26 October, 2026 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નસીરુદ્દીન શાહ અને ગજેન્દ્ર ચૌહાણ
બી. આર. ચોપડાની ‘મહાભારત’માં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનારા ગજેન્દ્ર ચૌહાણે નસીરુદ્દીન શાહની તેમના તાજેતરના નિવેદન બદલ આકરી ઝાટકણી કાઢી છે. નસીરુદ્દીન શાહે BJPને ‘બ્લડી જૂઠી પાર્ટી’ ગણાવી હતી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તથા પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરી હતી. ૭૬ વર્ષના નસીરુદ્દીન શાહે કલકત્તાની સત્યજિત રે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનને લઈને નારાજગી વ્યક્ત કરતી વખતે આ નિવેદન કર્યુ હતું. હવે ગજેન્દ્ર ચૌહાણે નસીરુદ્દીન શાહને સલાહ આપી છે કે સત્તાધારી પક્ષ પર પ્રહાર કરવાને બદલે તેમણે રચનાત્મક સલાહ આપવી જોઈએ. એટલું જ નહીં, ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન ગજેન્દ્ર ચૌહાણે એવો પણ દાવો કર્યો છે કે નસીરુદ્દીન શાહ હંમેશાં એકતરફી વાત કરે છે.
પોતાની લાગણી વ્યક્ત કરતાં ગજેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે ‘આ ખૂબ જ દુખદ વાત છે. જે પાર્ટીએ છેલ્લાં ૧૨-૧૩ વર્ષથી દેશ પર શાસન કર્યું છે એને તમે ‘બ્લડી જૂઠી પાર્ટી’ કહી દીધી. તમને શરમ આવવી જોઈએ. દેશના ૧૪૦ કરોડ લોકોએ એ પાર્ટીને સત્તાના સર્વોચ્ચ સ્થાને બેસાડી છે અને તમે એને ગાળો આપી રહ્યા છો. તમે એક મહાન કલાકાર છો. તમે એક સારા માણસ છો પણ મેં હંમેશાં જોયું છે કે તમારી ટ્વીટ્સ અને વિડિયોમાં તમે એકતરફી વાત કરો છો. જો સત્યજિત રે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટમાં હડતાળ થાય છે તો ત્યાંનું વહીવટીતંત્ર આ મામલો સંભાળશે. ત્યાં સક્ષમ લોકો બેઠા છે. વિરોધ કરવો એ વિદ્યાર્થીઓનો અધિકાર છે, પણ જ્યાં સુધી તમે બધા એકસાથે બેસીને વાત નહીં કરો ત્યાં સુધી વિરોધનું કોઈ પરિણામ નહીં આવે. આટલી મહેનત કરનારી સરકારની ટીકા કરવાને બદલે તમારે વિદ્યાર્થીઓને સલાહ આપવી જોઈએ. અમારા કાર્યકરો અને રાજકારણીઓએ ઘણી મહેનત કરી છે, ચૂંટણી જીતી છે અને એવા લોકોને સત્તા પરથી દૂર કર્યા છે જેઓ જનતા માટે કંઈ કરી રહ્યા નહોતા. બાકી તમારી મરજી. તમે એક મહાન કલાકાર છો. બસ, થોડા હકારાત્મક બનો.’