લેજન્ડરી ફિલ્મ-રાઇટર સલીમ ખાનનું સપનું હીરો બનવાનું હતું!

16 March, 2020 04:42 PM IST  |  Mumbai | Ashu Patel

લેજન્ડરી ફિલ્મ-રાઇટર સલીમ ખાનનું સપનું હીરો બનવાનું હતું!

સલીમ ખાન

સલીમ ખાનનો દીકરો સલમાન હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બન્યો, પણ સલીમ ખાને અભિનેતા તરીકે કારમી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. સલીમ ખાન ઇન્દોરથી મુંબઈ આવ્યા ત્યારે તેઓ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ અભિનેતા બનવાના સપના સાથે આવ્યા હતા, પરંતુ તેમણે એક દાયકા સુધી સતત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.
૧૯૬૫ની ૨૪ નવેમ્બરે ઇન્દોર સ્ટેટની બાલઘાટ સિટીમાં જન્મેલા સલીમ ખાનની જિંદગી કોઈ હિન્દી ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવી છે. સલીમ ખાનનો જન્મ એક પાવરફુલ કુટુંબમાં થયો હતો. સલીમ ખાનના દાદાજી અનવર ખાન પશ્તૂન હતા અને અફઘાનિસ્તાનથી ૧૯મી સદીના મધ્ય ભાગમાં ભારત આવ્યા હતા. તેમણે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી હતી. તેમનું કુટુંબ પછી ઇન્દોરમાં સેટલ થયું હતું.

સલીમ ખાન માત્ર ૧૪ વર્ષના હતા ત્યારે તેમના પિતા અબ્દુલ રશીદ ખાન મૃત્યુ પામ્યા હતા અને સલીમ ખાનની ઉંમર માત્ર ૯ વર્ષની હતી ત્યારે તેમની માતા મૃત્યુ પામી હતી. સલીમ ખાનની માતાના મૃત્યુ અગાઉ તેમને ક્ષય રોગ થયો હતો. તેઓ ચાર વર્ષ સુધી ક્ષયગ્રસ્ત રહ્યાં હતાં એ દરમ્યાન ઘરનાં બાળકોને તેમની પાસે જવાની પરવાનગી નહોતી મળતી કે તેમને ભેટવાની પણ પરવાનગી મળતી નહોતી એટલે  સલીમ ખાનનો તેમની માતા સાથે બહુ ઓછો સંપર્ક રહ્યો હતો.
સલીમજીના પિતા અબ્દુલ રશીદ ખાન બ્રિટિશ સરકારના રાજમાં ઇન્ડિયન ઇમ્પીરિયલ પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેઓ ઇન્દોર સ્ટેટના ડીઆઇજીના પદ સુધી પહોંચ્યા હતા.

માર્ચ ૧૯૫૦માં  સલીમ ખાને  મેટ્રિકની  પરીક્ષા આપી હતી (તેમના પિતાના મૃત્યુના માત્ર બે જ મહિના પછી તેમણે એ પરીક્ષા આપી હતી છતાં તેમને પ્રમાણમાં સારા માર્ક મળ્યા હતા) એ પછી તેમણે ઇન્દોરની હોળકર કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું, જ્યાં તેમણે આર્ટ્સમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી લીધી હતી. સલીમજીનું કુટુંબ સમૃદ્ધ હતું એટલે તેઓ કૉલેજમાં ભણવા જતા ત્યારે તેમની પાસે કૉલેજમાં જવા માટે કાર હતી! કૉલેજના સમય દરમ્યાન તેમને ક્રિકેટર બનવાનો શોખ હતો. ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ તેમને રસ હતો, પણ તેમને ક્રિકેટમાં સૌથી વધુ રસ પડતો હતો. તેઓ કૉલેજના સ્ટાર ક્રિકેટર હતા એટલે તેઓ આકર્ષણનું કેન્દ્ર હતા. કૉલેજના સંચાલકો અને પ્રોફેસરો પણ તેમને ખાસ સુવિધા આપતા હતા. તેમણે પ્લેન ઉડાવવા માટેની તાલીમ પણ લીધી હતી.

સલીમ ખાન ખૂબ સ્માર્ટ અને હૅન્ડસમ હતા એટલે કૉલેજનાં વર્ષો દરમ્યાન તેમને હિન્દી ફિલ્મો  પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. એ દરમ્યાન તેમના કેટલાક કલાસમેટ્સે તેમને પાનો ચડાવ્યો કે ‘તું તો ખૂબ સારો ફિલ્મસ્ટાર બની શકે છે. તારી પર્સનાલિટી જબરદસ્ત છે.’ એ દરમ્યાન સલીમ ખાનને પણ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું અને તેઓ હીરો બનવાના સપના સાથે મુંબઈ આવ્યા હતા. તેમને સહેલાઈથી અભિનયની તક મળી ગઈ હતી, પણ એ પછી તેમણે અભિનેતા બનવા માટે લાંબા સમય સુધી કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો એ વિશે બીજા પીસમાં વાત કરીશું.

entertainment news bollywood bollywood gossips ashu patel salim khan