Entertainment Updates: `ગદર : એક પ્રેમ કથા`નાં પચીસ વર્ષની કરવામાં આવી ભવ્ય ઉજવણી

17 June, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: સવા ત્રણ લાખના આઉટફિટમાં ચમકી સકીના અને વધુ સમાચાર

‘ગદર : એક પ્રેમ કથા’નાં પચીસ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી

‘ગદર : એક પ્રેમ કથા’નાં પચીસ વર્ષ પૂર્ણ થતાં જુહુમાં આવેલી જે.ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો સની દેઓલ અને અમીષા પટેલે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મજગતની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં સની દેઓલ, અમીષા પટેલ, ઉદિત નારાયણ, રજત બેદી, મધુર ભંડારકર, ગૌરવ ચોપડા તેમજ અનિલ શર્માએ મળીને આ યાદગાર પ્રસંગની ઉજવણી કરી હતી.

સવા ત્રણ લાખના આઉટફિટમાં ચમકી સકીના

૨૦૦૧માં ૧૫ જૂને રિલીઝ થયેલી ‘ગદર : એક પ્રેમ કથા’ની રિલીઝને પચીસ વર્ષ પૂર્ણ થતાં સોમવારે સાંજે ફિલ્મની સમગ્ર ટીમે ફરી એક વાર સાથે મળીને ફિલ્મની અવિસ્મરણીય સફરની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ‘ગદર : એક પ્રેમ કથા’માં સકીનાનો રોલ ભજવનારી અમીષા પટેલે પોતાના ગ્લૅમરસ લુકથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. આ ફંક્શનમાં અમીષા પટેલે શૅમ્પેન-ગોલ્ડ રંગનો લેહંગો પહેર્યો હતો. બ્લાઉઝ પર સીક્વિન્સ, મણકા અને જરીનું કામ કરવામાં આવ્યું હતું અને લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે ખભા પર શીઅર દુપટ્ટો ઓઢ્યો હતો. આ આઉટફિટની કિંમત અંદાજે ૩,૨૦,૨૦૦ રૂપિયા જેટલી છે.

અનોખી કેક કાપીને શર્વરીએ ઉજવ્યો જન્મદિવસ

૧૪ જૂને શર્વરીની ૨૯મી વર્ષગાંઠ હતી અને તેણે મિત્રો અને પરિવારજનો સાથે આ દિવસની ઉજવણી કરી હતી. શર્વરીએ હાલમાં સોશ્યલ મીડિયા પર આ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી હતી જેમાં તેની કેકની ડિઝાઇને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરોમાં એક એવી કેક હતી જેમાં શર્વરીના બાળપણનો ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. તસવીરમાં નાની શર્વરી મજાકિયા અંદાજમાં ચહેરા પાસે આંગળીઓ રાખીને કહી રહી હતી કે ‘નો ગ્રીટિંગ્સ, ઓન્લી ગિફ્ટ્સ.’ શર્વરીની બીજી કેક પર તેની લેટેસ્ટ ફિલ્મ ‘મૈં વાપસા આઉંગા’ના ગીતની લાઇન ‘કિસ મિસ યારા’ લખેલી હતી. તસવીરો સાથે શર્વરીએ પોતાના ફૅન્સ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આટલા બધા પ્રેમ પછી હજુ પણ હું સ્મિત કરી રહી છું... જન્મદિવસની શુભેચ્છાઓ, પ્રેમભર્યા શબ્દો અને આશીર્વાદ માટે આપ સૌનો ખૂબ આભાર! મારું હૃદય ખુશીઓથી ભરાઈ ગયું છે.’

આ કપૂર કન્યા છે ગજબની કૉન્ફિડન્ટ

રણબીર કપૂરની ભાણેજ સમારા સાહનીના વાઇરલ વિડિયોમાં તેના આત્મવિશ્વાસે જીત્યાં ચાહકોનાં દિલ

હાલમાં સોશ્યલ મીડિયામાં નીતુ કપૂર અને દિવંગત રિશી કપૂરની દોહિત્રી સમારા સાહનીની ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં સમારા એક રેસ્ટોરાંમાં પહોંચી હતી. સમારા જેવી કારમાંથી બહાર આવી કે તરત ફોટોગ્રાફર્સ તેને ઘેરીને ક્લિક કરવા લાગ્યા હતા. આ સમયે સમારા એકલી હોવા છતાં ગભરાવાને બદલે કૅમેરા જોઈને ખીલી ઉઠી. આ પછી સમારા આત્મવિશ્વાસ સાથે આગળ આવી અને કૅમેરા સામે ખૂબ જ કમ્ફર્ટેબલ થઈને પોઝ આપ્યા અને એક તબક્કે ફોટોગ્રાફર્સ સામે પાઉટ પણ કર્યું હતું. સમારાના આ કૉન્ફિડન્સે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમનું દિલ જીતી લીધું છે.

entertainment news bollywood bollywood news sunny deol ameesha patel sharvari wagh happy birthday