20 March, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર:ધ રિવેન્જની ધમાકેદાર શરૂઆત:૨૪ કલાકમાં જ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી
‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝ થતાંની સાથે જ બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે રિલીઝના ૨૪ કલાકની અંદર ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ૧૮ માર્ચે પેઇડ પ્રિવ્યુ શો યોજાયા હતા અને રિપોર્ટ પ્રમાણે આ એમાંથી જ ભારતમાં લગભગ ૪૩ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. એ પછી રિલીઝના દિવસે ૧૯ માર્ચે સાંજે ૭ વાગ્યા સુધી ફિલ્મે ભારતમાં ૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી જેને કારણે રિલીઝના ૨૪ કલાકમાં કુલ કલેક્શન ૧૩૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હોવાના અહેવાલ છે. આ આંકડામાં હજી સાંજના અને રાતના શોની કમાણીનો તો સમાવેશ થયો જ નથી. આ સાથે જ આ ફિલ્મે ‘જવાન’, ‘પઠાન’, ‘ઍનિમલ’ અને ‘સ્ત્રી 2’ જેવી મોટી ફિલ્મોના ઓપનિંગ રેકૉર્ડ તૂટી ગયા છે.
આ અગાઉ ‘પુષ્પા 2’, ‘જવાન’ અને ‘પઠાન’ જેવી મોટી ફિલ્મોને ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચવામાં ઓછામાં ઓછા બે દિવસ લાગ્યા હતા, જ્યારે ‘ધુરંધર : ધ રિવેન્જ’એ આ સિદ્ધિ રિલીઝના માત્ર ૨૪ કલાકમાં મેળવી લીધી છે અને આ સફળતા મેળવનાર અત્યાર સુધીની સૌથી ઝડપી ફિલ્મ બની છે.
‘ધુરંધર : ધ રિવેન્જ’ ડબ્ડ વર્ઝનમાં પણ સારું પર્ફોર્મ કરી રહી છે. ફિલ્મનું તામિલ વર્ઝન બે કરોડ રૂપિયાથી વધુ કમાણી સાથે આગળ છે, જ્યારે તેલુગુ વર્ઝન પણ નજીક છે. જોકે મલયાલમ અને કન્નડા વર્ઝન થોડાં ધીમાં છે, કારણ કે તેમના પ્રિવ્યુ શો રદ થયા હતા. એકંદર ‘ધુરંધર : ધ રિવેન્જ’એ જે શરૂઆત કરી છે એ બતાવે છે કે આ ફિલ્મ આવનારા દિવસોમાં બૉક્સ-ઑફિસના ઘણા મોટા રેકૉર્ડ તોડી શકે છે.
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ રચવા તૈયાર છે, પરંતુ પેઇડ પ્રિવ્યુ દરમ્યાન થોડી અફરાતફરી મચી હતી. આ ગરબડને લઈને સિનેમાહૉલના માલિકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. ગેઇટી-ગૅલૅક્સી અને મરાઠા મંદિરના માલિક મનોજ દેસાઈએ મેકર્સ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ફિલ્મના કેટલાક શો રદ કરવા પડ્યા હતા, કારણ કે જરૂરી કી ડિલિવરી મેસેજ (KDM) સમયસર મળ્યા નહોતા.
૧૮ માર્ચે યોજાયેલા પેઇડ પ્રિવ્યુમાં ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષામાં પણ દર્શાવવામાં આવવાની હતી, પરંતુ નૉન-હિન્દી વર્ઝનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે અનેક શો રદ કરવામાં આવ્યા. ખાસ કરીને તામિલ અને તેલુગુ ડબ્ડ વર્ઝન ઉપલબ્ધ ન હોવાને કારણે અને ટેક્નિકલ ખામીને કારણે દર્શકો નિરાશ થયા હતા. જોકે હિન્દી વર્ઝનમાં પણ કેટલીક જગ્યાએ શો રદ થયા હતા જેની પાછળનું મુખ્ય કારણ KDM હોવાનું જણાવાયું. KDM એક એન્ક્રિપ્ટેડ ફાઇલ હોય છે અને એના વગર કોઈ પણ થિયેટર ફિલ્મ દેખાડી શકતું નથી. આ સિસ્ટમ ફિલ્મને સુરક્ષિત રાખવા અને પાઇરસી રોકવા માટે ઉપયોગમાં લેવાય છે.
મનોજ દેસાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના થિયેટર ગેઇટીમાં બે, ગૅલૅક્સીમાં બે અને મરાઠા મંદિરમાં બે મળી કુલ ૬ શો રદ કરવા પડ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભારતભરમાં અંદાજે ૫૦૦ થિયેટરોમાં KDM સમયસર ન પહોંચતાં શો રદ કરવા પડ્યા હતા.
જોરદાર હાઇપ વચ્ચે રિલીઝ થયેલી ‘ધુરંધર ઃ ધ રિવેન્જ’ને શરૂઆતમાં ટેક્નિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો છતાં ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ યથાવત્ છે.
અલ્લુ અર્જુન
આ એક એવી ફિલ્મ છે જે દરેક દેશભક્તને ગર્વનો અનુભવ કરાવે છે. ફિલ્મમાં અનેક તાળીઓ પડાવનારી ક્ષણો છે. ટેક્નિકલી પણ ફિલ્મ ખૂબ મજબૂત છે. રણવીર સિંહ જેવા પ્રતિભાશાળી અભિનેતાની હાજરી દેશ માટે ગૌરવની વાત છે. આદિત્ય ધર ગારુએ કમાલ કરી દીધી. ખરેખર ગેમને એકદમ નવા લેવલ પર લઈ ગયા. આપણા દેશમાં આવા બ્રિલિયન્ટ ફિલ્મમેકર્સ હોવા એ ખરેખર ગર્વની વાત છે. એક ભારતીય વાર્તા... ઇન્ટરનૅશનલ સ્વૅગ સાથે! જય હિન્દ.
પ્રીતિ ઝિન્ટા
હું તો એટલું જ કહીશ કે બદલો હોય તો ‘ધુરંધર’ જેવો, નહીં તો ન હોવો જોઈએ. ફિલ્મનું દિગ્દર્શન, અભિનય, સંગીત, એડિટિંગ, સ્ટોરી અને બાકીના તમામ વિભાગો માઇન્ડ-બ્લોઇંગ છે. ફિલ્મ જોયા બાદ મારી મમ્મીએ સૌથી પહેલાં કહ્યું કે હું આ ફિલ્મને ફરી પાછી થિયેટરમાં મારા મિત્રો સાથે જોવા જઈશ. આદિત્ય ધર, તમે મને ફૅન-ગર્લ બનાવી દીધી. આ અદ્ભુત અનુભવ બદલ આભાર. તમારી ટૅલન્ટ, સ્કિલ અને સૌથી મહત્ત્વનું તમારું દિલ... બધું જ શાનદાર. રણવીર સિંહ, તમે મારું દિલ જીતી લીધું. કેટલો જબરદસ્ત પર્ફોર્મન્સ. અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્ત, રાકેશ બેદી અને સારા અર્જુન સહિત તમામ કલાકારોનું કામ બહુ સરસ છે. ફિલ્મના સંગીતને અલગ જ લેવલ પર લઈ જવા બદલ શાશ્વત સચદેવને અભિનંદન.
વિજય દેવરકોન્ડા
ભારતીય સિનેમા અને સંસ્કૃતિમાં કંઈક મોટું થવાનું છે. ‘ભારત માતા કી જય!’ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની આખી ટીમને પ્રેમ અને સન્માન. આદિત્ય ધર જિનીયસ છે, રણવીર સિંહ સંપૂર્ણ રીતે ધમાકેદાર છે. આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને જમીલ અંકલ બધાં જ સુપર્બ હતાં અને શાશ્વત સચદેવનું મ્યુઝિક તો કમાલનું હતું.