24 September, 2026 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગળવારે સવારે અને મંગળવારે રાત્રે
ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મો કરતાં વધુ અંગત જીવનને લઈને ચર્ચામાં છે. આશરે ૪૦ વર્ષ જૂના લગ્નજીવનમાં મતભેદ અને છૂટાછેડાની અટકળો વચ્ચે હવે ગોવિંદાનો એક નવો વિડિયો સામે આવ્યો છે. મંગળવાર સાંજે ગોવિંદા લાલબાગચા રાજાના દરબારમાં ભગવાન ગણેશના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. આ સમયે ગોવિંદાની સાથે તેની પત્ની સુનીતા આહુજા કે સંતાનો નહીં પણ તેની હિરોઇન અને કથિત ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકાર જોવા મળી હતી. ગોવિંદાની પત્ની સુનીતાએ એકલાં-એકલાં લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં અને એના ગણતરીના કલાકો પછી ગોવિંદા-રાનીની જોડી દર્શન માટે ત્યાં જ પહોંચી હતી.
ગોવિંદા અને રાનીનાં દર્શન બાદ સામે આવેલા વિડિયો અને તસવીરોમાં ગોવિંદા પોતાની ટીમ અને રાની સાથે પંડાલમાં પ્રવેશતો જોવા મળે છે. દર્શન માટે ગોવિંદાએ પરંપરાગત સફેદ
કુર્તા-પાયજામાની પસંદગી કરી હતી, જ્યારે રાની લાલ સાડીમાં જોવા મળી હતી. પૂજા પૂર્ણ કર્યા બાદ બન્નેએ પંડાલની બહાર હાજર ફોટોગ્રાફરોનું હાથ હલાવીને અભિવાદન પણ કર્યું હતું. બન્નેએ સાથે મળીને બાપ્પાને પ્રસાદ અર્પણ કર્યો, આશીર્વાદ લીધા અને પંડિતજીએ તેમના માથા પર તિલક પણ લગાવ્યું હતું. દર્શન બાદ પંડાલની બહાર નીકળતો ગોવિંદા ખુશમિજાજ અંદાજમાં જોવા મળ્યો હતો.
ગોવિંદાએ જુલાઈ મહિનામાં પોતાની આગામી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત દરમ્યાન રાની સ્વર્ણકારનો પોતાની નવી સહ-અભિનેત્રી તરીકે મીડિયા સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારથી બન્ને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યાં છે, જેના કારણે તેમના સંબંધોને લઈને વિવિધ પ્રકારની અટકળો પણ સામે આવી રહી છે.