Entertainment Updates: ઓ રોમિયોને સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ

13 February, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: મહાવતાર માટે વિકી કૌશલ શરૂ કરશે બૉડી-બિલ્ડિંગ; શત્રુઘ્ન સિંહાએ દિલ્હીમાં માણી હેમા માલિનીની મહેમાનગતિ અને વધુ સમાચાર

`ઓ રોમિયો`માં શાહિદ કપૂર

શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ આજે મોટા પડદા પર રિલીઝ થઈ છે. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર માહિતી શૅર કરવામાં આવી હતી કે ફિલ્મને રિલીઝ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની મંજૂરી મળી ગઈ છે અને સેન્સર બોર્ડે ફિલ્મને ‘A રેટેડ’ સર્ટિફિકેટ આપ્યું છે. ‘ઓ રોમિયો’નો કુલ રનટાઇમ ૧૭૮ મિનિટ ૪૧ સેકન્ડનો છે એટલે કે આ ફિલ્મ અંદાજે બે કલાક ૫૮ મિનિટ ૪૧ સેકન્ડ લાંબી છે. ‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર ઉપરાંત અવિનાશ તિવારી, નાના પાટેકર, તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા, વિક્રાન્ત મેસી અને દિશા પાટની જેવાં કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં કામ કરી રહ્યાં છે.

મહાવતાર માટે વિકી કૌશલ શરૂ કરશે બૉડી-બિલ્ડિંગ

વિકી કૌશલની આગામી ફિલ્મ છે સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર.’ વિકીનું આયોજન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની આ ફિલ્મનુ શૂટિંગ એપ્રિલ સુધીમાં આટોપી લેવાનું છે. રિપોર્ટ મુજબ એ પછી વિકી તેની આગામી ફિલ્મ ‘મહાવતાર’ના પ્રી-પ્રોડક્શનના કામમાં જોડાશે. વિકી ‘મહાવતાર’માં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી પરશુરામની ભૂમિકા ભજવશે. 
ફિલ્મ ‘મહાવતાર’ માટે વિકી કૌશલે પહેલવાન જેવી કાયા, રફ લુક અને લાંબી જટા સાથે દેખાવું પડશે. આને કારણે ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ પૂર્ણ થયા બાદ બૉડી-બિલ્ડિંગ શરૂ કરશે અને એ માટે ખાસ ડાયટ-પ્લાન તેમ જ વર્કઆઉટની મદદ લેશે. હાલ ફિલ્મ માટે સેટ-બિલ્ડિંગ અને સ્ક્રિપ્ટસંબંધી કામ ચાલી રહ્યું છે.

શત્રુઘ્ન સિંહાએ દિલ્હીમાં માણી હેમા માલિનીની મહેમાનગતિ

શત્રુઘ્ન સિંહાએ ગઈ કાલે નવી દિલ્હીમાં હેમા માલિનીના નવા નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાતની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ પોસ્ટમાં તેમણે હેમા માલિનીની મહેમાનગતિની અને તેમની સાથે પસાર કરેલા સમયની પ્રશંસા કરી હતી. શત્રુઘ્ન સિંહાએ શૅર કરેલી તસવીરમાં તેઓ હેમા માલિનીને ફૂલ આપતા અને તેમના સ્વર્ગસ્થ પતિ ધર્મેન્દ્રના ફોટો સામે ઊભા રહીને પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરો પોસ્ટ કરીને તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે, ‘અમારી અતિ પ્રિય ફૅમિલી-ફ્રેન્ડ હેમા માલિનીના દિલ્હીના નવા ઘરની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો. ઉષ્માભર્યું સ્વાગત થયું અને સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય ભોજનનો આનંદ માણ્યો. હેમા હંમેશની જેમ સ્નેહી અને કાળજી લેનારાં હોસ્ટ હતાં. ખૂબ યાદગાર સમય વિતાવ્યો.’

નવી બૅન્ગ્સ હેરસ્ટાઇલ કરાવીને ખુશખુશાલ છે ભૂમિ

ઍક્ટ્રેસ ભૂમિ પેડણેકરે સોશ્યલ મીડિયામાં નવી હેરસ્ટાઇલ સાથેની તસવીર પોસ્ટ કરી છે. આ નવી હેરસ્ટાઇલને કારણે ભૂમિનો લુક ઘણો બદલાઈ ગયો છે જેને કારણે તે બહુ ઉત્સાહિત દેખાઈ રહી છે. ભૂમિએ આ તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી છે કે હું ખૂબ ખુશ છું કે મને બૅન્ગ્સ મળ્યા છે.

પૈચાન કૌન?

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ સોશ્યલ મીડિયામાં પોતાની જૂની તસવીર શૅર કરીને ૪૭ વર્ષ પહેલાં શરૂ થયેલી ઍક્ટિંગની સફરને ખૂબસૂરત ગણાવીને ફિલ્મમેકર્સ તથા પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચિરંજીવીએ શૅર કરેલી આ બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર તેની પહેલી ફિલ્મ ‘પુનાધિરલ્લુ’ના સેટ પર ક્લિક કરવામાં આવી હતી. આ ફિલ્મ ૧૯૭૯માં રિલીઝ થઈ હતી અને એના માટે ચિરંજીવીએ પહેલી વખત કૅમેરાનો સામનો કર્યો હતો. 

entertainment news bollywood bollywood news shahid kapoor o romeo central board of film certification cbfc chiranjeevi shatrughan sinha hema malini bhumi pednekar