29 May, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ
ઍક્ટર-સિંગર દિલજિત દોસાંઝ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના વિડિયો અને ફોટા સોશ્યલ મીડિયા પર શૅર કરતો રહે છે. હવે દિલજિતે લંડનમાં સૌથી મોંઘી કૉફી પીવાના પોતાના અનુભવને શૅર કર્યો છે. દિલજિતનો આ વિડિયો ખૂબ જ રમૂજી છે.
દિલજિતે પોતાના સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે મોંઘી કૉફી પીવા જઈ રહ્યો છે. તેમણે વિડિયો સાથે કૅપ્શન આપ્યું છે, ‘લંડનની સૌથી મોંઘી કૉફી’. વિડિયોમાં દિલજિત એક કૅફેમાં ડાર્ક શેડ્સ અને સ્ટાઇલિશ પહોળી ટોપી પહેરીને બેઠેલો જોવા મળે છે.
વિડિયોમાં દિલજિત પોતાની કારમાંથી ઊતરીને કૉફી પીવા તરફ જતાં કહે છે કે આજે હું લંડનની સૌથી મોંઘી કૉફી પીવા આવ્યો છું. ત્યાર બાદ દિલજિત મેનુ માગે છે અને કૉફી જુએ છે. દિલજિત જપાન ટાઇપિકા કૉફી પીવા માગે છે અને પછી તે એનો રેટ જુએ છે અને કહે છે, ‘અરે, આ તો ખૂબ મોંઘી છે. આ તો ભારતના ૩૧ હજાર રૂપિયાથી પણ વધુની છે. હું આજે ખાવાનું નથી ખાવાનો, ફક્ત આ જ પીશ એટલી મોંઘી છે. દરેક ઘૂંટની કિંમત ૭ હજાર રૂપિયા છે.’
વિડિયોમાં આગળ દિલજિત કૉફી બનાવવાની અને સર્વ કરવાની રીત પણ ફૅન્સને બતાવે છે.