17 June, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરી ખાન અને સ્ટીફન ગૅડિટ
શાહરુખ ખાનની પત્ની ગૌરીએ ગયા વર્ષે પોતાનો રેસ્ટોરાં-બિઝનેસ શરૂ કર્યો છે. તેણે ફેબ્રુઆરી ૨૦૨૪માં લૅટિન-એશિયન ફ્યુઝન રેસ્ટોરાં ‘ટૉરી’ શરૂ કરી હતી. હવે આ અત્યંત લોકપ્રિય ફૂડ-જૉઇન્ટને લઈને એના હેડ શેફ સ્ટીફન ગૅડિટે રસપ્રદ ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યુમાં સ્ટીફને જણાવ્યું કે ‘રેસ્ટોરાંમાં એક સીક્રેટ ડોર છે, જેના દ્વારા ફક્ત ખાન પરિવારની એન્ટ્રી થાય છે. આ દરવાજો કેટલીક પસંદગીની સેલિબ્રિટીઓ માટે રિઝર્વ છે. દરેક વ્યક્તિની આ સીક્રેટ ડોર સુધી પહોંચ નથી.’
ઇન્ટરવ્યુમાં ખાન પરિવારની પસંદગી વિશે વાત કરતાં સ્ટીફને કહ્યું કે ‘તેઓ અહીં અવારનવાર આવતા રહે છે. જ્યારે તેમની પાસે સમય નથી હોતો ત્યારે તેઓ ઑર્ડર આપે છે અને અમે તેમનું ખાવાનું તેમના ઘરે મોકલી આપીએ છીએ. અબરામને અહીંની સુશી ભાવે છે. સુહાના ઘણી વખત પોતાના મિત્રો સાથે અહીં આવી છે. શાહરુખ પણ અહીં ઘણી વખત આવી ચૂક્યા છે. મોટા ભાગે ગૌરી ખાન અને પરિવાર સાથે જ આવે છે. શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાનીનો જન્મદિવસ પણ અહીં જ ઊજવવામાં આવ્યો હતો. શાહરુખને અહીં પીરસવામાં આવતા લૅમ્બ ચૉપ ખૂબ ભાવે છે. તેઓ જ્યારે પણ આવે છે ત્યારે આ ડિશ ઑર્ડર કરે છે. આર્યન ખાન પણ કેટલીક વખત અહીં આવી ચૂક્યો છે. ગૌરી ખાનને થાઈ કરી ખૂબ ભાવે છે અને મૅનેજમેન્ટ તેમ જ ગૌરી વચ્ચે સારું ટ્યુનિંગ છે.’