01 October, 2023 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
‘ફુકરે 3’ અને ‘ધ વૅક્સિન વૉર’ ગુરુવારે રિલીઝ થઈ છે. ‘ફુકરે 3’ કલેક્શનની દૃષ્ટિએ ‘ધ વૅક્સિન વૉર’ કરતાં આગળ નીકળી ગઈ છે. ‘ફુકરે 3’ની વાત કરીએ તો એને મૃગદીપ સિંહ લાંબાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ અને મનજોત સિંહ લીડ રોલમાં છે. ગુરુવારે ગણપતિ-વિસર્જન હોવાથી મહારાષ્ટ્રમાં ફિલ્મનું કલેક્શન ઓછું થયું હતુ. ‘ફુકરે 3’ના બે દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ગુરુવારે ૮.૮૨ કરોડ અને શુક્રવારે ૭.૮૧ કરોડની સાથે ૧૬.૬૩ કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે વાત કરીએ વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’ની. એ ફિલ્મમાં અનુપમ ખેર, નાના પાટેકર, પલ્લવી જોષી અને રાયમા સેન લીડ રોલમાં છે. કોરોનાકાળમાં ભારતે બનાવેલી વૅક્સિન પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મના બે દિવસના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મે ગુરુવારે ૭૬ લાખ અને શુક્રવારે ૫૫ લાખની સાથે ૧.૩૧ કરોડનો વકરો કર્યો છે. વીક-એન્ડ દરમ્યાન આ બન્ને ફિલ્મો કેવો બિઝનેસ કરે છે એ જોવું રહ્યું.