ફેડરેશને બૅન મૂક્યો રામુ પર

12 January, 2021 03:54 PM IST  |  Mumbai | Rashmin Shah

ફેડરેશને બૅન મૂક્યો રામુ પર

રામગોપાલ વર્મા

સીસીઆઇના ટૂંકા નામથી પૉપ્યુલર એવી ભારત સરકાર સંચાલિત કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ અગાઉ અલગ-અલગ કિસ્સામાં ત્રણ વખત અનાઉન્સ કર્યું છે કે ધી ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ કોઈ પર વ્યક્તિગત રીતે ક્યારેય બૅન મૂકી શકે નહીં. ફેડરેશન કામ કરવાનો કે કામ નહીં કરવાનો આદેશ આપવાને હકદાર નથી.

ધી ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લાઈઝે ગઈ કાલે અનાઉન્સ કર્યું કે ફેડરેશન સાથે જોડાયેલાં ૩૨ યુનિયનમાંથી એક પણ યુનિયન ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યુસર રામગોપાલ વર્મા સાથે કામ કરશે નહીં. રામગોપાલ વર્મા પર આક્ષેપ છે કે તેમણે છેલ્લી બે ફિલ્મ સાથે સંકળાયેલા ઍક્ટર, ટેક્નિશ્યન અને વર્કર્સને સવા કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પાત્ર રકમ ચૂકવી નથી.

ફેડરેશનના પ્રેસિડન્ટ બી. એન. તિવારીએ કહ્યું હતું કે ‘અગાઉ પણ અમે રામુને નોટિસ આપી છે, પણ એ નોટિસનો જવાબ કે પેમેન્ટ ક્લિયરન્સ કશું થયું ન હોવાથી ફાઇનલી અમે આ નિર્ણય લીધો છે. થોડા સમય પહેલાં છેલ્લી નોટિસ મોકલવામાં આવી હતી તો એ તેમણે સ્વીકારી નહીં એટલે હવે કડક પગલાં લેવાં જરૂરી છે.’

ફેડરેશને ભલે આ સ્ટેપ લીધું, પરંતુ એક હકીકત એ પણ છે કે ફેડરેશન ઇન્ડિવિજ્યુઅલી ક્યારેય કોઈને એકબીજા સાથે સહમતીથી કામ કરતાં રોકી શકે નહીં. ચાર મહિના પહેલાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘જોગીરા સારા રા’નું શૂટિંગ નહીં કરવાની અનાઉન્સમેન્ટ થઈ હતી. આ ફિલ્મના પ્રોડ્યુસરે અગાઉ નવાઝુદ્દીન સાથે ‘બંદૂકબાઝ’ બનાવી હતી, જેનું પેમેન્ટ બાકી હોવાથી ફેડરેશને આવો ઑર્ડર કર્યો હતો, પણ એનો કોઈ અર્થ સર્યો નહીં અને ફિલ્મનું શૂટિંગ ચાલુ જ રહ્યું, એટલું જ નહીં, ફિલ્મ પૂરી પણ થઈ ગઈ છે. રામગોપાલ વર્મા પણ અત્યારે ઑલરેડી એક ફિલ્મનું શૂટિંગ ગોવામાં કરે છે અને એનું શૂટિંગ પણ ચાલુ છે.

બી. એન. તિવારીએ કહ્યું કે ‘ફેડરેશન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ આ રીતે કામ નહીં કરી શકે અને જો તે કરે તો તેને ફેડરેશન સાથે જોડાયેલાં તમામ અસોસિએશનમાંથી રદબાતલ કરવામાં આવશે. અમારી વાત મહેનતાણાની છે. જો કોઈની મહેનતના પૈસા ન મળ્યા હોય તો એ અપાવવાની કોશિશ સૌએ કરવી જોઈએ.’

ફેડરેશનનું જ એક જૂથ માની રહ્યું છે કે આ પ્રકારના બૅન મૂકી દેવાથી સૉલ્યુશન નીકળવાનું નથી. ફેડરેશનના ચીફ ઍડ્વાઇઝર ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે ‘સૉલ્યુશન આવવું જોઈએ, એ મહતત્ત્વનું છે. અમે રામુને પર્સનલી મળીને તેમની સાથે વાત કરીશું અને એ ફિલ્મોના ફાઇનૅન્સર્સને પણ જેકોઈ દેવું ચૂકવવાનું બાકી છે એને માટે કહીશું. અલ્ટિમેટલી આ પેમેન્ટમાં નાના માણસોના પૈસા પણ છે, તેમને મહેનતનું વળતર મળવું જોઈએ.’

ફેડરેશન સાથે જોડાયેલા ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના અશોક પંડિત કહે છે કે ‘મુદ્દો બધાનું કામ આગળ વધે એ છે અને બધાનો પ્રોગ્રેસ થાય એ છે. સેટલમેન્ટની વાત પણ થઈ શકે, પણ એને માટે વ્યક્તિએ સામે બેસવાની તૈયારી દેખાડવી જોઈએ. અમારો પ્રયાસ તો એ જ રહેશે કે વહેલી તકે આનું સૉલ્યુશન આવે અને ફરીથી બધા સાથે મળીને કામ કરે.’

entertainment news bollywood bollywood news ram gopal varma Rashmin Shah