17 August, 2025 03:51 PM IST | Mumbai | Rajani Mehta
ગુરુ દત્ત
જીવનની સીધી અને સરળ એક વ્યાખ્યા છે, જ્યાં ડગલે ને પગલે સમાધાન કરવું પડે એનું જ નામ જિંદગી. જીવન પૂર્ણધારણાઓથી જિવાતું નથી. જીવન એક એવો પ્રવાસ છે જ્યાં તમે રસ્તો પસંદ કરી શકો છો, સહપ્રવાસીઓ નહીં. હરીન્દ્ર દવેની પંક્તિઓ યાદ આવે છે.
મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો
કૈં કેટલાય કાફલા રસ્તા ઉપર મળ્યા
ગુરુ દત્તની મોટામાં મોટી નબળાઈ એ હતી કે પોતાને શું જોઈએ છે એ બીજાને શું, પોતાની જાતને પણ કહેવા માટે અસમર્થ હતા. એટલા માટે જ ફિલ્મ બનાવતી વખતે એકનું એક દૃશ્ય અસંખ્ય વાર શૂટ કાર્ય બાદ તેમના મનમાં અવઢવ રહેતી. આમ જોઈએ તો તેમના જીવનમાંથી વહીદા રહેમાનની વિદાય બાદ ગીતા દત્ત સાથેનો સંસાર સુખરૂપે ચાલવો જોઈતો હતો, પણ એવું બન્યું નહીં. દરેક વ્યક્તિમાં કશુંક ન સમજાય એવું હોય છે. જ્યારે બે વ્યક્તિ સતત એકબીજામાં એ ન સમજાય એવું તત્ત્વ શોધવાનો પ્રયત્ન કરતી રહે છે ત્યારે જ ગેરસમજ અને દૂરી ઊભી થાય છે.
પરિવારથી દૂર પેડર રોડ પર ભાડાના ફ્લૅટમાં રહેતા ગુરુ દત્ત દિવસ દરમ્યાન કામમાં ડૂબી જતા, પરંતુ રાત કાઢવી મુશ્કેલ થતી. તેમના માટે સુખની ઘડીઓ વીક-એન્ડમાં આવતી જ્યારે બાળકો સાથે તે ફિલ્મો જોવા, શૉપિંગ કરવા અને પિકનિક પર જતા. ‘સાહિબ બીબી ઔર ગુલામ’ બાદ તેમણે ન્યુ થિયેટર્સની ફિલ્મ ‘પ્રેસિડન્ટ’ પર આધારિત ‘બહારેં ફિર ભી આએગી’નું શૂટિંગ શરૂ કર્યું. કથાનક હતું લેખિકા ઇસ્મત ચુગતાઈનું અને ડિરેક્ટર હતા તેમના પતિ શાહિદ લતીફ. એ દિવસોમાં અબ્રાર અલવી મદ્રાસની ફિલ્મોમાં વ્યસ્ત હતા. નિકટના બીજા સાથી કૅમેરામૅન વી. કે. મૂર્તિ બૅન્ગલોર શિફ્ટ થવાનો વિચાર કરતા હતા. ગુરુ દત્તે તેમને કહ્યું, ‘હું અનાથ થઈ જઈશ. મારો પરિવાર સાથે નથી. તમે બૅન્ગલોર જશો. અબ્રાર ૬ મહિના મદ્રાસ છે. હું એકલો પડી જઈશ.’
જાત સાથે જીવવાની વાતથી ડરતા ગુરુ દત્તની સ્થિતિ એવી હતી કે
મૈં અપને આપ સે ઘબરા ગયા હૂં
મુઝે એ ઝિંદગી દીવાના કર દે (‘બિંદિયા’ – મોહમ્મદ રફી - ઇકબાલ કુરેશી – રાજેન્દ્ર ક્રિષ્ન)
એક ઇન્ટરવ્યુમાં બિમલ મિત્ર કહે છે, ‘‘સાહિબ બીબી ઔર ગુલામ’ની સ્ક્રિપ્ટ પર કામ કરવા અમે લોનાવલા ગયા હતા. અચાનક વાદળોનો ગડગડાટ થયો અને જોરદાર વરસાદ આવ્યો. એક નાના બાળકની જેમ ગુરુ દત્ત ખુશીથી ઝૂમી ઊઠ્યા અને કહે, ‘કેવો મસ્ત વરસાદ આવે છે. બિમલબાબુ, આજે કામ કરવાની ઇચ્છા નથી. ચાલો બહાર જઈએ.’
અમે કારમાં ડ્રાઇવ કરતા મોસમની મજા માણતા હતા. કોઈ વ્યક્તિને વરસાદ જોઈને આટલી ખુશ થતી મેં જોઈ નહોતી. ગાડીની સ્પીડ ઝડપથી વધતી હતી. મેં ચીસ પાડીને કહ્યું, ‘પ્લીઝ, ધીમે ચલાવો.’
ગુરુ દત્ત હસતાં-હસતાં બોલ્યા, ‘મૃત્યુનો ડર લાગે છે?’
હું ચૂપ રહ્યો. એ રાતે અમે વરંડામાં બેઠા હતા. ગુરુ દત્ત ચૂપચાપ વરસાદની ભીની મોસમને માણતા હતા. અચાનક મને કહે, ‘બિમલબાબુ, મને મૃત્યુનો નહીં, જીવનનો ડર લાગે છે.’
‘આટલી સફળતા પછી શેનો ડર લાગે છે?’ મેં પૂછ્યું.
‘મારી પાસે લાખો રૂપિયા છે. પણ ફિલ્મલાઇન એટલે એક જુગાર. આજે તમે લખપતિ છો, કાલે કંગાળ નહીં થાઓ એની કોઈ ગૅરન્ટી છે? મારી પાસે નામ-દામ છે, પરિવાર છે પણ એક દિવસ પૈસા નહીં હોય તો શું થશે એ વિચારથી જ હું ધ્રૂજી ઊઠું છું. મારા જીવિત હોવાનો જ મને ડર લાગે છે.’
કદાચ એટલે જ ગુરુ દત્તને મૃત્યુનો નહીં, જીવનનો ડર હશે. એ રાતે તેમણે દિલ ખોલીને વાત કરી. તેઓ એક એવું સત્ય બોલી રહ્યા હતા જે માની શકાય એવું નહોતું.
‘બહારેં ફિર ભી આએગી’ની ત્રણ-ચાર રીલનું શૂટિંગ પૂરું થયું પરંતુ હંમેશ મુજબ ગુરુ દત્ત ખુશ નહોતા. છ મહિના બાદ મદ્રાસથી પાછા આવેલા અબ્રાર અલવી તેમને મળવા ગયા ત્યારે ગુરુ દત્તે કહ્યું, ‘સારું થયું તું આવી ગયો. અહીં હું એકલો છું અને આખું ઘર મને ખાવા ધાય છે. મેં ફિલ્મ શરૂ તો કરી છે પણ મને ભરોસો નથી. તું નવી સ્ક્રિપ્ટ લખ. આ ફિલ્મને પડતી મૂકીશું. તું થોડા દિવસ મારી સાથે રહે. મને કંપની મળશે.’
‘હજી આજે તો હું મદ્રાસથી આવ્યો. ઘણાં કામ છે. થોડા દિવસોમાં એ પતાવીને હું આવીશ.’ આટલું કહી અબ્રાર ત્યાંથી નીકળી ગયા.
એક ઇન્ટરવ્યુમાં અબ્રાર અલવી કહે છે, ‘હું જોઈ શકતો હતો કે ગુરુ દત્તને કશું કહેવું છે પણ એ વ્યક્ત કરવા અસમર્થ હતા. અનેક વાર એવું બનતું કે તે કશું કહેવા જતા અને અટકી જતા. દરદને ઘૂંટીને અંતિમ ક્ષણે એ પી જતા. કાશ, તેમણે પોતાની વ્યથાઓ મિત્રો સમક્ષ ઠાલવીને દુઃખ હળવું કર્યું હોત.’
થોડા દિવસ પછી અબ્રાર ગુરુ દત્તના ઘેર રહેવા ગયા. ગુરુ દત્તે ફિલ્મ સ્ક્રૅપ કરવાની વાત કરી એટલે અબ્રારે કહ્યું, ‘ફરી પાછી એની એ જ વાત? દરેક ફિલ્મ માટે આવું કરતા જશો તો તમે સ્ક્રૅપના ચૅમ્પિયન બની જશો.’
‘તું જે માને એ, પણ મને શાહિદ પર ભરોસો નથી. તું નવેસરથી સ્ક્રિપ્ટ લખ. હું મારી રીતે ફિલ્મ બનાવીશ.’
અને આમ અલવીએ કામ શરૂ કર્યું. આ તરફ ગુરુ દત્ત કામમાં વ્યસ્ત રહેતા. મદ્રાસની ફિલ્મોના શૂટિંગ માટે ત્યાં જવું પડતું. મુંબઈમાં કે. આસિફની ‘લવ ઍન્ડ ગૉડ’નું શૂટિંગ ચાલતું. એક ફિલ્મના ત્રણ લાખ લેતા ગુરુ દત્ત દિવસ દરમ્યાન અત્યંત વ્યસ્ત રહેતા. રાતે મહેફિલ જામતી. એમાં નવી ફિલ્મની ચર્ચા થતી. સૌને એમ લાગતું હતું કે તેમનું જીવન ધીરે-ધીરે પાટા પર ચડી રહ્યું હતું. હકીકતમાં એ કેવળ આભાસ હતો.
આદત મુજબ ગુરુ દત્ત ‘બહારેં ફિર ભી આએગી’ પછીની એક ફિલ્મના સબ્જેક્ટની તલાશમાં હતા. અલવીએ વર્ષો પહેલાં ગુરુ દત્તે નકારેલો ‘નઈ ચુનરિયા’નો સબ્જેક્ટ યાદ કરાવ્યો. એ સમયે ગુરુ દત્તે એમ કહ્યું કે મારે સત્યજિત રે નથી થવું. એક ચમારણના જીવન પર આધારિત આ વાર્તા સાવ શુષ્ક હતી. એમાં ફેરફાર કરી એક રોમૅન્ટિક ઍન્ગલ ઉમેરેલી વાર્તા ગુરુ દત્તને ગમી ગઈ. તેમણે નક્કી કર્યું કે તદ્દન નવા કલાકારો લઈને મારે આ ફિલ્મ બનાવવી છે.
ગુરુ દત્ત મદ્રાસની ફિલ્મોના શૂટિંગ માટે ત્યાં જતા એ સમયે બિમલ મિત્ર ઘણી વાર તેમને કંપની આપવા સાથે જતા. રાતે હોટેલના ગુરુ દત્તના રૂમમાં મહેફિલ જામતી. ખાણી-પીણી અને શરાબની સાથે સૌ તીન પત્તી રમતા. એક દિવસ ગુરુ દત્તને સતત હારતા જોઈ બિમલ મિત્રએ ચેતવણીના સૂરમાં કહ્યું, ‘મને લાગે છે આ લોકો તમને ભોળવીને ગેમ જીતી જાય છે.’
ગુરુ દત્ત કહે, ‘જીવનમાં સતત જીત મળે એ સારું નહીં. સમયાંતરે હારવું પણ અગત્યનું છે.’
બિમલ મિત્ર તેમને ટોકતા કે શરાબ અને ઊંઘની ગોળીઓ પ્રત્યે તેમનો ઝુકાવ વધતો જાય છે એ તબિયત માટે નુકસાનકારક છે. પણ એ વાતને ઉડાવી દેતાં ગુરુ દત્ત કહેતા, ‘હું પીડાઉં છું એનાથી કોઈનું નુકસાન તો નથી થતુંને? બહુ-બહુ તો હું મરી જઈશ એટલું જને? મને ખબર છે, મારા જવાથી કોઈને કશો ફરક નહીં પડે.’
બિમલ મિત્રને એ સમયે ખબર નહોતી બહુ જલદી ગુરુ દત્તના મનમાં ઘૂઘવતો અજંપાનો મહાસાગર તેમના અસ્તિત્વને ઓગાળી નાખવાનો હતો.
ગુરુ દત્તના જીવનના અંતિમ અઠવાડિયાની વાત આવતા રવિવારે.