10 December, 2025 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉન્ની મુકુંદન
હાલમાં ‘બિગ બૉસ 19’ની ગ્રૅન્ડ ફિનાલે દરમ્યાન સલમાન ખાને જાતે જ ‘કિક 2’ની સત્તાવાર જાહેરાત કરી હતી અને તેની આ જાહેરાત પછી આ ફિલ્મને લઈને ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફિલ્મની કાસ્ટને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે. આ સંજોગોમાં ફિલ્મના વિલન તરીકે મલયાલમ સિનેમાના સુપરસ્ટાર અને ફિલ્મ ‘માર્કો’થી પ્રસિદ્ધ થયેલા ઉન્ની મુકુંદનનું નામ ચર્ચામાં છે. તાજેતરમાં ‘કિક 2’ના નિર્માતા સાજિદ નાડિયાદવાલા સાથે ઉન્ની મુકુંદનની એક નવી તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ તસવીર ઉન્ની મુકુંદને જ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરીને લખ્યું છે : ધ કિક સ્ટાર્ટ વિધ ધ મૅન. જોકે આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
ધનુષ અને ક્રિતી સૅનનની ‘તેરે ઇશ્ક મેં’ બૉક્સ-ઑફિસ પર મક્કમ ગતિએ આગળ વધી રહી છે. આ ફિલ્મ ૨૮ નવેમ્બરે રિલીઝ થઈ હતી અને આ સોમવારે એટલે કે રિલીઝના અગિયારમા દિવસે ફિલ્મે ભારતમાં બૉક્સ-ઑફિસ પર કુલ ૧૦૦.૨૧ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. આમ ‘તેરે ઇશ્ક મેં’ ધનુષની હિન્દી માર્કેટમાં પહેલી ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની છે.
પ્રિયંકા ચોપડા ગ્લોબલ સ્ટાર હોવા ઉપરાંત પોતાની લાડકી દીકરી માલતી મારીની સ્નેહાળ મમ્મી પણ છે. તે ઘણી વાર માલતી સાથે વિતાવેલી પળોની તસવીરો અને યાદો સોશ્યલ મીડિયા પર શૅર કરતી રહે છે. હાલમાં પ્રિયંકાએ તેના સોશ્યલ મીડિયામાં દીકરી માલતીએ દોરેલો એક સ્કેચ શૅર કર્યો છે જેમાં એક મહિલા પોતાના બાળકને તેડીને ઊભી છે. આ સ્કેચ સાથે પ્રિયંકાએ કૅપ્શન લખી છે, ‘મમ્મીએ મને તેડી છે’ અને એની સાથે પ્રિયંકાએ ઇમોશનલ થઈ હોવાનો ઇશારો કરતી ઇમોજી પણ મૂકી છે.
હાલમાં કાર્તિક આર્યને તેના સોશ્યલ મીડિયા પર શૅર કરેલો આ સેલ્ફી બહુ ચર્ચામાં છે. કાર્તિક સાથે આ તસવીરમાં હૉલીવુડનો ખ્યાતનામ ઍક્ટર જૉની ડેપ છે. જૉની ડેપને ફિલ્મ ‘પાયરેટ્સ ઑફ ધ કૅરિબિયન’માં કૅપ્ટન જૅક સ્પેરોની ભૂમિકા માટે બહુ લોકપ્રિયતા મળી હતી. જૉનીની ગણતરી હૉલીવુડના ટોચના સ્ટાર તરીકે થાય છે અને કાર્તિકે તેની સાથે સેલ્ફી ક્લિક કરાવીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સની દેઓલને લીડ રોલમાં ચમકાવતી ‘બૉર્ડર 2’ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. દિલજિત દોસાંઝ, સની દેઓલ અને વરુણ ધવન પછી હવે અહાન શેટ્ટીનો પણ આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અહાન નેવી ઑફિસર તરીકે જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં અહાન લોહીથી લથબથ યુનિફૉર્મમાં મોર્ટાર ગન ચલાવતો નજરે પડે છે.