10 March, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
૧૯૯૦ના દાયકામાં ગોવિંદા અને ડેવિડ ધવનની જોડી બૉલીવુડમાં ખૂબ હિટ માનવામાં આવતી હતી. આ જોડીએ લગભગ ૧૫ હિટ ફિલ્મો આપી હતી, પરંતુ પછી બન્ને વચ્ચે મતભેદ ઊભા થયા અને આ સફળ જોડી હંમેશ માટે તૂટી ગઈ. હવે તાજેતરમાં ગોવિંદાએ ડેવિડ ધવન સાથેની પોતાની જોડી અને તેમની વચ્ચે થયેલા મતભેદ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે ‘૧૯૯૦ના દાયકામાં ડેવિડ ધવન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ ખાસ હતો, કારણ કે ડેવિડ પોતાના કામ પ્રત્યે હંમેશાં ખૂબ ઈમાનદાર રહ્યા છે.
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઈમાનદારીનો અર્થ અલગ હોય છે. જો કોઈની વફાદારી બીજી જગ્યાએ હોય તો તેની ઈમાનદારી પર પણ સવાલ ઊભા થાય છે. મને લાગતું હતું કે કેટલાક લોકો ડેવિડ ધવનને મારી સાથે કામ કરવા માટે રોકવાનો પ્રયાસ કરતા હતા. એક સમય એવો આવ્યો જ્યારે મને લાગ્યું કે મામલો હવે જોખમી બની રહ્યો છે અને પરિસ્થિતિ હાથમાંથી બહાર જઈ શકે છે એથી મેં આ પરિસ્થિતિમાંથી દૂર થવાનો નિર્ણય લીધો. જોકે પછી અમારા બન્ને વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ હતી.’
ગોવિંદાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘જે જાદુ ડેવિડ ધવને મારી સાથે મળીને ફિલ્મોમાં કર્યો હતો એ હવે તેઓ પોતાના દીકરા વરુણ ધવન સાથે ફરી કરવા માગે છે. જોકે મને લાગે છે કે આવું કરવું સહેલું નથી અને કદાચ એટલી મોટી સફળતા ફરી મળવી મુશ્કેલ હશે.’