16 June, 2024 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલજીત દોસંજ
અભિનેતા અને ગાયક દિલજિત દોસંજ (Diljit Dosanjh) અત્યારે ક્લાઉડ નાઈન પર છે. એક તરફ તે એક પછી એક સુપરહિટ ગીતો અને ફિલ્મો લોન્ચ કરતા જોવા મળે છે. તેની ફિલ્મ `જટ્ટ એન્ડ જુલિયટ 3` (Jatt & Juliet 3) રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ફની ટ્રેલર રિલીઝ થયું હતું. તો બીજી બાજુ એક્ટર – સિંગર તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે. તેના સિક્રેટ લગ્નની ચર્ચાઓએ સોશ્યલ મીડિયા પર જોર પકડ્યું છે. ત્યારે પહેલીવાર દિલજિત દોસંજે જાહેરમાં પોતાના પહેલા પ્રેમ (Diljit Dosanjh First Love) વિશે વાત કરી છે. આ વિશે તેણે એક પોડકાસ્ટમાં વાત કરી છે.
છેલ્લા ઘણા સમયથી ગાયક અભિનેતા દિલજિત દોસંજ તેની પ્રોફેશનલ લાઈફ અને તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. જો કે, ગાયકે હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તાજેતરમાં દિલજિતે તેના પ્રથમ પ્રેમ વિશે વાત કરી છે.
રાજ શમાની (Raj Shamani) ના પોડકાસ્ટમાં દિલજિત દોસાંઝે તેના પ્રથમ પ્રેમ વિશે ખુલાસો કર્યો. જ્યારે દિલજિત દોસંજને તેની લવ લાઈફ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘ભાઈ હું મારી જાતને પ્રેમ કરું છું. હું મારી જાતને પાગલની જેમ પ્રેમ કરું છું, હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું. તેથી મને લાગે છે કે હું મારો પહેલો પ્રેમ છું.’
દિલજિત દોસંજે પંજાબીમાં આગળ કહ્યું, ‘હું બીજાને પ્રેમ કરતા પહેલા પોતાની જાતને પ્રેમ કરવામાં માનું છું. પહેલા તમારી સંભાળ રાખો. જો તમે તમારી જાતને પહેલા પ્રેમ અને કાળજી લેતા નથી, તો તમે એ પ્રેમ બીજાને કેવી રીતે આપો છો?’
આ પોડકાસ્ટ દરમિયાન દિલજિત દોસંજને આજના પ્રેમ અને ઑલ્ડ સ્કૂલ પ્રેમ વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના પર તેણે કહ્યું કે, બદલાતા સમય સાથે પ્રેમ પણ વિકસિત થઈ રહ્યો છે. આ વિશે ગાયકે કહ્યું કે, ‘પહેલા ફક્ત દૂરદર્શન જ હતું, અમારી પાસે તે એકમાત્ર ચેનલ હતી. હવે, ઘણી બધી ચેનલો છે. તેવી જ રીતે, ખોરાકની પસંદગીઓ પણ બદલાઈ ગઈ છે. લોકોની વાતચીત કરવાની રીત બદલાઈ ગઈ છે, યુગ બદલાઈ ગયો છે.’
તમને જણાવી દઈએ કે, દિલજિત દોસંજની લવ લાઈફ પર બધાની નજર ત્યારથી જ છે જયારથી તેના એક અનામી મિત્રએ મીડિયાને કહ્યું કે દિલજિતને પત્ની અને એક બાળક છે. તેણે કહ્યું હતું કે, તેમની પત્ની અમેરિકન-ભારતીય છે અને તેમને એક પુત્ર છે. તેના માતા-પિતા લુધિયાણામાં રહે છે. જોકે દિલજિત દોસંજે લગ્ન વિશે ક્યારેય કોઈ ખુલાસો નથી કર્યો.