મોટા ભાગની ફિલ્મો ઇન્ડિયામાં બને એવી સરકારની યોજના છે: પ્રકાશ જાવડેકર

15 December, 2020 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગની ફિલ્મો ઇન્ડિયામાં બને એવી સરકારની યોજના છે: પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર (ફાઈલ તસવીર)

સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે આપણા દેશમાં દરેક પ્રકારની ફિલ્મોને પ્રમોટ કરવાની સરકારની યોજના છે. તેમનું કહેવું છે કે આજે નાગરિકો પોતાનો સ્માર્ટફોન લઈને અનેક શૉર્ટ ફિલ્મ્સ અને ડૉક્યુમેન્ટરીઝ બનાવતા હોય છે. એથી દરેકને ઓળખ મળે એ માટે સરકાર યોગ્ય પગલાં લેવાની છે. તાજેતરમાં ઑનલાઇન આયોજિત ઇન્ટરનૅશનલ કોરોના વાઇરસ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન તેમણે હાજરી આપી હતી. ફિલ્મો વિશે પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ‘લોકો આજે સિટિઝન જર્નલિસ્ટ બની ગયા છે. તેઓ મોબાઇલ ફોન પર શૂટ કરે છે, એડિટ કરે છે અને પોતાની શૉર્ટ ફિલ્મો સાથે તૈયાર થઈ જાય છે. આ એક કમ્યુનિકેશન ક્રાન્તિ છે. ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 21 નૉન-ફીચર ફિલ્મો દેખાડવામાં આવે છે. નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં 70 મિનિટની અંદર આવરી લેવામાં આવતી શૉર્ટ ફિલ્મોની ઘણી કૅટેગરી હોય છે. ધ મુંબઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ડૉક્યુમેન્ટરીઝ અને ફિલ્મમેકર્સને અવૉર્ડ આપવામાં આવે છે. આ જ સરકારની યોજના છે કે દરેક પ્રકારની ફિલ્મો, સારી ફિલ્મો, એવી ફિલ્મો જેનાથી લોકો પ્રેરિત થાય એને પ્રમોટ કરવામાં આવે.’

ઇન્ડિયન ઇન્ફોટેનમેન્ટ મીડિયા કૉર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનૅશનલ કોરોના વાઇરસ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં 108 દેશોમાંથી 2800 એન્ટ્રીઝ આવી છે. ફેસ્ટિવલનો ઉદ્દેશ એ છે કે ફિલ્મો એવી હોવી જોઈએ કે જેમાં ઉપચાર, સલામતીના દિશાનિર્દેશ અને કોરોના વાઇરસને કારણે લોકો પર શું અસર પડી એ દેખાડવામાં આવ્યું હોય. આ મહામારીને લઈને પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ‘કોરોના વાઇરસને કારણે આખું વિશ્વ

હચમચી ગયું હતું. આ ખળભળાટની વચ્ચે લોકોની ટૅલન્ટ પણ ઉજાગર થઈ છે. આપણી આસપાસ ઘણીબધી ક્રીએટિવિટી છે. આપણને ટેક્સ્ટ મેસેજિસમાં જ ઘણીબધી માહિતી મળી જાય છે. લૉકડાઉનને કારણે લોકો બહાર નીકળી નહોતા શક્યા. લોકોએ ટીવી જોયું, રેડિયો સાંભળ્યો અને મનોરંજન માટે અન્ય મીડિયમ પર પણ ધ્યાન દોર્યું. તેમણે ઘરે બેસીને શૉર્ટ ફિલ્મો જોઈ હતી.’

entertainment news bollywood bollywood news prakash javadekar