01 June, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ખેતરપાલ અને ફિલ્મની ટીમ
૮૯ વર્ષના સુપરસ્ટાર ધર્મેન્દ્રની આગામી ફિલ્મ ‘ઇક્કીસ’ની રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મનું ડિરેક્શન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે.
‘ઇક્કીસ’ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને એને ૨૦૨૫ની બીજી ઑક્ટોબરના એટલે કે ગાંધી જયંતીના દિવસે રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મની વાર્તા ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારે પરાક્રમ દર્શાવીને અરુણ ખેતરપાલ ૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરના વીરગતિ પામ્યા હતા. એ સમયે તેમની ઉંમર માત્ર ૨૧ વર્ષ હતી. આ કારણે ફિલ્મનું નામ ‘ઇક્કીસ’ રાખવામાં આવ્યું છે. યુદ્ધ દરમિયાન શૌર્ય અને બલિદાનને ધ્યાનમાં રાખીને અરુણ ખેતરપાલને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં અગસ્ત્ય નંદા પરમવીર ચક્રથી સન્માનિત અરુણ ખેતરપાલનું પાત્ર ભજવશે, જ્યારે ધર્મેન્દ્ર તેમના પિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત જયદીપ અહલાવત પાકિસ્તાની સેનાના અધિકારીનું પાત્ર ભજવશે.
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે પહેલાં વરુણ ધવનને કાસ્ટ કરવામાં આવ્યો હતો. વરુણ અને શ્રીરામ રાઘવન અગાઉ ફિલ્મ ‘બદલાપુર’માં સાથે કામ કરી ચૂક્યા છે પરંતુ પછી વરુણના બદલે અગસ્ત્ય નંદાને સાઇન કરવામાં આવ્યો હતો.