બૉલિવૂડમાં ધડાકો: `ડોન ૩` વિવાદમાં ફરહાન અખ્તરની ફરિયાદને પગલે રણવીર સિંહ પર પ્રતિબંધ

25 May, 2026 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનું (non-cooperation) ડિરેક્ટિવ જાહેર કરવામાં આવ્યું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેની સાથે કામ ન કરવા સૂચના આપી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે હાથ ધરાયેલી સુનાવણી બાદ સોમવારે મીડિયા સમક્ષ આ સત્તાવાર જાહેરાત કરાઈ.

રણવીર સિંહ - ફરહાન અખ્તર - ફાઇલ તસવીર

ડિરેક્ટર-પ્રોડ્યુસર ફરહાન અખ્તરની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ `ડોન ૩` (Don 3) માંથી અચાનક બહાર નીકળી જવાના વિવાદમાં રણવીર સિંહ પર ફિલ્મ સંગઠન `ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ` (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનું (non-cooperation) ડિરેક્ટિવ જાહેર કરવામાં આવ્યું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેની સાથે કામ ન કરવા સૂચના આપી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે હાથ ધરાયેલી સુનાવણી બાદ સોમવારે મીડિયા સમક્ષ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

 શું છે સમગ્ર વિવાદ?

અહેવાલો અનુસાર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ `એક્સેલ એન્ટરટેઈનમેન્ટ` હેઠળ બનનારી ફિલ્મ `ડોન ૩` નું શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલા જ રણવીર સિંહે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. પ્રોડક્શન હાઉસે આક્ષેપ કર્યો છે કે રણવીરના અચાનક એક્ઝિટ થવાને કારણે તેમને પ્રી-પ્રોડક્શન અને અન્ય તૈયારીઓમાં મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ વિવાદ પહેલા `પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા` સમક્ષ પણ ગયો હતો, પરંતુ ત્યાં સિનિયર પ્રોડ્યુસર્સની મધ્યસ્થતા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નહોતો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બરબાદ થવા નહીં દઈએ: અશોક પંડિત

FWICE ના ચીફ એડવાઇઝર અશોક પંડિતે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું હતું કે, "આ એક બહુ ખોટો ટ્રેન્ડ શરૂ થયો છે. શૂટિંગ શરૂ થવાના માત્ર ૧૦ દિવસ પહેલા તમે કોઈ પ્રોજેક્ટમાંથી પાછા ન હટી શકો. અમે ઇન્ડસ્ટ્રીના હિતમાં આ કડક નિર્ણય લીધો છે. કાલે ઉઠીને ગમે તે વ્યક્તિ ફિલ્મ અધવચ્ચે છોડીને જઈ શકે નહીં, અમે ફિલ્મ ઉદ્યોગને બરબાદ થવા દઈ શકીએ નહીં." આ મામલે ફેડરેશનના પ્રમુખ બી.એન. તિવારી, ચીફ એડવાઇઝર અશોક પંડિત, માનદ જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેઝરર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવની બનેલી લીડરશિપે આંતરિક બેઠક યોજીને આ મોટો નિર્ણય લીધો છે.

ફરહાન અખ્તરે વ્યક્ત કરી નારાજગી

તાજેતરમાં જ `ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા` ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિરેક્ટર ફરહાન અખ્તરે પણ આ ગૂંચવણ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધું બન્યું છે. તમે ન ધારેલી બાબતોની અપેક્ષા રાખતા શીખી જાઓ છો. જ્યાં સુધી ફિલ્મ ખરેખર શૂટ ન થઈ જાય, ત્યાં સુધી કોઈ પણ વસ્તુને પાકી માની શકાય નહીં." ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ છેલ્લે ડિરેક્ટર આદિત્ય ધરની જાસૂસી થ્રિલર ફિલ્મ `ધુરંધર: ધ રિવેન્જ` માં જોવા મળ્યો હતો. બીજી તરફ, ફરહાન અખ્તરે છેલ્લે ૨૦૧૧માં શાહરૂખ ખાન સ્ટારર `ડોન ૨` નું નિર્દેશન કર્યું હતું. હવે રણવીર સિંહ પર લાગેલા આ આકરા પ્રતિબંધ બાદ `ડોન ૩` નું ભવિષ્ય શું હશે અને રણવીર આ મામલે શું પ્રતિક્રિયા આપે છે, તેના પર સમગ્ર બોલિવૂડની નજર મંડાયેલી છે.

એક નિવેદન જાહેર કરીને, રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રણવીર સિંહ ફિલ્મ જગત અને ‘ડોન’ ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને ખૂબ માન આપે છે. ‘ડોન 3’ના વિવાદ વચ્ચે, તેણે જાહેર મૌન જાળવવાનો નિર્ણય લીધો, કારણ કે તેનું માનવું છે કે વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને ગૌરવ, મેચ્યોરિટી અને પરસ્પર આદર સાથે સંભાળવા જોઈએ. આગળ વિવિધ અહેવાલો અને અટકળો સામે આવી છે; જોકે, રણવીર સિંહે ક્યારેય જાહેરમાં રીએક્શન આપવાનું જરૂરી માન્યું નથી. તેનું સંપૂર્ણ ધ્યાન તેના કામ અને આગામી પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે. તે આ ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે આદર અને શુભેચ્છાઓ રાખે છે અને તેની સફળતાની નિષ્ઠાપૂર્વક આશા રાખે છે. આવા પ્રસંગોએ સંયમ અને કૃપા જાળવી રાખવી એ હંમેશા તેના તરફથી ઇરાદાપૂર્વકનો નિર્ણય રહ્યો છે, અને તે આગળ પણ સમાન વલણને જાળવી રાખશે.”

ranveer singh farhan akhtar ashoke pandit bollywood news entertainment news