01 May, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અબીર ગુલાલનું પોસ્ટર
ભારતમાં બાવીસમી એપ્રિલે થયેલા પહલગામ-અટૅક પછી દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે ત્યારે પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાન અને ભારતીય ઍક્ટ્રેસ વાણી કપૂરને ચમકાવતી ‘અબીર ગુલાલ’ની ભારતમાં રિલીઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદિલી વધી ગઈ છે જેની અસર ‘અબીર ગુલાલ’ની રિલીઝ પર પડી રહી છે. આતંકવાદી હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતના આ પગલા બાદ હવે પાકિસ્તાનમાં પણ ફિલ્મ ‘અબીર ગુલાલ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ફિલ્મના મામલે ભારતને પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાન સામે વાંધો છે ત્યારે હવે પાકિસ્તાનના ડિસ્ટ્રિબ્યુટર્સ પણ ભારતીય ઍક્ટ્રેસ વાણી કપૂરને લીધે ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
‘અબીર ગુલાલ’ ૯ મેએ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં ફવાદ ખાન અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે લિસા હેડન, સોની રાઝદાન, રિદ્ધિ ડોગરા, ફરીદા જલાલ, પરમીત સેઠી અને અન્ય કલાકારો સહાયક ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બરે લંડનમાં શરૂ થયું હતું અને એનું દિગ્દર્શન આરતી એસ. બાગડીએ કર્યું હતું. આ ફિલ્મના નિર્માતા વિવેક અગ્રવાલ, અવંતિકા હરિ અને રાકેશ સિપ્પી છે. આ ફિલ્મમાં ભારત અને યુકેના ઘણા કલાકારો સહાયક ભૂમિકામાં જોવા મળશે.