12 August, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
ગોવિંદાએ પોતાના અંગત જીવનને લઈને સામે આવેલા બેવફાઈના આરોપો વિશે વાત કરી છે. તેણે કહ્યું કે ૩૪ વર્ષની ઉંમર સુધી હું ખૂબ જ ‘નિર્દોષ’ હતો. હાલમાં ગોવિંદાએ પોતાની મહિલા કો-સ્ટાર્સ સાથેના સંબંધો, તેમની સાથેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી તેમ જ પ્રેમ અને લગ્ન વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ૬૨ વર્ષના ગોવિંદાએ પત્ની સુનીતા આહુજા સાથેના પોતાના સંબંધો વિશે પણ વાત કરી હતી.
ગોવિંદાએ પોતાની હિરોઇન્સ સાથેની રોમૅન્ટિક કેમિસ્ટ્રી વિશે વાત કરતાં મજાકમાં કહ્યું, ‘તમે મીઠાઈની દુકાનમાં રહીને ત્યાંથી ભૂખ્યા નીકળો તો એ કેટલું દુઃખદ છે. મને ખબર હતી કે મારી દરેક ફિલ્મ હંમેશાં સફળ નહીં થાય, પણ ફિલ્મોનાં ગીતો જરૂર ચાલશે. હું જાણી જોઈને હિરોઇન્સ સાથે પડદા પર રોમૅન્ટિક જોડાણ ઊભું કરતો હતો, કારણ કે એનાથી દર્શકોને પસંદ પડે એવી કેમિસ્ટ્રી બનાવવામાં મદદ મળતી હતી. હું ૩૩-૩૪ વર્ષની ઉંમર સુધી ખૂબ જ ‘નિર્દોષ’ હતો અને મને કેટલીક વખત શરમ આવતી હતી કે હું આટલા લાંબા સમય સુધી ખૂબ જ ‘શરાફત’થી કેમ રહ્યો?’
ગોવિંદાએ તેની બેવફાઈની ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘એ બેવફાઈ થોડી છે? એ તો પ્રેમ છે. પુરુષો ક્યારેક એવા નિર્ણયો લઈ લે છે જેને પછી તેઓ મૂર્ખામીભર્યા ગણાવે છે, જ્યારે મહિલાઓ પરિવાર વિશે વિચારીને મજબૂત પગલાં લઈ શકે છે. આવી બાબતો સમજવામાં મને પણ સમય લાગ્યો હતો. લગ્ન થઈ ગયાં હોય એનો અર્થ એ જરૂરી નથી કે વ્યક્તિ હંમેશાં વફાદાર જ રહે. મેં ક્યારેય મારી કો-સ્ટાર્સ પર દબાણ કર્યું નહોતું કે તેમની સાથે ખરાબ વર્તન કર્યું નહોતું. મારા માટે એ મહત્ત્વનું હતું કે મારા સેટ પર કોઈ મારી હિરોઇન્સનો મૂડ બગાડી ન શકે. જોકે મારું શેડ્યુલ એટલું વ્યસ્ત હતું કે મને શૂટિંગ બાદ કો-સ્ટાર્સ સાથે સમય પસાર કરવાનો ભાગ્યે જ મોકો મળતો હતો.’
ગોવિંદાએ પત્ની સુનીતા આહુજાના અફેરના આરોપો પર આપ્યો જવાબ
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ઘણી વખત તેના પર અફેર હોવાના આરોપ લગાવી ચૂકી છે. હવે ગોવિંદાએ પત્નીના આ આરોપો વિશે વાત કરીને એને ફગાવી દીધા છે. આ સાથે જ તેણે પત્ની સુનીતા પર સફળતા મેળવવા માટે તેની બૂરાઈ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ગોવિંદા અને સુનીતા આહુજાએ ૧૯૮૭માં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. એ સમયે ગોવિંદા પહેલેથી જ બૉલીવુડ સ્ટાર બની ચૂક્યો હતો. કારકિર્દીને ધ્યાનમાં રાખીને ગોવિંદાએ લગભગ બે વર્ષ સુધી પોતાના લગ્નની વાત છુપાવી રાખી હતી અને દીકરી ટીના આહુજાના જન્મ બાદ લગ્ન વિશે જાહેરમાં જણાવ્યું હતું.
પત્ની સાથેના હાલના સંબંધોની વાત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘તે પ્રેમથી ગાળો આપે છે અને હું એ સહન કરું છું. હું તેના હાથનું ખાઉં પણ છું. તેના વગર હું આજે જે જગ્યાએ છું ત્યાં પહોંચી શક્યો ન હોત. અમારા પરિવારનાં ઘણાં બાળકો મોટાં થઈ ચૂક્યાં છે અને તેમના પર તેનો સંપૂર્ણ અધિકાર છે. જોકે એવી ઘણી વાતો છે જે વણકહી રહી જાય છે. એવી બાબતો છે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. શું સફળતા મેળવવા માટે પોતાના લોકોની બૂરાઈ કરવી જરૂરી છે? સુનીતા આ કામ ખૂબ ચતુરાઈથી કરે છે. તે પહેલાં વખાણના ચાર શબ્દો કહે છે અથવા કદાચ વખાણ સ્વાભાવિક રીતે તેના મોઢામાંથી નીકળી જાય છે અને પછી ટીકા કરે છે. મને આમાં તેનો પ્રેમ જોવા મળે છે.’
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ઘણી વખત કહી ચૂકી છે કે આગામી જન્મમાં તે પ્રાર્થના કરશે કે તેને ગોવિંદા દીકરા તરીકે મળે, કારણ કે ગોવિંદા પોતાની મમ્મીને ખૂબ પ્રેમ કરતો હતો. હવે ગોવિંદાએ પોતાનાં માતા નિર્મલા દેવી સાથેના ઊંડા સંબંધ વિશે વાત કરી છે.
ગોવિંદાનાં માતા નિર્મલા દેવી જાણીતાં હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા અને અભિનેત્રી હતાં અને ૧૯૯૬માં ૬૯ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. માતાના મૃત્યુ પછીની માનસિકતા વિશે વાત કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ પીડામાં હતો. મને ખૂબ જ તકલીફ થઈ રહી હતી. એ સમયે મને લાગ્યું કે બધું જ પૂરું થઈ ગયું છે. બસ, આ જ અંત હતો. હું નર્મદા નદી પાસે હતો. મેં વિચાર્યું કે હું નદીમાં થોડો વધુ આગળ જઈશ અને મારી મમ્મીને ફરી મળી શકીશ. તેથી હું નદીમાં આગળ જતો રહ્યો. હું નર્મદા નદીમાં ડૂબી જવા ઇચ્છતો હતો, કારણ કે હું મમ્મી માતા સાથે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલો હતો. હું તેમને ખૂબ પ્રેમ કરતો હતો. દુનિયાના લોકો એના માટે આત્મહત્યા જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. હકીકતમાં આપણા માટે એવું કંઈ હોતું નથી. જીવન ક્યારેય પૂરું થતું નથી. એ નવું રૂપ લે છે. એ નવો આકાર લે છે. હું જ્યારે નદીમાં હતો ત્યારે એક પૂજારી મારી પાસે આવ્યા હતા અને મને નદીમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. આ પછી મને અહેસાસ થયો કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. એ પછી મને સમજાયું કે મારે મારાં બાળકો માટે જીવવાનું છે.’