Entertainment Updates: જાણીતા ફિલ્મનિર્માતા મધુ મન્ટેનાના ઘરે પુત્રનો જન્મ

23 March, 2026 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: દીપિકા અને રણવીર લંચ-ડેટ પર થયાં ક્લિક; શબાના આઝમી-જાવેદ અખ્તરે નાગાલૅન્ડનો પ્રવાસ કર્યો અને વધુ સમાચાર

મધુ જાણીતા ફિલ્મ નિર્માતા છે જ્યારે ઇરા ત્રિવેદી એક પ્રખ્યાત લેખિકા અને યોગા શિક્ષિકા છે

ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગપતિ મધુ મન્ટેના અને ઇરા ત્રિવેદીના ઘરે શનિવારે દીકરાનો જન્મ થયો છે. મધુએ આમિર ખાનની ‘ગજની’, રણવીર સિંહની ‘લૂટેરા’, ‘ક્વીન’ અને ‘મસાન’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. મધુએ ગઈ કાલે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના બાળકના જન્મની ખુશખબર આપી અને આ માટે આભાર તથા આનંદ વ્યક્ત કર્યો. મધુએ આ સારા સમાચાર જણાવતાં કહ્યું હતું કે ‘આ દિવ્ય આશીર્વાદ માટે અને અમારા જીવનને પ્રેમ અને પ્રકાશથી ભરવા માટે કૃષ્ણનો આભાર. ઇરા અને મેં ગઈ કાલે નવરાત્રિના પવિત્ર દિવસો અને ઈદના શુભ અવસરે અમારા બાળકનું સ્વાગત કર્યું.’ નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાના ભૂતપૂર્વ પતિ મધુ જાણીતા ફિલ્મ નિર્માતા છે જ્યારે ઇરા ત્રિવેદી એક પ્રખ્યાત લેખિકા અને યોગા શિક્ષિકા છે. બન્નેએ ૨૦૨૩ની ૧૧ જૂને જુહુના ઇસ્કૉન મંદિરમાં પરંપરાગત હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યાં હતાં. લગ્નનાં લગભગ ૩ વર્ષ બાદ હવે તેમના પરિવારમાં નવા સભ્યનું આગમન થયું છે.

દીપિકા અને રણવીર લંચ-ડેટ પર થયાં ક્લિક

દીપિકા પાદુકોણ હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરી રહી છે. કારણ એ છે કે તેણે પોતાના પતિ રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ વિશે કોઈ પોસ્ટ અથવા અભિનંદન-સંદેશ શૅર કર્યાં નથી. જોકે તેણે ફિલ્મ રિલીઝ પહેલાં એનું ટ્રેલર શૅર કર્યું હતું. આ ટ્રોલિંગ વચ્ચે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વરલીમાં લંચ-ડેટ માટે પહોંચ્યાં હતાં અને ક્લિક થઈ ગયાં હતાં. આ બન્ને એક સી-ફૂડ રેસ્ટોરાંમાં ગયાં હતાં અને રેસ્ટોરાંમાંથી બહાર નીકળતા સમયે તેમને ફૅન્સે ઘેરી લીધાં. ફૅન્સ ઑટોગ્રાફ અને ફોટો માટે ઉત્સુક હતા ત્યારે પોલીસે તેમને કન્ટ્રોલ કર્યા અને સિક્યૉરિટી સ્ટાફે બન્નેને સુરક્ષિત તેમની કાર સુધી પહોંચાડ્યાં.

શબાના આઝમી-જાવેદ અખ્તરે નાગાલૅન્ડનો પ્રવાસ કર્યો

શબાના આઝમી અને જાવેદ અખ્તરે પોતાના સોશ્યલ મીડિયામાં તેમના નાગાલૅન્ડના પ્રવાસની તસવીર શૅર કરી. આ તસવીરમાં બન્ને એકબીજાની કંપનીમાં પ્રવાસની મજા માણી રહ્યાં છે. શબનાએ આ તસવીર સાથે મેસેજ લખ્યો છે કે ‘સુંદર કિગ્વેમા ગામ સ્વચ્છ અને સમુદાયના સહયોગથી સંચાલિત ગામ છે. અહીં અમને સુંદર નાગા લોકનૃત્ય જોવા મળ્યાં અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજનનો પણ આનંદ માણ્યો. ગાઇડેડ ટૂર માટે આભાર.’ કિગ્વેમા ગામ એ નાગાલૅન્ડના કોહિમાથી આશરે ૧૫ કિલોમીટર દક્ષિણમાં આવેલું એક ઐતિહાસિક અને સુંદર નાગા ગામ છે. આ ગામ પરંપરાગત નાગા સ્થાપત્ય અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે.

જબ તક રહેગા સમોસે મેં આલૂ, તબ તક કહૂંગી એક ઔર ખા લૂં? : શિલ્પાએ રવિવારે માણી મન ભરીને સમોસાં ખાવાની મજા

શિલ્પા શેટ્ટી પોતાના કડક ફિટનેસ રૂટીન માટે જાણીતી છે. તે નિયમિત એક્સરસાઇઝ અને બૅલૅન્સ્ડ ડાયટ ફૉલો કરે છે. જોકે ક્યારેક તે પોતાના મનપસંદ ખોરાકનો આનંદ પણ માણે છે. હાલમાં જ તેણે સોશ્યલ મીડિયા પર એક મજેદાર વિડિયો શૅર કર્યો છે જેમાં તે રવિવારે પોતાના ‘ચીટ ડે’ પર મનભરીને સ્વાદિષ્ટ સમોસાં ખાતી જોવા મળે છે. શિલ્પાએ આ વિડિયો સાથે હળવા અંદાજમાં લખ્યું, ‘જબ તક રહેગા સમોસે મેં આલૂ, તબ તક કહૂંગી એક ઔર ખાલું?’ શિલ્પાના ફૅન્સને તેનો આ વિડિયો બહુ પસંદ પડી રહ્યો છે.

શાહરુખે ઈદના અવસરે ફૅન્સ માટે શૅર કરી શુભેચ્છા પાઠવતી પોસ્ટ

શનિવારે ઈદનો પવિત્ર તહેવાર ખૂબ ઉત્સાહ અને આનંદથી ઊજવાયો હતો. શાહરુખ ખાને પણ ઈદના અવસરે એક ખાસ પોસ્ટ શૅર કરી હતી કરીને ફૅન્સને ઈદની શુભેચ્છા પાઠવી હતી. શાહરુખે સોશ્યલ મીડિયા પર એક તસવીર શૅર કરી હતી, જેમાં તે સલામ કરતો જોવા મળે છે. આ તસવીર સાથે તેણે લખ્યું હતું, ‘તમને અને તમારા પરિવારને ઈદની દિલથી શુભેચ્છાઓ. આ ઈદ તમારા માટે ખુશીઓથી ભરપૂર રહે. શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. સૌ માટે પ્રેમ અને પ્રકાશ ફેલાય. આપણી દરેક દુઆનો સ્વીકાર થાય અને અપેક્ષા કરતાં વધુ મળે. ઈદ મુબારક.’ ઈદના ખાસ અવસરે શાહરુખની આ પોસ્ટ ફૅન્સ માટે ‘ઈદી’ જેવી સાબિત થઈ. સામાન્ય રીતે દર વર્ષે ઈદ અને શાહરુખના જન્મદિવસે ફૅન્સ મોટી સંખ્યામાં તેના ઘર મન્નતની બહાર ભેગા થાય છે. શાહરુખ પણ બહાર આવીને તેમને શુભેચ્છા આપે છે. જોકે હાલ તેના ઘરમાં રિનોવેશન ચાલી રહ્યું હોવાથી કેટલીક પરંપરાઓમાં ફેરફાર આવ્યો છે. આ સંજોગોમાં શાહરુખની સોશ્યલ મીડિયા પોસ્ટે ફૅન્સને ખુશ કરી દીધા.

ડૅડ હવે ઘરે પાછા આવી ગયા છે, આભાર : સલમાને ફૅન્સને ઈદની શુભેચ્છા આપતી પોસ્ટમાં પિતા સલીમ ખાનની તબિયત વિશે માહિતી આપી

ઈદના અવસરે સલમાન ખાને પોતાના પરિવાર સાથે ઉજવણીની ખાસ ઝલક ફૅન્સ સાથે શૅર કરી છે. તાજેતરમાં હૉસ્પિટલમાંથી સાજા થઈને ઘરે આવેલા સલીમ ખાને ઈદના દિવસે તેમના ગૅલૅક્સી અપાર્ટમેન્ટ્સ બહાર ભેગા થયેલા ફૅન્સ સામે હાથ લહેરાવી અભિવાદન કર્યું હતું. આ પછી સલમાને પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને ફૅન્સને ઈદ મુબારક પાઠવી હતી. આ પોસ્ટમાં સલમાને લખ્યું છે કે ‘ઈદ મુબારક, તમારા આશીર્વાદ માટે ખૂબ આભાર, ડૅડ હવે ઘરે પાછા આવી ગયા છે, આભાર.’

entertainment news bollywood bollywood news madhu mantena shilpa shetty shabana azmi javed akhtar nagaland deepika padukone ranveer singh Shah Rukh Khan Salman Khan salim khan eid