`રિયલ લાઈફ વિલન` 79 વર્ષીય ટીનુ આનંદના આ વૉટ્સએપ મેસેજથી લોકો ભડક્યા

15 May, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

FIR filed against Tinnu Anand: વરિષ્ઠ અભિનેતા-દિગ્દર્શક ટીનુ આનંદ એક વૉટ્સએપ મેસેજ બાદ વિવાદમાં આવી ગયા છે. તે રખડતા કૂતરાઓ પર હૉકી સ્ટીકથી હુમલો કરવાની ધમકી આપી છે. આ મેસેજ વાયરલ થયા પછી, પ્રાણી અધિકાર કાર્યકરો અને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા.

મેસેજનો વાયરલ સ્ક્રીનશોટ

વરિષ્ઠ અભિનેતા-દિગ્દર્શક ટીનુ આનંદ એક વૉટ્સએપ મેસેજ બાદ વિવાદમાં આવી ગયા છે. આ મેસેજમાં તે રખડતા કૂતરાઓ પર હૉકી સ્ટીકથી હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે. આ મેસેજ વાયરલ થયા પછી, પ્રાણી અધિકાર કાર્યકરો અને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે. તેમની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જેના પર અભિનેતાએ હવે પ્રતિક્રિયા આપી છે.

હિન્દી ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ માટે પ્રખ્યાત તિનુ આનંદે વાયરલ થયેલા એક વૉટ્સએપ સંદેશમાં લખ્યું હતું કે "જ્યારે હું થાકીને શૂટિંગથી પાછો ફર્યો, ત્યારે મેં ડરામણા કૂતરાઓને ભસતા જોયા અને કોણ જાણે હવે તેઓ કોને કરડશે. પણ મારી પાસે તેમનો સામનો કરવા માટે હૉકી સ્ટીક છે... હું બધા કૂતરા પ્રેમીઓને ચેતવણી આપી રહ્યો છું કે તેઓ બધા કૂતરાઓને ઘરે લઈ જાય નહીંતર મારા ક્રોધનો સામનો કરે. મારી સોસાયટીને પહેલાથી જ જાણ કરવામાં આવી છે."

ટીનુ આનંદે કૂતરાને હોકી સ્ટીકથી મારવાની ધમકી આપી!
ધ ફ્રી પ્રેસ જર્નલને માહિતી આપતાં, મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ટીનુ આનંદને લેખિતમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અભિનેતાના સંદેશમાં રખડતા કૂતરાઓ સામે ધમકીઓ હતી, જે ભારતીય કાયદા હેઠળ સુરક્ષિત છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ગુસ્સે છે. કોઈએ તેને `વાસ્તવિક જીવનનો ખલનાયક` કહ્યો તો કોઈએ લખ્યું કે `તેને શરમ આવવી જોઈએ`.

પોલીસ ફરિયાદ બાદ ટીનુ આનંદની પ્રતિક્રિયા
હવે આ સમગ્ર વિવાદ પર ટીનુ આનંદની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે સોસાયટીમાં તેમની પુત્રીના પાલતુ કૂતરા પર ત્રણ રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગઈ અને તેનું કાંડા નું હાડકું તૂટી ગયું. અભિનેતાએ જણાવ્યું કે તેમની પુત્રી છેલ્લા એક મહિનાથી સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં તેના ઑપરેશન પર બે વાર 90,000 રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે કૂતરા પ્રેમીઓ તેમના કૂતરાઓને પટ્ટા કેમ નથી બાંધતા? સોસાયટીની નજીક એક સ્ટોરના ડિલિવરી મેન પર પણ કૂતરાઓએ બે વાર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેણે ડિલિવરી કરવાનું બંધ કરી દીધું હતું.

ટીનુએ કહ્યું કે તે 80 વર્ષનો છે અને તેને કૂતરાના હુમલાથી પોતાને બચાવવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે તાજેતરમાં કૂતરાઓના હુમલાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. હજુ પણ લોકો સોશિયલ મીડિયા પર સ્ટ્રીટ ડૉગ્સના બચાવમાં કંઈ પણ લખતા રહે છે કેમકે ડૉગ્સથી તેમને કોઈ ફરક પડતો નથી." તેમણે કહ્યું, "મારો સંદેશ કૂતરાઓ પર હુમલો કરવાનો નહોતો પણ પોતાનું રક્ષણ કરવાનો હતો." આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ક્યાં કહ્યું છે કે તમે કૂતરાના હુમલાથી પોતાનો બચાવ નથી કરી શકતા?’

mumbai police mumbai news bollywood buzz bollywood news bollywood entertainment news