ખેડૂતોએ પંજાબમાં ગુડ લક જેરીનું શૂટિંગ અટકાવ્યું

25 January, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખેડૂતોએ પંજાબમાં ગુડ લક જેરીનું શૂટિંગ અટકાવ્યું

જાહ્નનવી કપૂર

ખેડૂતોએ પંજાબમાં જાહ્‍નવી કપૂરની આગામી ફિલ્મ ‘ગુડ લક જેરી’નું શૂટિંગ અટકાવ્યું છે. તેમની માગણી છે કે સરકાર ખેડૂતો માટે જે નવું બિલ લઈને આવી છે એનો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ વિરોધ કરે. ફિલ્મનું જ્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું એ સેટ પર પહોંચીને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા ઘણા વખતથી દિલ્હીની સીમા પર ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે આ નવા બિલથી તેમનું શોષણ થશે અને મિનિમમ સેલિંગ પ્રાઇસ પર માઠી અસર પડશે. એથી આ બિલ દેશમાં લાગુ ન કરવામાં આવે, એવી તેમની ઇચ્છા છે. આ જ કારણસર તેમણે ‘ગુડ લક જેરી’ના સેટ પર જઈને શૂટિંગ બંધ કરાવ્યું હતું. જોકે ઇન્સ્ટાસ્ટોરી પર જાહ્‍નવીએ કૅપ્શન આપી હતી, ‘ખેડૂતો આપણા દેશનું હૃદય છે. તેઓ આપણા દેશના લોકોનું પેટ ભરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આશા રાખું કે ખેડૂતોના હિતમાં આ મુદ્દો વહેલાસર ઉકેલવામાં આવે.’

તો બીજી તરફ દેખાવ કરનાર રાજવંત સિંઘ સંધુએ કહ્યું હતું કે ‘અમે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એટલું કહેવા માગીએ છીએ કે જે ખેડૂતો દેખાવ કરી રહ્યા છે તેમના હિતમાં કલાકારો નિવેદન આપે.’ 

entertainment news bollywood bollywood news upcoming movie