મિર્ઝાપુરની ગોલુ 2.0 કેમ ગન ઉઠાવશે?

08 October, 2020 11:33 PM IST  |  Ahmedabad | Mumbai Correspondent

મિર્ઝાપુરની ગોલુ 2.0 કેમ ગન ઉઠાવશે?

શ્વેતા ત્રિપાઠી

ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની અત્યંત જાણીતી સિરીઝ ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ૨૦૧૮માં આ શોની પહેલી સીઝન રિલીઝ થઈ હતી અને ત્યારથી ચાહકોમાં બીજા ભાગ વિશે ઉત્કંઠા જોવા મળી છે. પંકજ ત્રિપાઠી, શ્વેતા ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ વગેરે કલાકારો ઉપરાંત આ વખતે વિજય વર્મા, ઈશા તલવાર, પ્રિયાંશુ પેનિયુલી જેવા નવા ચહેરા પણ જોવા મળશે. ‘ગોલુ’નો રોલ ભજવી રહેલી શ્વેતા ત્રિપાઠીનો ‘મિર્ઝાપુર 2’માં પહેલા ભાગથી તદ્દન વિપરીત અંદાજ હશે, કેમ કે બીજી સીઝનમાં તે ઍક્શન કરતી જોવા મળશે. પોતાની બહેનના મોતનો બદલો લેવા માટે ગોલુ ગન ઉપાડશે અને આ ‘ગોલુ 2.0’ માટે શ્વેતાએ ખાસ તાલીમ લીધી છે.
ટ્રેઇનિંગ વિશે શ્વેતાનું કહેવું છે કે ‘શોમાં અમે રિયલ ગનનો ઉપયોગ કરીએ છીએ એટલે મેં સ્ટન્ટ ડિરેક્ટર મનોહર વર્મા પાસે ૧૦ દિવસની ટ્રેઇનિંગ લીધી છે. હું મારા પતિ ચૈતન્યને ટ્રેઇનિંગ-સેશન્સમાં લઈ જતી અને મારા કમ્ફર્ટ ઝોન બહાર મને કામ કરતી જોવા માટે તે પણ ઉત્સાહી હતો. ટ્રેઇનિંગ દરમ્યાન હું ઇયરપ્લગ લગાવીને મ્યુઝિક સાંભળતી અને ગન ચલાવતી. પડદા પર બધી મૂવમેન્ટ સ્મૂધ લાગે એ માટે એકદમ સહેલાઈથી ગન ચલાવવું એ થોડું મુશ્કેલ હતું. જોકે મને વધારે કૉન્ફિડન્સ સેટ પર જ આવ્યો. હું શૂટિંગ ખતમ કરતી અને એ પછી ટ્રેઇનિંગ લેતી. મોટા ભાગે આપણે છોકરીઓના હાથમાં ગન નથી જોતા એટલે હું આ કામ એકદમ સારી રીતે કરવા માગતી હતી.’

bollywood bollywood news bollywood gossips ahmedabad