10 December, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના ૪ દિવસમાં સોમવાર સુધી ફિલ્મે ભારતમાં ૧૩૦.૮૦ કરોડ રૂપિયા જેટલું નેટ કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મે સોમવાર સુધી ઓવરસીઝ માર્કેટમાં આશરે ૪૨.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નેટફ્લિક્સે ‘ધુરંધર’ના બન્ને ભાગના OTT રાઇટ્સ ૧૩૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે, એટલે કે દરેક ભાગ માટે આશરે ૬૫-૬૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. આજના સમયમાં જ્યારે OTT ડીલ્સની કિંમતમાં ઘટાડો જોવા મળે છે ત્યારે આ રકમ ખરેખર મોટી ગણાય.
રણવીર સિંહની કરીઅર માટે પણ આ ડીલ ખૂબ મહત્ત્વની સાબિત થઈ છે. તેની અગાઉની ફિલ્મ ‘83’ના ડિજિટલ રાઇટ્સ ૩૦ કરોડ રૂપિયામાં વેચાયા હતા, જ્યારે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના OTT રાઇટ્સની ડીલ ૮૦ કરોડ રૂપિયામાં થઈ હતી. આ મામલે ‘ધુરંધર’એ અત્યાર સુધીના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે.
ધુરંધર 2ને કારણે ધમાલ 4ની રિલીઝ-ડેટ પોસ્ટપોન
રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે અને આની રિલીઝ સાથે જ ‘ધુરંધર 2’ની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ બીજો ભાગ આવતા વર્ષે ઈદના સમયગાળા દરમ્યાન ૧૯ માર્ચે રિલીઝ થશે. આ સંજોગોમાં ‘ધુરંધર 2’ની સ્પર્ધા ‘ટૉક્સિક’ અને ‘ધમાલ 4’ સાથે થવાની હતી, પણ આ ક્લેશ ટાળવા માટે હવે અજય દેવગનની ‘ધમાલ 4’ની રિલીઝ-ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે.