12 November, 2025 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધર્મેન્દ્રના ખબરઅંતર જાણીને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી બહાર નીકળેલાં હેમા માલિની અને એશા દેઓલ
૮૯ વર્ષના ધર્મેન્દ્રની તબિયત લથડતાં તેમને ૩૧ ઑક્ટોબરે સાઉથ બૉમ્બેની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે સવારે તેમના નિધનના સમાચાર આવ્યા હતા એને કારણે ફૅન્સને ભારે આંચકો લાગ્યો હતો અને અનેક મિત્રોએ તેમને સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. જોકે આ સમાચાર અફવા સાબિત થયા હતા. ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ, પત્ની હેમા માલિની અને દીકરી એશા દેઓલે પણ આ સમાચાર ખોટા ગણાવીને એને ફેલાવવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ધર્મેન્દ્રની તબિયત સુધારા પર હોવાનું કહ્યું હતું.
ધર્મેન્દ્રની નજીકની એક વ્યક્તિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર ૮ ડિસેમ્બરે આવી રહેલી તેમની નેવુંમી વર્ષગાંઠ ઊજવવા માટે બહુ ઉત્સાહી છે. તેઓ આ પ્રસંગ લોનાવલાના પોતાના ઘરમાં ભવ્ય રીતે ઊજવવા માગે છે.
પરિવારની સ્પષ્ટતા
ધર્મેન્દ્રના નિધનની અફવા ગઈ કાલે સવારે વાઇરલ થઈ એ પછી દીકરી એશા દેઓલે સોશ્યલ મીડિયા પર નિવેદન આપતાં કહ્યું હતું, ‘મીડિયા સંપૂર્ણપણે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. પપ્પાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. પપ્પા ઝડપથી સ્વસ્થ થાય એ માટે તમે કરેલી પ્રાર્થના બદલ આભાર.’
આ મામલે હેમા માલિનીએ પણ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જે થઈ રહ્યું છે એ અક્ષમ્ય છે. જવાબદાર ચૅનલો કોઈ એવી વ્યક્તિ વિશે ખોટા સમાચાર કઈ રીતે ફેલાવી શકે છે જે વ્યક્તિ સારવારને પ્રતિસાદ આપી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે? આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર કૃત્ય છે. કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો.’
સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતાં કહ્યું હતું કે ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. એ પછી સનીની ટીમે અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
પરિવાર પહોંચ્યો ધર્મેન્દ્ર પાસે
ધર્મેન્દ્રની બગડતી તબિયત વિશે મીડિયાનો રિપોર્ટ હતો કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જોકે પરિવારે સ્પષ્ટતા કરી છે કે ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર નથી રાખવામાં આવ્યા, તેમની તબિયત સુધારા પર છે. જોકે આ સંજોગોમાં પણ પરિવારના સભ્યો સતત ધર્મેન્દ્રની સાથે જોવા મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્ર અને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરની દીકરીઓને અમેરિકાથી મુંબઈ બોલાવી લેવામાં આવી છે જ્યારે બૉબી દેઓલ પણ ‘આલ્ફા’નું શૂટિંગ છોડીને મુંબઈ આવી ગયો છે.
બૉબી દેઓલ, સની દેઓલ, આમિર ખાન અને અભય દેઓલ (તસવીરો : અતુલ કાંબળે)
હૉસ્પિટલાઇઝ્ડ ધર્મેન્દ્રને મળવા ગઈ કાલે હેમા માલિની અને દીકરી એશા દેઓલ, સની દેઓલ અને તેના દીકરાઓ કરણ દેઓલ-રાજવીર દેઓલ, બૉબી દેઓલ, ભત્રીજો અભય દેઓલ અને એશા દેઓલનો ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાણી પહોંચ્યાં હતાં. ધર્મેન્દ્રને મળીને પાછા જતી વખતે પરિવારના સભ્યો પર દુઃખ અને સંતાપની લાગણી સ્પષ્ટ દેખાતી હતી.
ન મળી શક્યા શાહરુખ-સલમાન
ધર્મેન્દ્રની કથળતી તબિયતના સમાચારને કારણે શાહરુખ ખાન-આર્યન ખાન, સલમાન ખાન, ગોવિંદા, જિતેન્દ્ર, જૅકી શ્રોફ અને અમીષા પટેલ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી લેવા હૉસ્પિટલ ગયાં હતાં, પરંતુ તેઓ માત્ર પરિવારના સભ્યોને મળીને પાછાં ફર્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ધર્મેન્દ્રને એક સ્પેશ્યલ રૂમમાં રાખવામાં આવ્યા છે. એ રૂમમાં માત્ર ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને જ અંદર જવાની મંજૂરી છે. પરિવારના સભ્યોને પણ આ રૂમમાં સીધા અંદર જવાની પરવાનગી મળી નથી અને તેઓ માત્ર બારીમાંથી જ ધર્મેન્દ્રને જોઈ શકે છે.
મળતી માહિતી પ્રમાણે મોટા ભાગની સેલિબ્રિટીએ પહેલાં સની અથવા બૉબી દેઓલને ફોન કરીને ધર્મેન્દ્રને મળવાની પરવાનગી માગી હતી, ત્યાર બાદ તેઓએ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
જુહુના ઘરની બહાર ફૅન્સનાં ટોળાં
ગઈ કાલે જુહુમાં ધર્મેન્દ્રના ઘરની બહાર બેઠેલા મીડિયાના માણસો (તસવીર : નિમેશ દવે)
એક ફોટોગ્રાફર તો ઝાડ પર ચડી ગયો હતો (તસવીર : નિમેશ દવે)
ધર્મેન્દ્ર તો બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં છે પણ તેમની નાજુક તબિયતના સમાચારને કારણે તેમના જુહુમાં આવેલા ઘરની બહાર મોટી સંખ્યામાં ફૅન્સનાં ટોળાં ભેગાં થઈ ગયાં હતાં. આવા સંજોગોમાં પરિસ્થિતિ પર કન્ટ્રોલ કરવા અને સુરક્ષા-વ્યવસ્થા જાળવવા માટે આશરે વીસ-પચીસ બાઉન્સર તથા અનેક પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. એ સિવાય જુહુ પોલીસે બૅરિકેડ્સ લગાવીને રસ્તાનો એક ભાગ બંધ કર્યો છે જેથી ભીડ પર નિયંત્રણ રાખી શકાય. એક તબક્કે તો અકબર ખાન જેવા મિત્રોએ પણ હૉસ્પિટલને બદલે ઘરની મુલાકાત લીધી હતી.
હૉસ્પિટલમાં અને ઘરે મીડિયાની ફીલ્ડિંગ
તસવીર : શાદાબ ખાન
ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર ભેગા થયેલા મીડિયાના કર્મચારીઓ.
ડિલીટ કરવી પડી શ્રદ્ધાંજલિ
ધર્મેન્દ્રના મૃત્યુની ખોટી અફવાને કારણે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કૉન્ગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી હતી, પણ ધર્મેન્દ્ર જીવતા હોવાની જાણ થતાં તેમણે એ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. આ રાજકારણીઓ સિવાય મનોરંજન ઉદ્યોગમાંથી પણ ચિરંજીવી અને જાવેદ અખ્તર જેવી સેલિબ્રિટીઓએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરીને પછી એને ડિલીટ કરી નાખી હતી.
મરે ઉનકે દુશ્મન
શત્રુઘ્ન સિંહાએ પણ ધર્મેન્દ્રના મૃત્યુની ખોટી અફવાઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ગઈ કાલે સવારે તેમને ધર્મેન્દ્રના નિધનના સમાચાર જાણીને ભારે આંચકો લાગ્યો હતો, પણ જ્યારે તેમને આ વાત અફવા છે એવી ખબર પડી કે તરત તેમણે મીડિયાને ઝાટકી નાખીને પ્રતિભાવ આપ્યો હતો, ‘મરે ઉનકે દુશ્મન. ધરમજી પાસે કોઈ ટીમ નથી, તો કઈ ટીમે તેમના મૃત્યુની પુષ્ટિ કરી? આ બધું ભારે અપમાનજનક છે. બધાના પ્રિય ધરમજી સારા છે અને જલદી ઘરે પાછા આવશે.’
ધર્મેન્દ્રની નેક્સ્ટ ફિલ્મ છે ઇક્કીસ
ધર્મેન્દ્ર હવે ૨૦ ડિસેમ્બરે રિલીઝ થનારી ‘ઇક્કીસ’માં જોવા મળશે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને ભારતના સૌથી યુવાન પરમવીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ અરુણ ક્ષેત્રપાલની વાસ્તવિક જીવનકથા પર બની છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અરુણ ક્ષેત્રપાલના પિતા તરીકે દેખાશે, જેઓ પોતાના પુત્રના બલિદાનને કારણે ભાવનાત્મક તકલીફ વચ્ચે પણ ગૌરવ સાથે જીવે છે. આ ફિલ્મમાં હીરોની ભૂમિકા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા ભજવી રહ્યો છે.