25 November, 2023 03:43 PM IST | Mumbai | Harsh Desai
ફર્રે
સલમાન ખાનની બહેન અલ્વિરા અગ્નિહોત્રીની દીકરી અલીઝે અગ્નિહોત્રીએ ‘ફર્રે’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મને ‘જામતાડા’ અને ‘બુધિયા સિંહ’ બનાવનાર સૌમેન્દ્ર પાધીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી હાઈ સ્કૂલ ડ્રામાની છે. ‘ફર્રે’નો અર્થ પરીક્ષામાં ચોરી કરવા માટે જે ચીટ બનાવવામાં આવે છે જેને રિસીટ અથવા તો એકદમ દેસી ભાષામાં કાપલાં પણ કહેવામાં આવે છે એ થાય છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી એક અનાથાશ્રમથી શરૂ થાય છે. આ ફિલ્મમાં અલીઝેએ નિયતિનું પાત્ર ભજવ્યું છે. તે હૉલ-ટિકિટ પર પોતાનો ફોટો ચીટકાડીને અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા આપે છે. આ એ જ વિદ્યાર્થીઓ છે જેમને તે ટ્યુશન આપે છે. તે જે અનાથાશ્રમમાં રહે છે એના વૉર્ડનનું પાત્ર રોનિત રૉયે ભજવ્યું છે. તેને દરેક જણ પાપા કહીને બોલાવે છે. રોનિત રૉયની પત્નીના પાત્રમાં જૂહી બબ્બર જોવા મળી રહી છે. તે પણ છોકરીઓ માટે મમ્મી જેવી હોય છે. નિયતિ બોર્ડમાં ઑલ ઇન્ડિયા ટૉપ કરે છે એથી તેને ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ઍડ્મિશન મળે છે. ત્યાં દરેક શ્રીમંત લોકોનાં બાળકો ભણતાં હોય છે. તેમની વચ્ચે નિયતિને એકલું લાગે છે, પણ તે બહુ જલદી તેમને મિત્ર બનાવી દે છે. એક પરીક્ષામાં નિયતિ બિઝનેસમૅનની છોકરી છવીને મદદ કરે છે. છવીનું પાત્ર પ્રસન્ના બિષ્ટે ભજવ્યું છે. છવી અને પ્રતીકને લાગે છે કે નિયતિની મદદથી તેઓ પરીક્ષામાં પાસ થઈ શકે છે. પ્રતીકનું પાત્ર જેન શૉએ ભજવ્યું છે. તેઓ નિયતિને એને માટે પૈસાની ઑફર કરે છે. નિયતિ પરિસ્થિતિ જોઈને પૈસાનો સ્વીકાર કરી લે છે. સારા માર્કને કારણે આકાશ એટલે કે સાહિલ મેહતાને પણ એ સ્કૂલમાં ઍડ્મિશન મળી જાય છે. નિયતિ અને આકાશને ફૉરેન કૉલેજમાં અભ્યાસ માટે સ્કૉલરશિપનો ચાન્સ મળે છે. જોકે તેમને એ ચાન્સ મળશે કે ચોરી કરાવવા બદલ તેમને જવાબદાર ગણવામાં આવશે એ ફિલ્મનો મુખ્ય પાર્ટ છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
સૌમેન્દ્રએ આ ફિલ્મનો સ્ક્રીનપ્લે અભિષેક યાદવ સાથે મળીને લખ્યો છે. આ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ ફિલ્મની સ્પીડ અને એનો સબ્જેક્ટ છે. આજે વેબ-શોની દુનિયામાં હાઈ સ્કૂલ ડ્રામામાં ઢગલાબંધ સબ્જેક્ટ છે. જોકે મોટા ભાગના સબ્જેક્ટમાં પૈસા, સેક્સ, સેક્સ્યુઅલ અબ્યુઝ, બ્લૅકમેઇલ, ડ્રગ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ્યુકેશનને સેન્ટરમાં અને એ પણ ચોરી કરાવવાને સેન્ટરમાં રાખીને અત્યાર સુધી નહીંવત્ પ્રોજેક્ટ બન્યા છે. આ શોની સ્ટોરી પણ ઓરિજિનલ નથી. થાઇલૅન્ડની ફિલ્મ ‘બૅડ જિનીયસ’ની આ રીમેક છે. જોકે થોડી ઘણી ખામીઓને નજરઅંદાજ કરવામાં આવે તો આ ફિલ્મની સ્ટોરી ખૂબ સારી રીતે લખવામાં આવી છે. આની પાછળનું કારણ એ પણ છે કે એમાં કોઈ જબરદસ્તીનો લવ ઍન્ગલ નથી. કોઈ જબરદસ્તીનો સેક્સ-સીન કે ગાળ નથી કે નકામો સમય બિલકુલ વેડફવામાં નથી આવ્યો તથા કોઈ ખાસ મેસેજ પણ નથી. ડિરેક્શનની વાત કરીએ તો કેટલાંક દૃશ્ય એવાં છે જે માનવામાં નથી આવતાં. ઉદાહરણ તરીકે ચોરી કરતાં પકડાયા એ માટે મળતી સજા. જોકે આ ફિલ્મનો ક્લાઇમૅક્સ પણ થોડો સારો બનાવી શકાયો હોત. ક્લાઇમૅક્સ પણ જો જોરદાર બન્યો હોત તો ફિલ્મમાં ચાર ચાંદ લાગી ગયા હોત. સૌમેન્દ્રના ડિરેક્શનમાં આ ઊણપ છે.
પર્ફોર્મન્સ
આ ફિલ્મમાં ચાર નવોદિત ઍક્ટરે કામ કર્યું છે. જોકે સૌની નજર અલિઝે પર હોય એ સ્વાભાવિક છે, કારણ કે તે સલમાનની ફૅમિલીની છે. આ તેની પહેલી ફિલ્મ હોવા છતાં તેણે ખૂબ સારું કામ કર્યું છે. તેનામાં કૉન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. તેને ઇન્ડસ્ટ્રીમાં ફક્ત ફૅમિલીના નામને લીધે આવી હોય એવું નથી લાગતું. ગરીબી હોય, અનાથ હોય, પરીક્ષામાં ચોરી કરાવતી હોય અને ચોરી કરાવ્યા બાદનો જે ડર હોય અને એ પરિસ્થિતિ ખરાબ હોવાથી ખોટાં કામ કરવા માટે જે પૈસા લીધા હોય એ દરેક વાતને તેણે તેનાં એક્સપ્રેશન અને બૉડી-લૅન્ગ્વેજ ખૂબ સારી રીતે દેખાડ્યાં છે. પ્રસન્નાએ પણ એક પૈસાદાર બાપની બિગડેલ દીકરીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. તેનામાં એ ઍટિટ્યુડ જોઈ શકાય છે. જેન અને સાહિલે પણ તેમના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. તેમનો પર્ફોર્મન્સ પણ અલીઝેના પર્ફોર્મન્સને નિખારતું જોવા મળ્યું હતું. રોનિત રૉય અને જૂહી બબ્બરે તેમના એક્સ્પીરિયન્સને સ્ક્રીન પર થોડા, પરંતુ મહત્ત્વનાં દૃશ્ય દ્વારા રજૂ કર્યો છે.
મ્યુઝિક
ફિલ્મમાં સિદ્ધાંત માથુરે બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે અને એ ફિલ્મની થીમ સાથે મૅચ પણ કરે છે. સુનિધિ ચૌહાણનું ગીત ‘મચા દે તબાહી’ અને એમસી સ્ટેન, સચિન-જિગર અને માનુની દેસાઈ દ્વારા ગાયેલું ટાઇટલ-ટ્રૅક ફિલ્મની સ્ટોરી પ્રમાણે બંધ બેસે છે.
આખરી સલામ
હાઈ સ્કૂલ ડ્રામાને એક અલગ રીતે સ્ક્રીન પર રજૂ કરવાની સૌમેન્દ્રએ જોરદાર કોશિશ કરી છે. ફિલ્મના થોડા માઇનસ પૉઇન્ટ છે, પરંતુ પર્ફોર્મન્સને કારણે ફિલ્મ જોવાની મજા આવે છે.