07 October, 2025 02:05 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
ભૂતપૂર્વ એસીપી વિષ્ણુ મૂર્તિ અને અલ્લુ અર્જુન પુષ્પા 2માં
અભિનેતા અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા 2’ની એક સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગની ઘટના બની હતી. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જેના અંગે અલ્લુ અર્જુનને ચેતવણી આપવામાં આવી હતી. જોકે તાજેતરમાં એવા સમાચાર મળી રહ્યા છે કે આ અંગે અભિનેતાને ચેતવણી આપનાર ભૂતપૂર્વ એસીપીનું મૃત્યુ થયું છે. અલ્લુ અર્જુનને આપવા બદલ ચર્ચામાં આવેલા ભૂતપૂર્વ એસીપી વિષ્ણુ મૂર્તિનું રવિવારે રાત્રે હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેમનું હૃદયરોગના હુમલા (હાર્ટ ઍટક) ને કારણે અવસાન થયું હોવાના અહેવાલ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ મોટા પડદા પર આવી ત્યારે અભિનેતાએ પણ હૈદરાબાદના સંધ્યા થિયેટરની મુલાકાત લીધી હતી. ચાહકો અભિનેતાની એક ઝલક જોવા માગતા હોવાથી તેઓ તેમના ઉત્સાહને કાબૂમાં રાખી શક્યા નહીં, અને થિયેટરમાં ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું, અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો.
ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ઑક્ટોબર 2024 માં સસ્પેન્ડ કરાયેલા વિષ્ણુ મૂર્તિએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને અલ્લુ અર્જુનને ચેતવણી આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મૂર્તિએ ‘પુષ્પા 2’ ના અભિનેતા પર કાયદાની મૂળભૂત સમજનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો, અને તેમણે પોલીસ વિભાગની ટીકા કરવા બદલ ફિલ્મ ઉદ્યોગની પણ ટીકા કરી હતી. જોકે, પરવાનગી વિના પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) અક્ષરશ યાદવે એક નિવેદનમાં કહ્યું હતું કે, “આ કાર્યવાહી શિસ્તના ધોરણોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અમે વિષ્ણુ મૂર્તિ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માટે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને રિપોર્ટ મોકલી રહ્યા છીએ. ડીજીપીની ઓફિસ આ બાબતની તપાસ કરશે અને જરૂરી પગલાં લેશે. અમે પુનરાવર્તન કરીએ છીએ કે આવી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં, અને આચાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે જરૂરી શિસ્તભંગના પગલાં લેવામાં આવશે,” ડીસીપીએ ઉમેર્યું.
આ ઘટના પછી, અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, તેને જામીન આપવામાં આવ્યા હતા અને એક દિવસ પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
અલ્લુ અર્જુન આગામી ફિલ્મો
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મો વિશે વાત કરીયે તો તે એટલીના દિગ્દર્શિત ફિલ્મમાં જોવા મળવાનો છે, જેમાં દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મ 2026 ના અંતમાં અથવા 2027 માં રિલીઝ થવાની છે. અલ્લુ અર્જુનનો આ ફિલ્મના સેટ પરથી લુક લીક થયો હતો. અલ્લુ અર્જુને ટ્રૅકસૂટ પહેર્યો છે અને વાળને આકર્ષક રીતે બનમાં બાંધ્યા છે. આ ફિલ્મમાં બે હીરોવાળી વાર્તા હોઈ શકે, પરંતુ પછી અલ્લુ અર્જુનની ટીમે સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન જ ડબલ રોલમાં જોવા મળશે.