✕

હનુમાન અંશ બનાવવા માટે આપ્યા પચાસ લાખ રૂપિયા અને હવે મળશે પચાસ કરોડ રૂપિયા

25 September, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનો નફો ચાર પાર્ટનર્સ વચ્ચે વહેંચાશે એમ જણાવતાં પ્રોડ્યુસર અનુપ્રિયા નાગરે કહ્યું કે આટલા બધા પૈસા કેવી રીતે સંભાળવા એ મને નથી ખબર

અનુપ્રિયા નાગર

આ વર્ષની સૌથી મોટી સરપ્રાઇઝ હિટ ફિલ્મ તરીકે ‘હનુમાન અંશ’ સામે આવી છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ અને ‘બૉર્ડર 2’ બાદ આ ફિલ્મ ૨૦૨૬ની ત્રીજી સૌથી મોટી હિટ બની છે. છેલ્લાં સાત અઠવાડિયાંથી ફિલ્મ સતત થિયેટરોમાં ચાલી રહી છે અને આગામી કેટલાંક અઠવાડિયાં સુધી એેનો દબદબો યથાવત‍્ રહે એવી શક્યતા છે.
આ ફિલ્મની નિર્માતાઓમાંની એક અનુપ્રિયા નાગરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે ફિલ્મ દોઢ કરોડ રૂપિયાથી થોડા વધુ બજેટમાં બની હતી અને તેણે વ્યક્તિગત રીતે પચાસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે એ પણ જણાવ્યું કે ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીએ ફિલ્મ બનાવતી વખતે કોઈ ફી લીધી નહોતી. હવે ફિલ્મમાંથી થનારો નફો ત્રણ નિર્માતા અને ડિરેક્ટર વિશાલ એમ કુલ ચાર પાર્ટનર્સ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે.
ફિલ્મના પ્રોડક્શન સાથે સંકળાયેલો પોતાનો અનુભવ જણાવતાં અનુપ્રિયાએ કહ્યું હતું કે ‘મેં ફિલ્મના કુલ બજેટનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો આપ્યો હતો. આ ફિલ્મનું કુલ બજેટ દોઢ કરોડ રૂપિયાથી થોડું વધુ હતું, જેમાંથી પચાસ લાખ રૂપિયા મેં રોક્યા હતા. હવે કુલ નફામાંથી સૌથી પહેલાં ડિસ્ટ્રિબ્યુટર પોતાનો હિસ્સો લેશે. ત્યાર બાદ અન્ય ખર્ચ અને ટૅક્સની ચુકવણી થશે અને ત્યાર પછી બચેલો નફો ચારેય પાર્ટનર્સ વચ્ચે સમાન રીતે વહેંચાશે. મને લાગે છે કે મને મારા હિસ્સાના ઓછામાં ઓછા ૫૦ કરોડ રૂપિયા મળી શકે છે. જોકે આ હજુ માત્ર અંદાજ છે, કારણ કે ફિલ્મ માટે હજી સુધી OTT, સૅટેલાઇટ અને મ્યુઝિક-ડીલ થઈ નથી.’
અનુપ્રિયાએ પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જો મને ખરેખર ૫૦ કરોડ રૂપિયા મળે તો આટલા બધા પૈસા કેવી રીતે સંભાળવા એ પણ ખબર નથી. મારા મતે આ રકમનો શ્રેષ્ઠ ઉપયોગ સમાજને પરત આપવાનો છે. હું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવા ઇચ્છું છું જેથી આવી જ અર્થસભર વાર્તાઓ લોકો સુધી પહોંચાડી શકાય.’

માત્ર નૉન-વેજ છોડવાથી નહીં ચાલે

ભગવાન રામ તરીકે રણબીર કપૂરની પસંદગી વિશે હનુમાન અંશની નિર્માતા અનુપ્રિયા નાગરે આપ્યો અભિપ્રાય

૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહેલી ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે ‘હનુમાન અંશ’ની નિર્માતા અનુપ્રિયા નાગરે આ રોલ કરવા માટે રણબીરની પસંદગી વિશે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ભગવાન જેવા પાત્રને નિભાવતા કલાકાર માટે માત્ર નૉન-વેજ છોડવું પૂરતું નથી; તેનું વ્યક્તિત્વ, જીવનશૈલી અને વર્તન પણ એટલું જ મહત્ત્વનું હોય છે.અનુપ્રિયાએ ‘હનુમાન અંશ’માં નીમ કરૌલી બાબાની ભૂમિકા ભજવનારા અભિનેતા શોભિનવ સત્યાનું ઉદાહરણ આપતાં પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે ‘જેમ લોકો આજે પણ શોભિનવને મહારાજજીના સ્વરૂપમાં જ જુએ છે એવી જ રીતે ‘રામાયણ’ની ટીમ પણ પોતાના અભિનેતાને ભગવાન શ્રીરામ તરીકે જ જુએ છે. ભગવાનના પાત્ર માટે માત્ર ખાનપાનમાં ફેરફાર કરવો પૂરતો નથી. જેમ પ્રેમાનંદ મહારાજે કહ્યું છે કે એક અભિનેતાનું ચરિત્ર અને ખાનપાન બન્ને યોગ્ય હોવું જોઈએ. તે કોને મળે છે, ક્યાં જોવા મળે છે અને ક્યાં જાય છે એ પણ મહત્ત્વ ધરાવે છે. ભલે તમે સફળતાના શિખરે પહોંચી ગયા હો, છતાં વિનમ્ર રહેવું જરૂરી છે. માત્ર નૉન-વેજ છોડવાથી જ વાત પૂરી થતી નથી.’

indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood