સુશાંત સિંહ રાજપૂત: કોઈ વ્યક્તિ સુસાઇડ કરવા સુધી કેમ પહોંચે?

15 June, 2020 11:36 AM IST  |  Mumbai | Sejal Patel

સુશાંત સિંહ રાજપૂત: કોઈ વ્યક્તિ સુસાઇડ કરવા સુધી કેમ પહોંચે?

જસ્ટ ૩૪ વર્ષની ઉંમર, ૧૨ વર્ષની કરીઅરમાં સફળ અને સરાહનીય ફિલ્મો, અનેક ચાહકોનો પ્રેમ છતાં કોઈ પોતાના મહામૂલા જીવનને આમ ટૂંકાવવાનું પગલું ભરી લે ત્યારે તેની માનસિક હાલત કેવી હોય? પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત ઑલરેડી ડિપ્રેશનમાં હતો અને ૬ મહિનાથી તેની સારવાર ચાલતી હતી. તેના નજીકના મિત્રવર્તુળમાં કોઈને એનો અણસાર પણ નહોતો. તેની સાથે રહેતા ડોમેસ્ટિક હેલ્પરોએ પણ સુશાંતના બિહેવિયરમાં કોઈ અજુગતો બદલાવ જોયો નહોતો અને અચાનક જ ડિપ્રેશન એવું વધી જાય કે માણસ જીવ આપી દે?

શું આવું સંભવ છે?

લીલાવતી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ભરત શાહ કહે છે કે ‘આપણે માનીએ છીએ કે મેન્ટલ ડિસઑર્ડર ધરાવતા લોકો ફિલ્મોમાં બતાવાય છે એવા જાતજાતનું વિયર્ડ બિહેવિયર કરનારા જ હોય, પણ આ માન્યતા ખોટી છે. રિયલ લાઇફમાં માનસિક બીમારી ધરાવતા લોકો પણ મોટા ભાગનો સમય નૉર્મલ જ લાગતા હોય. તેના મનમાં શું ચાલી રહ્યું છે એને ઉકેલવાનું અઘરું હોય છે. મેન્ટલ સાઇકિયાટ્રીમાં સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન, બાયપોલર ડિસઑર્ડર અને ડ્રગ ઍડિક્શન એમ ચાર મોટી અને ગંભીર બીમારીઓ હોય છે જેમાં દરરોજ દરદીની માનસિક અવસ્થા એક જ લેવલ પર હોય એ જરૂરી નથી. બે-ચાર દિવસ સારા જાય અને બે દિવસ લો હોય. આવા સમયે મેડિકલ હેલ્પ ઇઝ મસ્ટ. જ્યારે ગંભીરતા વધી જાય અને સુસાઇડલ હોય ત્યારે કાઉન્સેલિંગ, ટૉક થેરપી, યોગ, મેડિટેશન જેવી ચીજો કારગત ન નીવડે. તમારે મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા કન્ટ્રોલ મેળવવો જ પડે. જો આ સમય સચવાઈ ગયો તો વ્યક્તિ બચી જઈ શકે. સુશાંતને શું બીમારી હતી એ મહત્ત્વનું નથી, પરંતુ એ બીમારી કોઈને પણ થઈ શકે છે એ આપણે સમજવું જરૂરી છે. આ કોરોના જેવી બીમારી છે. ઍક્ટર હોય, વીઆઇપી હોય, પૈસેટકે સુખી હોય કે રંક હોય, કોઈને પણ એ થઈ શકે છે. આપણને લાગી શકે કે સુશાંતને વળી જીવનમાં શું ખોટ હતી? કોઈ સફળ વ્યક્તિને જોઈએ એ બધું એ જુવાનિયા પાસે હતું, પણ તે વ્યક્તિના દૃષ્ટિકોણથી તેના જીવનની સ્થિતિ મુજબ તેને કંઈક ખૂટતું લાગતું હોઈ જ શકેને? બીજું, લૉકડાઉન-ઇફેક્ટનો પણ આમાં સિંહફાળો કહી શકાય. ઑલરેડી ડિપ્રેશન ધરાવતા લોકો આઇસોલેશનના આ ફેઝમાં કોપઅપ કરવામાં ડિફિકલ્ટી અનુભવી રહ્યા છે એ વાત નિશ્ચિત છે.’

થોડા સમય પહેલાંના કોઈ વિડિયો-ઇન્ટરવ્યુમાં સુશાંત થોડો માયૂસ અને ડિપ્રેસ્ડ લાગતો હતો એવું જણાવતાં સેલિબ્રિટી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. યુસુફ માચીસવાલા કહે છે, ‘ખરેખર આ બ્રિલિયન્ટ યંગ ચૅમ્પ હતો. એમ છતાં ડિપ્રેશન એવી અવસ્થા છે જેને યોગ્ય સમયે જરૂરી ટ્રીટમેન્ટ ન અપાય તો તે સુસાઇડલ બની શકે છે. હું માનું છું કે આમાં કોઈ એકાદ ફૅક્ટર નથી હોતું. સંબંધોમાં તાણ,

થોડા સમય પહેલાં મમ્મીને ગુમાવ્યાનો ગમ, સતત કામમાં વ્યસ્ત રહેવાની આદત હોય અને અચાનક કામ વિના બેસી રહેવાનું આવે ત્યારે ઑલરેડી ડિપ્રેસ્ડ વ્યક્તિની સ્થિતિ આઉટ ઑફ કન્ટ્રોલ થઈ જ શકે છે. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આવી અવસ્થામાં વ્યક્તિ એકલી ન પડે. લૉકડાઉનમાં પરિવારથી જુદા રહેતા લોકોમાં ડિપ્રેશનનાં આવાં બાઉટ્સ આવવાની સંભાવના ઓર વધી જાય છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips sejal patel