છેલ્લા દાયકાની એવી ફિલ્મો જે વિવાદિત છતાં બૉક્સઑફિસ પર હિટ

21 January, 2021 12:44 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

છેલ્લા દાયકાની એવી ફિલ્મો જે વિવાદિત છતાં બૉક્સઑફિસ પર હિટ

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલીવુડમાં અનેક એવી ફિલ્મો અને વેબસીરિઝ છે જે વિવાદમાં સંપડાઇ ચૂકી છે. તેમ છતાં ઘણી એવી ફિલ્મો છે જે વિવાદિત હોવા છતાં બૉક્સઑફિસ પર ધમાલ પણ મચાવી ચૂકી છે. હાલ સૈફ અલી ખાન સ્ટારર તાંડવ વેબસીરિઝ અને રિચા ચઢ્ઢા સ્ટારર ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટર પણ વિવાદમાં છે, જો કે તાંડવ વેબસીરિઝ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી છે જ્યારે રિચા ચઢ્ઢાની ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે ત્યારે હજી એ જોવાનું છે કે આ ફિલ્મ વિવાદમાં સંપડાયા પછી પણ બૉક્સઑફિસ પર પોતાની કમાલ બતાવી શકે છે કે નહીં?..

પણ અહીં કેટલીક ફિલ્મો એવી પણ છે જેમણે વિવાદમાં સપડાયા પછી પણ બૉક્સઑફિસ પર ધૂમ કમાણી કરી છે.

1. પદ્માવત
પદ્માવત ફિલ્મ નામ- રાણી પદ્માવતીનું જીવન, તેના સાતત્ય પર પ્રશ્નો જેવા અનેક કારણોને લીધે વિવાદમાં સંપડાઇ હતી. ત્યાર બાદ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ ફિલ્મનું નામ પદ્માવતીમાંથી બદલીને પદ્માવત કરી દીધું હતું. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ કરવામાં આવી હતી.

2. પીકે
પીકે ફિલ્મ રિલીઝ કર્યા પછી તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો આ ફિલ્મમાં હિંદુ વિરોધી ભાવનાઓને ઉશ્કેરવાનો તેમજ હિંદુ ભગવાનો અને તેમની રીતનો મજાક ઉડાડવામાં આવ્યો છે અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કારણોસર આ ફિલ્મના બૉયકૉટની માગ કરવામાં આવી હતી. આ ફિલ્મ 19 ડિસેમ્બર 2014ના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર હિરાણીએ કર્યું હતું.

3. માય નેમ ઇઝ ખાન
બૉલીવુડ બાદશાહ શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ માય નેમ ઇઝ ખાનના બૉયકૉટની માગ એક ખાસ સમુદાયે કરી હતી અને આ ફિલ્મ બૉયકૉટ કરવામાં આવે તેની પાછળનું કારણ ભારતીય સ્ટાર શાહરુખ ખાનનું પાકિસ્તાનને સપોર્ટ એવું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મ 12 ફેબ્રુઆરી 2010માં રિલીઝ કરવામાં આવી હતી દરમિયાન શાહરુખ ખાને પાકિસ્તાનના સપોર્ટમાં નિવેદન આપ્યું હતું અને અભિનેતાના આ નિવેદન પ્રત્યે વિરોધ દર્શાવવામાં અભિનેતાની ફિલ્મ બૉયકૉટ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જણાવવાનું કે ફિલ્મનું ડિરેક્શન કરણ જોહરે કર્યું હતું.

4. દંગલ
આમિર ખાન સ્ટારર ફિલ્મ દંગલના બૉયકૉટની માગ કરવામાં આવી હતી તેની પાછળનું મૂળ કારણ અભિનેતાએ આપેલા નિવેદનો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતા ફેલાઇ રહી છે. પત્નીના નામે તેણે પ્રશ્ન પૂછ્યો હતો કે શું તેમણે દેશ છોડી દેવો જોઇએ? તેમને બાળકના ભવિષ્યની ચિંતા થઈ રહી છે. દેશમાં કેટલાક એવા લોકો છે જે નફરત ફેલાવી રહ્યા છે જેમને માત્ર પ્રધાનમંત્રી અટકાવી શકે છે. અભિનેતાએ કહ્યું હતું કે મને પહેલી વાર દેશમાં ડર લાગી રહ્યો છે. જો કે ત્યાર બાદ અભિનેતાએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેણે ક્યારેક એવું નથી કહ્યું કે ભારત અસહિષ્ણુત દેશ છે. જણાવવાનું કે આ ફિલ્મ 23 ડિસેમ્બર 2016માં રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મનું નિર્દેશન નિતિશ તિવારીએ કર્યું હતું. આ ફિલ્મ બૉક્સઑફિસ પર ખૂબ જ ચાલી હતી.

5. લિપ્સ્ટિક અંડર માય બુરખા
21 જુલાઇ 2017ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ લિપ્સ્ટિક અંડર માય બુરખાનો વિરોધ એક ખાસ સમુદાયના લોકોએ કર્યો હતો. આ ફિલ્મનો વિરોધ કરવા પાછળનું મૂળ કારણ ઇસ્લામનું અપમાન જણાવવામાં આવ્યું હતું. ભોપાલના એક મુસ્લિમ લીડરને આ અંગે સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. જો કે CBDFCમાંથી સર્ટિફિકેટ મળ્યા પછી આ ફિલ્મ રિલીઝ થઈ અને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી. નોંધનીય છે કે આ ફિલ્મનું દિગ્દર્શન અલંક્રિતા શ્રીવાસ્તવે કર્યું.

6. ગોલીયોં કી રાસલીલા- રામલીલા
સંજય લીલા દિગ્દર્શિત ફિલ્મ ગોલીયોં કી રાસલીલા - રામલીલાને બૉયકૉટ કરવાની માગ તેના નામને કારણે કરવામાં આવી હતી. ફિલ્મનું નામ પહેલા રામલીલા રાખવામાં આવ્યું હતું જેને કારણે ફિલ્મ અને દિગ્દર્શક બન્ને વિવાદમાં ફસાયા હતા. જો કે પછી ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું અને ફિલ્મે બૉક્સઑફિસ પર જબરજસ્ત કમાણી કરી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 15 નવેમ્બર 2013માં રિલીઝ થઈ હતી.

અનેક ફિલ્મો વિવાદમાં ફસાય છે પછી પણ ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર કમાલ કરી જાય છે તે અંગે ગુજરાતી મિડડે સાથે વાત કરતા રાઇટર-ડિરેક્ટર વિરલ શાહ અને ઘ્વનિ ગૌતમે શું કહ્યું તે વિશે જાણો અહીં...

કૉન્ટ્રોવર્સીને કારણે ફિલ્મ વધારે લોકો સુધી પહોંચે છે એ મહત્વની બાબત છે. લોકોમાં ફિલ્મ વિશેની માહિતી વધારે ફેલાય છે જેમ કે, ફિલ્મ ક્યાં રિલીઝ થઈ રહી છે? ફિલ્મની પબ્લિસિટી થાય છે પરંતુ આ કૉન્ટ્રોવર્સી દર્શકોને થિયેટર્સ સુધી ખેંચી શકતી નથી. દર્શકોને થિયેટર સુધી પહોંચાડવા માટે સામાન્ય જનતાનો રિવ્યૂ વધારે મહત્વ ધરાવે છે. જો ફિલ્મનું કોન્ટેન્ટ સારું હશે તો સામાન્ય જનતા ફિલ્મ જોવા માટે થિયેટર સુધી જશે પણ જો કોન્ટેન્ટમાં દમ નહીં હોય તો લોકો ફિલ્મ જોવા નહીં જાય અને ફિલ્મ બૉક્સઑફિસ પર હિટ જવાને બદલે ફ્લૉપ જઈ શકે છે. : રાઇટર - ડિરેક્ટર વિરલ શાહ

ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર ધ્વનિ ગૌતમ ફિલ્મની કૉન્ટ્રોવર્સી અને કોન્ટેન્ટ વિશે વાત કરતા જણાવે છે કે જે રીતે અમે ક્રિએટિવ વસ્તુઓ બનાવીએ છીએ, જેવી વિદેશમાં સ્વતંત્રતા મળે છે ક્રિએટિવીટિને નામે તેવી ભારતમાં નથી મળતી. ફિલ્મો ક્રિએટિવીટિ બતાવવાનું એક માધ્યમ છે તે એક સામાન્ય સમજણ છે અમે કોઇની પણ હકીકત નથી બતાવી રહ્યા, કોઇક ઇતિહાસ કે સત્ય ઘટના પર આધારિત વસ્તુ સાથે ચેડાં કરવામાં આવે એ વસ્તુ અલગ છે. જો કે સ્વતંત્રતાને નામે ઘણાં લોકો ખોટું પણ બતાવે છે પરંતુ તેમને લીધે જે ખરેખર કંઇક ક્રિએટિવ બતાવવા માગે છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને કૉન્ટ્રોવર્સી ઊભી કરવામાં આવે છે એ વસ્તુ પણ એટલી જ સત્ય છે પણ સાથે એવું નથી કે દરવખતે ફિલ્મમાં જ તકલીફ હોય. અને ફિલ્મોનો વિરોધો સામાન્ય જનતા નથી કરતી પણ એક ખાસ ગ્રુપ, વર્ગના લોકો કરે છે. સામાન્ય જનતાને તો આમાં ખાસ ફરક પડતો જ નથી હોતો.

bollywood news bollywood bollywood gossips