25 March, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધુરંધર : ધ રિવેન્જ’નો સીન
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ એક નવા વિવાદમાં ફસાઈ છે. મળતી માહિતી પ્રમાણે મદ્રાસ હાઈ કોર્ટમાં તાત્કાલિક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ફિલ્મ પર તામિલનાડુમાં પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. અરજીમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં લાગુ થનારી આચારસંહિતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર એક વકીલે જજ સમક્ષ રજૂઆત કરી હતી કે આ ફિલ્મ રાજકીય વિષયો પર આધારિત છે એથી ચૂંટણી દરમ્યાન એનું પ્રદર્શન ન થવું જોઈએ. તામિલનાડુમાં એકાદ મહિનામાં ચૂંટણી યોજાવાની છે એથી ફિલ્મની રિલીઝનો સમય વિવાદનું કારણ બન્યો છે.
આ મામલે કોર્ટની બેન્ચે અરજદારને સૂચના આપી કે તેઓ ઔપચારિક રિટ અરજી દાખલ કરે અને ત્યાર બાદ તાત્કાલિક સુનાવણીની માગણી કરે. ફિલ્મ પર પ્રતિબંધ લાગશે કે નહીં એનો અંતિમ નિર્ણય કોર્ટની સુનાવણી બાદ જ થશે.