ઘણાં વર્ષો કામ કર્યા બાદ પણ કંઈક નવું શીખવાની મજા જ અલગ હોય છે: રણદીપ

03 June, 2020 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણાં વર્ષો કામ કર્યા બાદ પણ કંઈક નવું શીખવાની મજા જ અલગ હોય છે: રણદીપ

રણદીપ હૂડાનું કહેવું છે કે ઍક્શન ફિલ્મ માટે કરેલી તૈયારી તેના માટે ખૂબ જ ચોંકાવી દેનાર હતી. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘એક્સ્ટ્રૅક્શન’માં કામ કરીને રણદીપ હૂડાએ હૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આ એક ઍક્શનથી ભરપૂર ફિલ્મ હતી. આ વિશે વાત કરતાં રણદીપે કહ્યું હતું કે ‘આ ઍક્શન દૃશ્યોની તૈયારીમાં મને ખૂબ જ મજા આવી હતી. એમાં ઘણા સારા-સારા સ્ટન્ટ હતા. સ્ટન્ટ કો-ઑર્ડિનેટર ડેનિયલ સ્ટીવન્સ અને ફાઇટ માસ્ટર માઇકલ લેર દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું હતું. તેઓ ખૂબ જ શાંત હતા અને મને એ શીખવતા કે ઍક્શન દૃશ્યોને કેવી રીતે ન કરવાં અને એનાથી કામ ખૂબ જ સરળ થઈ જતું. તેઓ જે રીતે સ્ટન્ટ ન કરવા એ કહેતા એ જ રીતે સ્ટન્ટ કરવાનું હું મનમાં વિચારતો હતો. આથી તેમણે ખૂબ જ કામ સરળ કરી આપ્યું હતું. શૂટિંગ પહેલાં અમે વૉર્મ અપ પણ કરતા. પંચ મારે તો કેવું રીઍક્શન આપવું અને પોતાની બૉડીનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો એ પણ તેઓ જણાવતાં જેથી સ્ક્રીન પર એનો મૅક્સિમમ ઉપયોગ થઈ શકે.’

બંદૂક કેવી રીતે પકડવી એ વિશે વાત કરતાં રણદીપે કહ્યું હતું કે ‘અમે ઝીરોથી શરૂઆત કરી હતી. બંદૂક કેવી રીતે પકડવી, કેવી રીતે ચલાવવી અને ટ્રિગર પર આંગળી ન મૂકી રાખવી એ વિશે હું શીખ્યો હતો. મેં ઘણી ફિલ્મોમાં બંદૂક પકડી છે, પરંતુ આ ફિલ્મમાં હું પહેલી વાર શીખ્યો છું કે તમે જ્યારે બંદૂક ન ચલાવવાના હો ત્યારે એના ટ્રિગર પર આંગળી ન રાખવી. મને એ નહોતી ખબર. ઘણાં વર્ષો કામ કર્યા બાદ પણ ઘણી નવી વસ્તુ શીખવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો.’

‘એક્સ્ટ્રૅક્શન’ બાદ તે હવે સલમાન ખાન સાથે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં ઍક્શન કરી રહ્યો છે. આ વિશે પૂછતાં રણદીપે કહ્યું હતું કે ‘મેં રાધેના એક દૃશ્ય માટે રિહર્સ કર્યું છે જેમાં એક જ ટેકમાં મારે એકસાથે ઘણાબધા લોકોને મારવાના છે. આ માટે કોરિયન ફાઇટ માસ્ટરને બોલાવવામાં આવ્યો હતો અને તેમણે મારી પાસે રિહર્સલ કરાવ્યું હતું.’

entertainment news bollywood bollywood news bollywood gossips randeep hooda