12 October, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર, પ્રકાશ કૌર
ધર્મેન્દ્રનું વ્યક્તિગત જીવન તેમની કરીઅર જેવું ફિલ્મી રહ્યું છે. તેઓ બૉલીવુડમાં હીરો બનવા પંજાબથી આવ્યા ત્યારે પ્રકાશ કૌર સાથે પરિણીત હતા. આ પછી તેમણે હેમા માલિનીના પ્રેમમાં પડીને તેની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. ધર્મેન્દ્રનાં આ બીજાં લગ્નને કારણે તેમના પરિવારમાં વિવાદ સર્જાયો હતો. ધર્મેન્દ્રનાં બીજાં લગ્ન પછી ગોઠવાયેલી વ્યવસ્થા પ્રમાણે હેમા માલિની તેના બંગલામાં અલગ રહે છે, જ્યારે ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની અને ચાર બાળકો સાથે બીજા ઘરમાં રહેતા હતા. હવે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના દીકરા બૉબી દેઓલે ખુલાસો કર્યો છે કે હાલમાં તેનાં માતા-પિતા ધર્મેન્દ્રના ખંડાલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં સાથે રહે છે.
એક ઇન્ટરવ્યુમાં બૉબીએ સ્વીકાર્યું છે કે વધતી વયને કારણે તેના પિતા વધારે ઇમોશનલ થઈ ગયા છે. પોતાના પિતા વિશે વાત કરતાં બૉબીએ કહ્યું છે કે ‘મારાં મમ્મી અને પપ્પા બન્ને હાલમાં ખંડાલાના ફાર્મ પર સાથે છે. તેમને ફાર્મહાઉસ પર રહેવું ખૂબ જ પસંદ છે. તેઓ હવે વૃદ્ધ પણ થઈ ગયાં છે અને ફાર્મહાઉસ પર રહેવાનું તેમને શાંતિપૂર્ણ લાગે છે. પપ્પાએ જાણે ત્યાં સ્વર્ગ ઊભું કરી દીધું છે. જોકે તેઓ ખૂબ જ ઇમોશનલ છે. તેઓ તેમની લાગણીઓને બધા સાથે શૅર કરે છે અને ક્યારેક તેઓ સોશ્યલ મીડિયા પર હદથી વધુ કહી દે છે. અમે તેમની મુલાકાત લઈએ છીએ, પરંતુ ક્યારેક અમે વ્યસ્ત હોઈએ છીએ અને તેઓ ભાવુક બની જાય છે. તેમને ખબર પણ નથી કે તેમણે લખેલી પોસ્ટ કેટલા લોકો વાંચી શકે છે.’