09 February, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે
ગયા વર્ષની સૌથી મોટી સુપરહિટ ‘ધુરંધર’ને માત્ર હિન્દી ભાષામાં જ રિલીઝ કરવામાં આવી હતી. જોકે ફિલ્મને મળી રહેલી જબરદસ્ત સફળતા બાદ ડિરેક્ટર આદિત્ય ધરે એેની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને હિન્દી સાથે તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. સ્વાભાવિક છે કે ફિલ્મ જેટલી વધુ ભાષાઓમાં રિલીઝ થશે એટલી એની કમાણીમાં વધારો થશે. જોકે હવે સુપરસ્ટાર યશે એવો એક પ્લાન તૈયાર કર્યો છે જેનાથી તેલુગુ રાજ્યોમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ની કમાણી પર ભારે અસર પડી શકે છે.
હકીકતમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. એ જ દિવસે યશ પોતાની ફિલ્મ ‘ટૉક્સિક’ લઈને થિયેટરોમાં આવી રહ્યો છે. યશ માટે આ ફિલ્મ ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે લગભગ ચાર વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળશે. ‘ટૉક્સિક’ પણ એક પૅન-ઇન્ડિયા ફિલ્મ છે.
હવે ‘ટૉક્સિક’ના મેકર્સે તેલુગુ માર્કેટમાં ફિલ્મને હિટ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે ‘ટૉક્સિક’ના મેકર્સે આંધ્ર પ્રદેશ અને તેલંગણ માટે PVR-આઇનૉક્સને પોતાના ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર બનાવ્યા છે. એટલે કે હવે આ બે રાજ્યોમાં થિયેટરોમાં ‘ટૉક્સિક’નું વિતરણ પીવીઆર-આઇનૉક્સ દ્વારા કરવામાં આવશે. એના કારણે આ બન્ને રાજ્યોમાં ‘ટૉક્સિક’ને ‘ધુરંધર’ની તુલનામાં વધુ પ્રાથમિકતા મળશે. શક્ય છે કે આના કારણે ‘ટૉક્સિક’ને વધુ સ્ક્રીન આપવામાં આવે જ્યારે ‘ધુરંધર : ધ રિવેન્જ’ને ઓછી સ્ક્રીન અને ઑફ-ટાઇમ શોઝ આપવામાં આવે એવી શક્યતા છે. ખાસ કરીને ફિલ્મના પહેલા અઠવાડિયામાં આવી સ્થિતિ બનવાની સંભાવના વધારે છે. જો આવું શક્ય બને તો તેલુગુ માર્કેટમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ગણિત બગડી શકે છે.