જેવી ફિલ્મોમાં નજર આવ્યા. અને આ રીતે એક નવા પરેશ રાવલનો જન્મ થયો. આ બાદ તો તેઓ ફિર હેરા ફેરી, અતિથિ તુમ કબ જાઓગે જેવી ફિલ્મોમાં નજર આવ્યા. અનિલ કપૂરની ફિલ્મ નાયકમા પણ પરેશ રાવલે પોતાના અભિનયની છાપ છોડી છે.

પરેશ રાવલનો પરિવાર


પરેશ રાવલે બ્યુટી ક્વીન સ્વરૂપ સંપટ સાથે લગ્ન કર્યા છે. તેઓ વર્ષ 1979માં ફેમિના મિસ ઈન્ડિયા રહી ચુક્યા છે. તેમના બે બાળકો છે- આદિત્ય અને અનિરૂદ્ધ.

મળી ચુક્યા છે આ અવૉર્ડ
પરેશ રાવલને વો છોકરી અને સર બંને ફિલ્મો માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ અવૉર્ડ મળી ચુક્યો છે. વર્ષ 2014માં તેમને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને હેરાફેરી માટે ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો.

રહી ચુક્યા છે સાંસદ
વડાપ્રધાન મોદીના કહેવાથી પરેશ રાવલે રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો હતો. તેઓ 2014 થી 2019 સુધી અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ રહી ચુક્યા છે. જો કે 2019માં તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.

paresh rawal bollywood news