20 December, 2025 01:28 PM IST | Mumbai | Jigisha Jain
એક દૂજે કે લિએ પછી ફોન સતત વાગતો જ હતો, હવે ધુરંધર પછી પણ એવું જ થઈ રહ્યું છે
સુપરહિટ થયેલી ફિલ્મ ધુરંધરમાં પાકિસ્તાની રાજકારણીના કિરદારમાં ઍક્ટર રાકેશ બેદીનાં ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. છેલ્લાં ૪૭ વર્ષથી ૨૧૮ ફિલ્મો, ૨૭ જેટલી ટીવી-સિરિયલો અને ૬૦-૭૦ જેટલાં નાટકોમાં કામ કરનારા રાકેશ બેદીની આ બહોળા અનુભવ થકી અને તેમની સ્વભાવગત સાધેલી પરિપક્વતા તેમની વાતચીતમાં છતી થાય છે
૧૯૮૧નો સમય. થિયેટરમાં એક ફિલ્મ લાગેલી જેનું નામ હતું ‘એક દૂજે કે લિએ’. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી હતી. કમલ હાસન (વાસુ) અને રતિ અગ્નિહોત્રી (સપના) અભિનીત આ ફિલ્મમાં બે એવી વ્યક્તિઓ હતી જે એકબીજાની ભાષા નથી સમજી શકતી પણ એકબીજાને પ્રેમ કરી બેસે છે. બન્ને અલગ સમાજના હતાં એટલે તેમનો સંબંધ સ્વીકાર્ય હોતો નથી અને છેલ્લે તેઓ આપઘાત કરે છે. લોકોને આ વિષય ખૂબ ગમેલો અને રાતોરાત ફિલ્મ હિટ થઈ ગઈ હતી. આ બધામાં એક વ્યક્તિ હેરાન થઈ ગયેલી. એ છે ઍક્ટર રાકેશ બેદી જેમણે ચક્રમ નામનું કિરદાર નિભાવેલું. વાર્તામાં ચક્રમને કારણે જ વાસુ અને સપના આપઘાત કરે છે. ફિલ્મ હિટ થઈ એ પછી રાકેશ બેદીનો લૅન્ડલાઇન ફોન રણક્યા કરતો હતો. લોકોએ તેમને ખૂબ ગાળો આપી કે તારે કારણે વાસુ અને સપના ન મળી શક્યાં, તારે કારણે તે મરી ગયાં. એટલું ઓછું હોય એમ તેમને મારવાની ધમકી પણ મળી. લોકો ફિલ્મ સાથે એટલા જોડાઈ ગયા હતા કે તેમને આ વાર્તા કાલ્પનિક લાગતી જ નહોતી. તેમને લાગતું હતું કે ખરેખર આવા ‘ચક્રમ’ જેવા લોકોને સમાજથી દૂર કરો. એક નકારાત્મક પાત્ર ભજવનાર ઍક્ટર માટે આ ખુશીની જ વાત કહેવાય કે લોકો તેને ભરપૂર નફરત કરી રહ્યા છે. તેમની ઍક્ટિંગ એવી હતી કે લોકો એમ માની બેઠા કે આ પાત્ર ખરાબ જ છે.
અને આજે ૨૦૨૫માં ૪૪ વર્ષ પછી ફરી એક વાર રાકેશ બેદીનો ફોન બંધ જ નથી થઈ રહ્યો. ફિલ્મ ‘ધુરંધર’માં તેમણે એક પાકિસ્તાની રાજકરણીનો રોલ એટલો બખૂબી નિભાવ્યો છે કે અભિનંદનના ફોન અટકી જ નથી રહ્યા. એ વિશે વાત કરતાં તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘જે લોકો મને ઓળખતા હતા તેઓ મને ફોન કરી રહ્યા છે. જે મને ઓળખતા નહોતા તેઓ પણ મને ફોન કરી રહ્યા છે. જેમની પાસે મારો નંબર નથી એવા લોકો પણ ગમે ત્યાંથી મારો નંબર મેળવીને મને ફોન કરી રહ્યા છે. ‘ધુરંધર’ પાછળ બધાએ ઘણી મહેનત કરી છે, પણ જે પ્રકારનો રિસ્પૉન્સ મળી રહ્યો છે એ બદલ અમે બધા ખુશ છીએ. હું છેલ્લાં ૪૭ વર્ષોથી કામ કરી રહ્યો છું. સફળતા પહેલાં પણ મેં જોઈ જ છે પણ આ અલગ છે. જોકે હું એવી વ્યક્તિ છું કે સફળતા કે નિષ્ફળતા બન્ને મને અસર કરતાં નથી. હું મારા સ્પિરિચ્યુઅલ લેક્ચર્સમાં પણ કહેતો હોઉં છું કે ફેલ્યર તો તમને પાઠ ભણાવે છે, સક્સેસથી કશું મળતું નથી. હું એ પ્રકારનો ઍક્ટર છું જે વિચારે કે ઓકે, આ થઈ ગયું; હવે વૉટ ઇઝ નેક્સ્ટ? આગળ શું કરવાનું છે? આ મારું કામ નથી, મારું પૅશન છે એટલે એ સફળતા અને નિષ્ફળતાથી પરે હોવું જરૂરી છે.’
કરીઅર
૧૯૭૯માં રાકેશ બેદીની પહેલી ફિલ્મ ‘હમારે તુમ્હારે’ આવી જે સંજીવકુમાર સાથે હતી. આ પછી ‘ચશ્મે બદ્દૂર’માં ફારુક શેખ અને દીપ્તિ નવલ સાથે તેઓ લીડમાં હતાં જેમાં તેમને ઘણી ખ્યાતિ મળી. તેમણે ‘સાથસાથ’, ‘યે વાદા રહા’, ‘તીસરી આંખ’, ‘કલાકાર’, ‘સોહની મહિવાલ’, ‘હમ હૈં લાજવાબ’, ‘નસીબ અપના અપના’, ‘અસલી નકલી’, ‘હવાલાત’, ‘અન્જાને રિશ્તે’, ‘બહૂરાની’, ‘અપમાન કી આગ’, ‘સ્વર્ગ જૈસા ઘર’, ‘દિલ હૈ કિ માનતા નહીં’, ‘આજ કા ગુંડા રાજ’, ‘ગર્દિશ’, ‘હમ હૈં કમાલ કે’, ‘આંકેં’, ‘દુલારા’, ‘’વિજેતા’, ‘દિલજલે’, ‘હીરો નંબર વન’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘હમ આપકે દિલ મેં રહતે હૈં’, ‘પ્યાર કોઈ ખેલ નહીં’, ‘હદ કર દી આપને’, ‘ગદર એક પ્રેમ કથા’, ‘ઓમ જય જગદીશ’, ‘ફિર હેરાફેરી’ જેવી ૨૧૮ ફિલ્મો કરી છે. ટીવી પર ‘યે જો હૈ ઝિંદગી’થી તેમણે શરૂઆત કરી. ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘યસ બૉસ’ તેમની અત્યંત જાણીતી સિરિયલો છે જેમાં લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા. ‘યસ બૉસ’ સિરિયલ એ સમયમાં ૧૦ વર્ષ ચાલી હતી. આજે પણ યુટ્યુબ પર આ સિરિયલો જોતા લોકોનો એક વર્ગ છે. ‘ઝબાન સંભાલ કે’, ‘ખિડકી’, ‘સાહિબ બીવી ઔર બૉસ’ જેવી ૨૭ જેટલી
ટીવી-સિરિયલોમાં તેમણે કામ કર્યું છે. હજી પણ તેઓ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘ભાબીજી ઘર પર હૈ’ સિરિયલો સાથે જોડાયેલા છે જેમાં વચ્ચે-વચ્ચે તેઓ કામ કરતા હોય છે. રાકેશ બેદીએ ૬૦-૭૦ નાટકો કર્યાં છે જેના કુલ છ-સાત હજાર શોઝ તેઓ ભજવી ચૂક્યા છે. મુંબઈના પૃથ્વી થિયેટરમાં જ તેમણે લગભગ બે-અઢી હજાર વાર પર્ફોર્મ કર્યું છે. કામની આટલી વિવિધતા અને આટલા મોટા આંકડાઓ જોઈને લાગે કે તેમણે કામ સિવાય કશું કર્યું નથી જીવનમાં, સતત આમાં જ વ્યસ્ત રહ્યા છે. આજે ૭૧ વર્ષની ઉંમરે પણ ફિલ્મો, નાટકો અને ટીવી ત્રણેય ક્ષેત્રે ભરપૂર વ્યસ્તતા ધરાવે છે.
નાનપણ
દિલ્હીમાં પંજાબી પરિવારમાં જન્મેલા રાકેશ બેદીના પિતા ઍરોનૉટિકલ એન્જિનિયર હતા પણ ગાલિબના મોટા ફૅન. મમ્મી સંગીતપ્રેમી હતાં. તેમના નાના થિયેટર કરતા હતા. મામા અને માસીઓ ગાયક હતાં. નાનપણમાં સ્કૂલથી તેમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. દિલ્હીમાં ‘સમર ફીલ્ડ’ નામની સ્કૂલથી ભણતર શરૂ થયું. એ પછી કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓ ભણ્યા. નાનપણના એક રસપ્રદ કિસ્સ વિશે વાત કરતાં રાકેશ બેદી કહે છે, ‘હું ભણવામાં ખાસ રસ ધરાવતો નહોતો, પણ સાયન્સ લીધેલું. એ સમયે હાયર સેકન્ડરીની એક્ઝામ હતી જેના પર તમારી આખી કરીઅર આધાર ધરાવે છે. મારું કેમિસ્ટ્રીનું પેપર હતું. થિયરી અને પ્રૅક્ટિકલ મળીને ૩૫ માર્ક્્સ આવવા જોઈએ. થિયરીનું પેપર મારું એટલું ખરાબ હતું કે એમાં ખૂબ ખરાબ માર્ક્સ આવવાના હતા. એટલે કંઈ પણ કરીને પ્રૅક્ટિકલમાં લગભ પૂરા માર્ક્સ મળે તો જ પાસ થવાય એમ હતું. એ સમયે મેં મોનોઍક્ટિંગ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં હું દિલ્હીમાં પહેલા અને ભારતમાં બીજા નંબરે આવેલો. ત્યાં અમારા એક્ઝામિનર આવ્યા અને કોઈએ તેમને કહેલું કે આનો નંબર આવ્યો છે તો તેમણે મને પૂછ્યું કે તું જીત્યો? તેમને પટાવવા માટે મેં તેમને કહ્યું, હું તમને કંઈ કરીને બતાવું? તો એ રૂમમાં મેં ૧૫-૨૦ મિનિટ તેમને હસાવ્યા. પછી મેં કહ્યું કે હવે એક્ઝામ કેવી રીતે આપીશ? સમય જતો રહ્યો. તેમણે ખુશ થઈને મને પૂછ્યું કે કેટલા જોઈએ છે? તમે પૂરા આપશો તો જ પાસ થઈ શકીશ એમ કહ્યું તો તેમણે ખુશ થઈને સારાએવા માર્ક્સ આપ્યા જેથી હું પાસ થઈ ગયો. મારા સ્કૂલના મિત્રો હજી પણ મારા ટચમાં છે. એ લોકો આજની તારીખે પણ કહે છે કે એ દિવસે તારે લીધે બધા પાસ થઈ ગયા.’
ભણતર
બોર્ડમાંથી નીકળ્યા પછી રાકેશ બેદીના પપ્પાને એમ હતું કે એ સારું ભણે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ફક્ત પપ્પાને રાજી કરવા મેં IIT દિલ્હીમાં મરીન એન્જિનિયરિંગનું ફૉર્મ ભર્યું. જોકે એ પેપર હું પાંચ મિનિટમાં આપીને આવી ગયો. ફક્ત એટલે કે પપ્પાને એમ ન થાય કે દીકરાએ પ્રયાસ પણ ન કર્યો. જોકે મારી મંજિલ તો હતી FTII-ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પુણે. મેં ત્યાં ઍક્ટિંગમાં ઍડ્મિશન લીધું. હું એટલા માટે અહીં જવા માગતો હતો કે કોઈ લિન્ક ત્યાંથી મળે, કારણ કે હું તો ફિલ્મોમાં કોઈને ઓળખતો જ નહોતો. મેં નાટકો કર્યાં હતાં પણ મને જવું ફિલ્મોમાં જ હતું. એટલે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD) ન ગયો, પણ હું FTII આવ્યો. મારી સાથે સતીશ શાહ હતા. અમારી દોસ્તી એ સમયની હતી. મુંબઈ આવ્યા પછી પણ ફારુક શેખ, હું અને સતીશ અમે હની ઈરાની (લેખિકા)ના ઘરે સાંજે હજારો વાર મળ્યા હોઈશું. FTIIમાં ઘણું શીખ્યા. એક વાર રાજ કપૂર સાહેબ આવેલા ત્યાં અમને ભણાવવા. મેં એ દિવસે એક ડાયરીમાં તેમની કહેલી વાતો નોંધી હતી અને એ બાબતો આજની તારીખે પણ એટલી જ કામની છે. હું હજી પણ એ રિફર કરતો હોઉં છું. કોઈ પણ કિરદારને ભજવતાં પહેલાં અરીસા સામે કૉસ્ચ્યુમ પહેરીને ઊભા રહીને ફીલ કરો કે હું એ જ પાત્ર છું. આ એક્સરસાઇઝ તેમણે શીખવેલી જે કોઈ પણ ઍક્ટર માટે હજી પણ એટલી જ ઉપયોગી છે.’
નાટકો
મુંબઈ આવીને રાકેશ બેદીએ ઇન્ડિયન પીપલ્સ થિયેટર અસોસિએશન (IPTA) નામનું થિયેટર-ગ્રુપ જૉઇન કર્યું જેમની સાથે તે આજે પણ જોડાયેલા છે અને નાટકો કરે છે. રાકેશ બેદીનું હમણાં ‘પત્તે ખુલ ગએ’, ‘તાજ મહલ કા ટેન્ડર’ અને ‘રૉન્ગ નંબર’ જેવાં નાટકો ચાલે છે જેમાં ‘પત્તે ખુલ ગએ’ તેમણે લખેલું છે. આ સિવાય વિજય તેન્ડુલકર લિખિત નાટકનું હિન્દી રૂપાંતરણ ‘મસાજ’ તેમનું બહુચર્ચિત નાટક છે જેમાં બે કલાકના નાટકમાં ૨૪ અલગ-અલગ પાત્રો રાકેશ બેદી સ્વયં નિભાવે છે. આ નાટક છેલ્લાં ૨૩ વર્ષથી તેઓ નિભાવી રહ્યા છે. નાટકો વિશે વાત કરતાં રાકેશ બેદી કહે છે, ‘રંગભૂમિએ મને ઘણું આપ્યું, ઘણું શીખવ્યું. આજે જે પાત્રોનાં વખાણ થાય છે, જે ઍક્ટિંગ વિશે ચર્ચાઓ થાય છે, લોકો પૂછે છે કે આવા રોલમાં હ્યુમર કઈ રીતે નાખ્યું, શું કર્યું? આ બધું જ હું રંગભૂમિમાં કામ કરતાં-કરતાં શીખ્યો છું. ભલે હું ફિલ્મ વિશે ભણ્યો અને મને એમાં જ વધુ રસ હતો, પણ થિયેટર કરવા પાછળનો મારો ઉદ્દેશ આ આર્ટને વધુ બારીકાઈથી શીખવાનો હતો.’
લાફ્ટર
રાકેશ બેદી તેમની કૉમેડી માટે ઘણા જાણીતા છે. ‘ધુરંધર’ ફિલ્મમાં એક રાજકારણીના પાત્રમાં પણ તેમણે તેમની કૉમેડીની આવડત દર્શાવી હતી. એ રોલ વિશે વાત કરતાં રાકેશ બેદી કહે છે, ‘ટ્રૅજેડી લખવા માટે પાનાંનાં પાનાં ભરવાં પડે. દુઃખ લાંબું હોય. કૉમેડીને તમારે પાતળી હવામાંથી પકડવી પડે. એ એટલી બારીક હોય છે. એમાં ટાઇમિંગ મહત્ત્વનું છે. સાદા જોક્સ કરીને જે લાફ્ટર આવે છે એ ટાઇમ્લી લાફ્ટર છે, જ્યારે દર્દ અને વ્યથામાંથી જે લાફ્ટર આવે છે એ ટાઇમલેસ લાફ્ટર છે. આ ફરક જે સમજી શકે તે સારી કૉમેડી કરી શકે. મેં ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં એક પાત્ર ભજવેલું. એ નાનકડું પાત્ર હતું પણ આદિત્ય ધર એ અભિનય જોઈને અત્યંત ખુશ થઈ ગયો હતો અને એટલે જ અમુક લોકોની ના છતાં તેણે મને ‘ધુરંધર’માં પણ લીધો. હું નવા કલાકારોને એક સલાહ ચોક્કસ આપીશ કે તમારું કયું કામ તમને ક્યાં અને કઈ રીતે કામ લાગશે તમને એનો કોઈ અંદાજ નથી એટલે કામ કરતા રહેવું જરૂરી છે.’
લાયકાત
લાયકાતની અતિશય સુંદર વ્યાખ્યા સમજાવતાં ૭૧ વર્ષના રાકેશ બેદી કહે છે, ‘ઘણા લોકોને એવું લાગે છે કે તેમને તેમની લાયકાત મુજબ કામ મળ્યું નથી, પણ હું એમ માનતો નથી. દરેક વ્યક્તિને તેની લાયકાત મુજબ જ કામ મળે છે. એ લાયકાત એટલે ફક્ત ટૅલન્ટ નહીં. ટૅલન્ટ એનો એક ભાગ છે. એની સાથે તમે એ કામને કઈ દૃષ્ટિએ જુઓ છો, તમે લોકો સાથે કઈ રીતે વર્તો છો, તમે તેમની કેવી ગણના કરો છો, તમારી પર્સનાલિટી કેવી છે, કેવા દેખાઓ છો, તમે તમારા જુનિયરને અને સિનિયરને કઈ રીતે ટ્રીટ કરો છો, તમે સીન કઈ રીતે સમજો છો એ બધું જ તમારી લાયકાત છે. એટલે જો સારું કામ કરવું હોય તો એ લાયકાત કેળવવી પડે.’
અંગત જીવન
રાકેશ બેદીએ ૧૯૮૫માં અરેન્જ્ડ મૅરેજ કર્યાં. તેમનાં પત્ની અનુરાધા એક પ્રોડક્શન કંપનીનાં CEO રહી ચૂક્યાં છે. તેમને બે દીકરીઓ છે. મોટી રિદ્ધિમા TVF - ધ વાઇરલ ફીવર નામની કંપનીમાં કામ કરે છે અને રિતિકા બેદી પણ ઍક્ટ્રેસ છે જે થિયેટરમાં કામ કરી ચૂકી છે. બન્નેનાં લગ્ન થઈ ચૂક્યાં છે. એક કલાકાર તરીકે મને ઘણો સંતોષ છે એમ વાત કરતાં રાકેશ બેદી કહે છે, ‘દરેક કલાકાર કંઈ ને કંઈ સમાજને આપીને જવા ઇચ્છે છે. મને એ વાતનો સંતોષ છે કે હું લોકોને હસાવી શક્યો. આજે ઘણા લોકો મારો કોઈ ડાયલૉગ કે કોઈ સીન યાદ કરતાં-કરતાં એમનેમ હસી પડે છે કે યુટ્યુબ પર જૂની સિરિયલો રિપીટમાં પણ જુએ છે કે પછી એક જ નાટક વારંવાર જોવા આવે છે ત્યારે મને લાગે છે કે મેં તેમના જીવનમાં કોઈ વૅલ્યુ ક્રીએટ કરી છે. એનો મને ભરપૂર આનંદ અને સંતોષ છે.’
ગુજરાતી ફિલ્મ
રાકેશ બેદીએ એક ગુજરાતી ફિલ્મ કરી હતી જેનું નામ હતું ‘કેવી રીતે જઈશ’. દિવ્યાંગ ઠક્કર અને વેરોનિકા ગૌતમ સાથેની આ ફિલ્મમાં તેમણે એક સિંધી ટ્રાવેલ એજન્ટનું પાત્ર ભજવેલું. આ ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
જલદી ફાઇવ
શોખ - મને લખવાનો, શાયરી કરવાનો, વાંચવાનો ખૂબ શોખ છે.
અફસોસ - મને જીવનમાં કોઈ અફસોસ નથી. મારું માનવું છે કે દરેક જર્ની પર્ફેક્ટ જ હોય છે. અફસોસ કરવાનું મેં શીખ્યું જ નથી. નાનપણથી એટલી પરિપક્વતા મારી અંદર હતી કે હું સમજી શકું કે અફસોસ કરવા જેવી સ્ટુપિડ વસ્તુ બીજી કોઈ છે જ નહીં. નાનપણથી પપ્પા ગાલિબને સંભળાવતા : ઇસ લિએ જીવન કી સચ્ચાઈ મૈંને બખૂબી સીખ લી થી ઔર બાકી બચાખુચા ઝિંદગી ખુદ સીખા દેતી હૈ.
આદર્શ - હું ચાર્લી ચૅપ્લિનને આદર્શ માનું છું. તેમની ઍક્ટિંગ તો મને ગમે જ છે પણ મને એ ઍક્ટિંગ પાછળનો તેમનો વિચાર આકર્ષિત કરે છે. એ માણસની તકલીફમાંથી હ્યુમર કાઢતા હતા. એની મજા છે.
ખુદ વિશે કશું બદલવા માગો છો? - ખાસ તો કંઈ નહીં, પણ ક્યારેક એવું લાગે કે હું ખૂબ જલદી લોકો પર ભરોસો કરી લઉં છું. જોકે ક્યારેક તે મારા માટે સારી બાબત પણ સાબિત થાય છે.
જીવનની વાસ્તવિકતા - જો ચલ રહા હૈ ઉસકો આપ રોક નહીં સકતે ઔર જો ચીઝ નહીં ચલી ઉસકો આપ ચલા નહીં સકતે. એટલે કે કશું તમારા હાથમાં નથી.