હૉલીવુડની ફિલ્મોને પાછળ છોડીને અમેરિકાની બૉક્સ-ઑફિસ પર ધુરંધર : ધ રિવેન્જ છવાઈ ગઈ

23 March, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર : ધ રિવેન્જ જલદી બનશે અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારી બૉલીવુડની ફિલ્મ

‘ધુરંધર : ધ રિવેન્જ’નો સીન

‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાનું તોફાન હવે અમેરિકા સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મ રિલીઝના માત્ર ત્રણ દિવસમાં જ અમેરિકાની બૉક્સ-ઑફિસ પર હૉલીવુડ ફિલ્મોને પાછળ છોડી રહી છે. રણવીર સિંહની આ ફિલ્મ બહુ જલદી ‘બાહુબલી 2’નો રેકૉર્ડ તોડીને અમેરિકામાં સૌથી મોટી ભારતીય ફિલ્મ બની શકે છે. ૨૦૧૯ની સુપરહિટ હૉલીવુડ હૉરર ફિલ્મ ‘રેડી ઑર નૉટ’ની સીક્વલની રાહ ફૅન્સ બહુ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા. ૨૦ માર્ચે ‘રેડી ઑર નોટ 2’નું પ્રીમિયર અમેરિકામાં થયું હતું. એમાં સારા મિશેલ ગેલર, એલાઇજા વુડ, સમારા વીવિંગ અને કૅથરિન ન્યુટન જેવાં મોટાં નામ છે, પરંતુ આ ફિલ્મને ‘ધુરંધર : ધ રિવેન્જ’ જબરદસ્ત સ્પર્ધા આપી રહી છે.

એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં શનિવારના ફાઇનલ બૉક્સ-ઑફિસના રિપોર્ટમાં ‘રેડી ઑર નૉટ 2’નું કલેક્શન આશરે ૯ મિલ્યન ડૉલર એટલે કે ૮૪ કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે. જ્યારે બૉલીવુડ ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ શનિવારે ૧૦.૫ મિલ્યન ડૉલર એટલે કે ૯૮ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે. હૉલીવુડે આવી અપેક્ષા નહોતી રાખી, પરંતુ ‘ધુરંધર : ધ રિવેન્જ’ પહેલા દિવસથી જ ડિઝની હૉરર ફિલ્મ ‘રેડી ઑર નૉટ 2’ માટે મજબૂત ચૅલેન્જ બની હતી.

૧૯ માર્ચે રિલીઝના દિવસે ‘ધુરંધર : ધ રિવેન્જ’ અમેરિકાની બૉક્સ-ઑફિસ પર સૌથી મોટી ફિલ્મ હતી. બૉક્સ-ઑફિસ મોજોના ડેટા અનુસાર ૧૯ માર્ચે અમેરિકામાં ‘ધુરંધર : ધ રિવેન્જ’નું કલેક્શન પ્રીમિયર્સ સાથે ૩.૯ મિલ્યન ડૉલર એટલે ૩૬ કરોડ રૂપિયા હતું. અમેરિકામાં દમદાર કમાણી કરી રહેલી ઍનિમેટેડ ફિલ્મ ‘હૉપર્સ’ ૨.૯૯ મિલ્યન ડૉલર એટલે કે ૨૮ કરોડ રૂપિયા સાથે બૉલીવુડ ફિલ્મથી પાછળ હતી.

ધુરંધર : ધ રિવેન્જ જલદી બનશે અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારી બૉલીવુડની ફિલ્મ

૨૦૨૫ના ડિસેમ્બરમાં આવેલી ‘ધુરંધર’એ અમેરિકામાં આશરે ૨૧ મિલ્યન ડૉલર એટલે ૧૯૭ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. રણવીર સિંહની ફિલ્મ ત્યારે આઇકૉનિક ફિલ્મ ‘બાહુબલી 2’ના ટૉપ રેકૉર્ડ બાવીસ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૨૦૬ કરોડ રૂપિયાથી થોડુંક ચૂકી ગઈ હતી. અમેરિકામાં ‘ધુરંધર’નું બૉક્સ-ઑફિસ રન બીજી સૌથી મોટી ઇન્ડિયન ફિલ્મ બનીને સમાપ્ત થયું હતું.

‘ધુરંધર : ધ રિવેન્જ’ અમેરિકામાં માત્ર ત્રણ દિવસમાં જ ઓછામાં ઓછા ૧૦.૫ મિલ્યન ડૉલર એટલે ૯૮ કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે. રવિવાર માટે ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ ખૂબ મજબૂત હતું અને ચોથા દિવસે ફિલ્મથી ઓછામાં ઓછા ૪ મિલ્યન ડૉલર એટલે ૩૭ કરોડ રૂપિયાના કલેક્શનની અપેક્ષા હતી. અંદાજ છે કે માત્ર રવિવારે પહેલા વીક-એન્ડ પૂરો થતાં જ ‘ધુરંધર : ધ રિવેન્જ’ અમેરિકામાં ૧૫ મિલ્યન ડૉલર એટલે કે ૧૪૧ કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન કરી શકે છે. આ હિસાબે બે અઠવાડિયાં પૂરાં થાય એ પહેલાં જ ‘બાહુબલી 2’નો ટૉપ રેકૉર્ડ તોડી નાખશે અને અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારી બૉલીવુડ ફિલ્મ બનશે.

dhurandhar box office united states of america aditya dhar ranveer singh sara arjun sanjay dutt akshaye khanna r madhavan arjun rampal entertainment news bollywood bollywood news